Bihar માં વિધાનસભા ચૂંટણી પૂર્વે નીતિશ મંત્રીમંડળનું વિસ્તરણ, ભાજપના સાત ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા

નવી દિલ્હી : બિહારમાં(Bihar)આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે નીતિશ મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં ભાજપના 7 નવા મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. પટનાના રાજભવન ખાતે તમામ નવા મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં બિહારના ભાજપના ધારાસભ્યો સંજય સરાવગી, સુનીલ કુમાર, જીવેશ મિશ્રા, રાજુ સિંહ, મોતીલાલ પ્રસાદ, વિજય મંડલ અને કૃષ્ણ કુમાર મન્ટુએ મંત્રી તરીકે શપથ લીધા. જીવેશ મિશ્રાને બીજી વખત મંત્રી બનાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: નીતિશ કુમારે જેપી નડ્ડા સાથે કરી મુલાકાતઃ જાણો શું થઈ ચર્ચા?
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સમારોહમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર, ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.
સુનીલ કુમાર સરાવગીને મંત્રી તરીકે શપથ લેવડાવ્યા
આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં રાજ્યપાલે સૌપ્રથમ દરભંગાના ધારાસભ્ય સંજય સરાવગીને શપથ લેવડાવ્યા. તેમણે મૈથિલી ભાષામાં પદ અને ગુપ્તતાના શપથ લીધા. તે વૈશ્ય સમુદાયમાંથી આવે છે. તેની બાદ રાજ્યપાલે સુનીલ કુમાર સરાવગીને મંત્રી તરીકે શપથ લેવડાવ્યા. તેઓ નાલંદા જિલ્લાના બિહાર શરીફથી ભાજપના ધારાસભ્ય છે. તે કોઈરી સમુદાયના છે.
જયારે દરભંગા જિલ્લાના જાલેનાના ભાજપ ધારાસભ્ય જીવેશ મિશ્રાને બીજી વખત નીતિશ સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમણે મૈથિલી ભાષામાં પદ અને ગુપ્તતાના શપથ પણ લીધા. તે ભૂમિહાર જાતિમાંથી આવે છે.
રાજ્ય પાલે તેની બાદ સીતામઢી જિલ્લાના રીગા વિધાનસભાના બે વખતના ભાજપ ધારાસભ્ય મોતીલાલ પ્રસાદને મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા. મોતીલાલ તેલી સમુદાયમાંથી આવે છે.
સારણ જિલ્લાના અમનૌરના ભાજપના ધારાસભ્ય કૃષ્ણ કુમાર મન્ટુ ઉર્ફે મન્ટુ સિંહ પટેલે પણ મંત્રી પદના શપથ લીધા. મન્ટુ અમનૌરથી બે વખત ધારાસભ્ય છે. આ પહેલા તેઓ જેડીયુમાં હતા. સારણના ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીના નજીકના માનવામાં આવે છે. તે કુર્મી સમુદાયમાંથી આવે છે.
વિજય મંડલને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા
શપથ ગ્રહણનાઅંતે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને અરરિયા જિલ્લાના સિક્તીના ધારાસભ્ય વિજય મંડલને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. તેઓ પાંચ વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ ભૂતકાળમાં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ આનંદ મોહનની બિહાર પીપલ્સ પાર્ટી અને લાલુ યાદવની આરજેડીમાં પણ રહી ચૂક્યા છે. તેમને સીમાંચલમાં ભાજપનો પછાત વર્ગનો ચહેરો માનવામાં આવે છે.