ડીસામાં બનાવટી ઘી બનાવનારા વેપારીઓ પર એફડીએની તવાઈ, 17.50 લાખનો માલ જપ્ત

ડીસા: બનાસકાંઠા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવટી ઘી બનાવનારા વેપારીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી. જી. આઇ. ડી. સીમાં આવેલી નવકાર ડેરી પ્રોડક્ટસ ખાતેથી 11 નમૂના લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આ સંબંધમાં તંત્રએ 4,000 કિગ્રાના 17.50 લાખના ભેળસેળિયા માલને જપ્ત કર્યું હતું.
આ પણ વાંચો: જયપુરમાં ૧૦,૪૦૦ લિટર બનાવટી ઘી જપ્ત, એકની ધરપકડ
અગાઉ લાઈસન્સ કરવામાં આવ્યું હતું રદ્દ
ખોરાક અને ઔષધ નિયમન (એફડીએ) તંત્ર દ્વારા ડીસા જી. આઇ. ડી. સી.માં આવેલી શ્રી નવકાર ડેરી પ્રોડક્ટસ ખાતે તપાસ કરવામાં આવેલ જેમાં સ્થળ પર ફૂડ સેફ્ટીના કાયદાની જોગવાઇઓનો ભંગ થતા જોવા મળેલ જે બદલ તંત્ર દ્વારા પેઢીને કલમ -32 હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવેલ હતી, પરંતુ પેઢી દ્વારા બે વખત તક આપવા છતાં નિયમોનું પાલન નહીં કરવામાં આવતા પેઢીનું લાઈસન્સ રદ્દ કરવામાં આવેલ હતું.
આકસ્મિક તપાસમાં ભાંડો ફૂટ્યો
તંત્ર દ્વારા આજે 25 ફેબ્રુઆરીના રોજ આકસ્મિક તપાસ કરતા પેઢીનું લાઈસન્સ રદ્દ કરી દીધું હોવા છતાં ઘીનું ઉત્પાદન કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આથી, પેઢીના તપાસ કરતા ઘીમાં સોયાબીન અને ઇન્ટરએસ્ટરીફાઇડ વેજિટેબલ ફેટની ભેળસેળની શંકા જતા તંત્ર કાયદા હેઠળની કાર્યવાહી કરતા ઘીની અલગ-અલગ બ્રાંડ અને વજનના કુલ 11 નમૂના લેવામાં આવ્યા હતા. તે ઘીનો જથ્થો રાત્રે બનાવી તેને તહેવારો દરમ્યાન રાજસ્થાન વેચવા માટે મોકલવાનો હતો. તે શંકાસ્પદ ભેળસેળિયા જથ્થાને તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આ માલની અંદાજીત કિંમત આશરે રૂ. 17.50 લાખ અને વજન આશરે 4000 કિગ્રા છે. તમામ 11 નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.
અગાઉ પણ થઈ ચૂકી છે સજા
આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, આ પેઢીના વેપારી પર ખાદ્યતેલમાં ભેળસેળ માટેના એડજ્યુડિકેશન કેસમાં રુ. 1.25 લાખનો દંડ અને મરચામાં કલરના ભેળસેળના ક્રિમિનલ કેસમાં રૂ. 25,000 નો દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા અગાઉ પણ થઇ ચૂકેલ છે.