સચિનનો એક વિક્રમ રચિન બે દિવસ પહેલાં તોડી ચૂક્યો છે, રવિવારે ટીમ ઇન્ડિયા સતર્ક રહે…
રાવલપિંડીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂ ઝીલૅન્ડનો ભારતીય ટીમે હજી ત્રણ દિવસ પછી સામનો કરવાનો છે, પરંતુ એ પહેલાં જ ન્યૂ ઝીલૅન્ડના યુવા ખેલાડી રચિન રવીન્દ્રએ ભારતના બૅટિંગ-લેજન્ડ સચિન તેન્ડુલકરનો એક મહત્ત્વનો વિક્રમ તોડી ચૂક્યો છે. સચિને પચીસ વર્ષની ઉંમર સુધીમાં આઇસીસી ટૂર્નામેન્ટોમાં કુલ ત્રણ સેન્ચુરી ફટકારી હતી, પરંતુ કિવી ઑલરાઉન્ડર રચિને પચીસ વર્ષની વય સુધીમાં ચોથી સદી ફટકારી છે.
સોમવારે રાવલપિંડીમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની બાંગ્લાદેશ સામેની મૅચમાં 105 બૉલમાં એક સિક્સર અને બાર ફોરની મદદથી 112 રન બનાવ્યા હતા અને ન્યૂ ઝીલૅન્ડને વિજય અપાવ્યો હતો. બાંગ્લાદેશે નવ વિકેટે 236 રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂ ઝીલૅન્ડે 46.1 ઓવરમાં પાંચ વિકેટે 240 રન બનાવીને પાંચ વિકેટના માર્જિનથી વિજય મેળવ્યો હતો.
આ પણ વાંચો: બોલો, રચિનના નામ અંગે સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો
રચિન રવીન્દ્ર ઈજાને કારણે 19મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેની પ્રથમ મૅચમાં નહોતો રમ્યો.
પચીસ વર્ષની ઉંમર સુધીમાં આઇસીસી ઇવેન્ટ્સમાં સૌથી વધુ સેન્ચુરી ફટકારી ચૂકેલાઓમાં હવે રચિન અને સચિન પછી ત્રીજા નંબરે શ્રીલંકાનો ઉપુલ થરંગા છે.
વન-ડે ફૉર્મેટમાં પચીસ વર્ષીં રચિને ચાર સેન્ચુરી અને ચાર હાફ સેન્ચુરીની મદદથી 1,082 રન બનાવ્યા છે. 43.28 તેની બૅટિંગ-ઍવરેજ અને 109.62 તેનો સ્ટ્રાઇક-રેટ છે. તે હવે રવિવારે ભારતને ભારે પડશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવી દેશે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ
આઇસીસી ટૂર્નામેન્ટમાં પચીસ વર્ષની વય સુધીમાં સૌથી વધુ સદી કોની?
(1) રચિન રવીન્દ્ર, 14 ઇનિંગ્સમાં ચાર સેન્ચુરી
(2) સચિન તેન્ડુલકર, 16 ઇનિંગ્સમાં ત્રણ સેન્ચુરી
(3) ઉપુલ થરંગા, બાવીસ ઇનિંગ્સમાં બે સેન્ચુરી