કચ્છના વેપારીનું અપહરણ કરી પુત્ર પાસે 65 લાખની ખંડણી માગી: ત્રણ પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કચ્છથી મુંબઈ આવવાના નીકળેલા કાપડના વેપારીનું કથિત અપહરણ કરી પુત્ર પાસેથી 65 લાખ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી વેપારીનો છુટકારો કરાવ્યો હતો. આરોપીઓએ પચીસ લાખ રૂપિયા મલાડના આંગડિયા મારફત મોકલાવવાની સૂચના આપી હતી. પોલીસ આ કેસમાં આંગડિયાની પણ તપાસ કરશે.
વાકોલા પોલીસે પકડી પાડેલા આરોપીઓની ઓળખ રાધેશ્યામ મેવાલાલ સોની (30), સતીશ નંદલાલ યાદવ (33) અને ધર્મેન્દ્ર રામપતિ રવિદાસ (40) તરીકે થઈ હતી. ત્રણેય આરોપી મલાડ, કાંદિવલી અને ગોરેગામના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આપણ વાંચો: Champions Trophy પર આતંકવાદી હુમલાનો ખતરો; વિદેશીઓનું અપહરણ થઇ શકે છે: સેના અલર્ટ પર
પોલીસ ફરિયાદ અનુસાર કચ્છના ભચાઉ તાલુકામાં રહેતા કાપડના વેપારી કેશવજી ચૌધરી (60) વ્યવસાય નિમિત્તે સમયાંતરે મુંબઈ આવતા હોય છે. મુંબઈમાં સાંતાક્રુઝ પૂર્વમાં રહેતા પુત્ર મહેશકુમાર ચૌધરીના ઘરે ઘણી વાર રોકાતા હોય છે.
અધિકારીએ જણાવ્યું હતું કે કેશવજીભાઈ મુંબઈ આવવા માટે 20 ફેબ્રુઆરીની રાતે કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં બેઠા હતા. બીજે દિવસે સાંજે પત્નીએ ફોન કર્યો તો કેશવજીભાઈનો મોબાઈલ સ્વિચ ઑફ્ફ આવતો હતો. બીજી તરફ મહેશે કૉલ કરતાં પિતાનો સંપર્ક થયો નહોતો.
આપણ વાંચો: ગોરેગામથી પાંચ વર્ષના બાળકનું અપહરણ: 24 કલાકમાં આરોપી કલ્યાણમાં પકડાયો
જોકે બાદમાં કેશવજીના મોબાઈલ પરથી પુત્રને કૉલ આવ્યો હતો અને 65 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. પચીસ લાખ રૂપિયા તાત્કાલિક મલાડના આંગડિયા મારફત મોકલાવવાનું કહીને આરોપીએ આંગડિયાનું નામ અને મોબાઈલ નંબર સુધ્ધાં આપ્યા હતા. રૂપિયા ન મળે તો ચાકુ હુલાવી પિતાની હત્યા કરવાની ધમકી આરોપીએ આપી હતી.
આ પ્રકરણે મહેશે વાકોલા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને કાંદિવલીમાં ટ્રેસ કર્યો હતો. કાંદિવલીના લાલજી પાડા ખાતેથી સોનીને તાબામાં લેવાયો હતો. સોનીએ આપેલી માહિતી પરથી રામ મંદિર સ્ટેશન નજીકની એક ઈમારતમાં પોલીસની ટીમ પહોંચી હતી. ઈમારતના ફ્લૅટમાંથી બન્ને આરોપીને પકડી પાડી વેપારીનો છુટકારો કરાવ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.