આપણું ગુજરાત

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના 63 ટકા મુસ્લિમ ઉમેદવાર જીત્યા તો 21 બિનહરીફ, છે કોઈ ‘સંકેત’?

અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)એ 400 પારનો નારો લગાવ્યો હતો, પણ જનતાએ ભાજપના ધારેલા ગણિતને થાપ આપી હતી. ત્યાર બાદની ચૂંટણીઓમાં ભાજપે ખૂબ જ કાળજીપૂર્વક પગલા માંડીને ચૂંટણીના મેદાનમાં બાજી મારી છે. પાટનગર દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી હોય કે છત્તીસગઢ કે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી, આ તમામ ચૂંટણીઓમાં ભાજપે પોતાનો કેસરિયો લહેરાવ્યો હતો. ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 82 મુસ્લિમ ઉમેદવારોને જીતાડીને ઇતિહાસ રચ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે કે લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં 29 ટકા મુસ્લિમ મતદારો ભાજપ સાથે આવી ગયા હતા. આ દાવો સર્વે એજન્સી CSDS-લોકનીતિ દ્વારા કરવામાં આવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2023ની ભાજપ રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં પછાત મુસ્લિમો સુધી પહોંચવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તે જ વર્ષે તેમણે ભોપાલમાં એક રેલીમાં પણ કહ્યું હતું કે ઉચ્ચ જાતિના મુસ્લિમોએ તેમના જ સમુદાયના પછાત મુસ્લિમોનું શોષણ કર્યું છે અને તેમને તેમના અધિકારોથી વંચિત રાખ્યા. સરકારી સંસ્થા નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન (NSSO) અનુસાર મુસ્લિમોમાં OBC વસ્તી 40.7 ટકા છે. દેશની કુલ પછાત સમુદાયની વસ્તીમાં પછાત મુસ્લિમોનો હિસ્સો 15.7 ટકા છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ડાકોરમાં કૉંગ્રેસનું ખાતું ખૂલ્યું નહીં, પણ ભાજપને જીતવા પરસેવો વળી ગયો…

65 લોકસભા બેઠકો પર મુસ્લિમ મતદારોનો દબદબો

વિવિધ સર્વેના આંકડાઓ દર્શાવે છે કે 65 લોકસભા બેઠક પર 30 ટકાથી વધુ મુસ્લિમ મતદારો છે અને તેઓ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 92 બેઠકો પર 20 ટકાથી વધુ મુસ્લિમ મતદારો છે. આમાંથી, 41 બેઠક પર 21થી 30 ટકા મુસ્લિમ મતદારો, 11 બેઠકો પર 41થી 50 ટકા, 24 બેઠકો પર 31થી 40 ટકા અને 16 બેઠકો પર 50 ટકાથી વધુ મુસ્લિમ મતદારો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ, કર્ણાટક, આસામ જેવા રાજ્યોમાં મુસ્લિમ મતદારો ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ના કોઈ દૂરી, ના કોઈ ખાઈ હૈ, મોદી હમારા ભાઈ હૈ

ભાજપે 2024ની લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારો સુધી પહોંચવા માટે બહુપક્ષીય યોજના બનાવી છે. પાર્ટીએ હજારો ‘સ્નેહ સંવાદ’ કાર્યક્રમો દ્વારા 50 લાખથી વધુ મુસ્લિમો સાથે વાતચીત કરી. બીજી તરફ, તમામ 543 લોકસભા મતવિસ્તારના મુસ્લિમોને ‘મોદી મિત્ર’ બનાવવાની પહેલ કરવામાં આવી હતી. આ પહેલ હેઠળ દરેક બેઠક પર 2,000થી વધુ મુસ્લિમ મોદી મિત્ર બનાવવામાં આવ્યા. ત્યાર બાદ બૂથ મેનેજમેન્ટમાં મુસ્લિમોની ભાગીદારી વધારવામાં આવી. ‘ના કોઈ દૂરી હૈ, નાં કોઈ ખાઈ હૈ, મોદી હમારા ભાઈ હૈ’ ના નારા સાથે મુસ્લિમોને ભાજપની નજીક લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

ભાજપે કર્યું મુસ્લિમોનું કલ્યાણ

અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમોમાં ભાજપે મુસ્લિમોને જણાવ્યું કે કેવી રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે મુસ્લિમ સમુદાયનું સર્વાંગી કલ્યાણ કર્યું છે. મુસ્લિમ મહિલાઓને ‘ટ્રિપલ તલાક’થી મુક્તિ આપવા માટે કાયદો બનાવવાનો હોય કે ગરીબી નિવારણ યોજનાઓમાં મુસ્લિમ વસ્તીને કોઈ પણ ભેદભાવ વિના સમાવવાની હોય, મોદી સરકારે મુસ્લિમોના વિકાસ માટે નક્કર પગલાં લીધાં છે. ભાજપે મુસ્લિમોને કોંગ્રેસ શાસનમાં મુસ્લિમોની દુર્દશાની વાત સચ્ચર સમિતિના અહેવાલના સંદર્ભથી આપી હતી.

ભાજપને મળે છે મુસ્લિમોના મત?

ભારતના રાજકારણમાં મુસ્લિમ વોટબેંક ખૂબ જ મહત્વની રહી છે. પ્રારંભના કાળે કોંગ્રેસની પોતીકી વોટબેંક ગણાતી હતી. વર્ષ 1980 સુધી આ વોટબેંક કોંગ્રેસની સાથે મજબૂત રીતે ઊભી હતી. જોકે બાદમાં સ્થાનિક પક્ષના લીધે તેના ફાંટા પડ્યા અને સપા (સમાજવાદી પાર્ટી), બસપા, આરજેડી, ટીએમસીને મુસ્લિમોનું સમર્થન મળ્યું. જો કે એવું નથી કે મુસ્લિમો ભાજપને મત આપતા નથી. સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટી અનુસાર, 2014ની ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરે લગભગ 8.5 ટકા મુસ્લિમ મત ભાજપની તરફેણમાં ગયા હતા. ભાજપને પહેલા ક્યારેય મુસ્લિમો તરફથી આટલો બધો ટેકો મળ્યો ન હતો.

મુસ્લિમોનું વલણ બદલાયું?

જો કે બાબરી ધ્વંસ, ગુજરાત રમખાણોની અસરો મુસ્લિમોના મતઘડતર પર થઈ. ત્યારપછીની ઘણી ચૂંટણીઓમાં મુસ્લિમોએ તે પક્ષ અને ઉમેદવારને ટેકો આપ્યો જેમાં ભાજપને હરાવવાની તાકાત દેખાતી હતી. પરંતુ ગયા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીમાં, મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ ધરાવતી કુંદરકી બેઠક પર ભાજપના ઉમેદવારની જીતે મોટો સંકેત આપ્યો. કારણ કે લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં માત્ર 2 ટકા મુસ્લિમ મતદારોએ ભાજપને ટેકો આપ્યો હતો. જો કે તે બાદ હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ પણ આ મામલે સ્પષ્ટ સંકેતો આપ્યા છે.

ગુજરાતમાં ભાજપ પલટશે તેની બાજી?

ગુજરાત ભાજપ મીડિયા સેલના કન્વીનર યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, આ પરિણામો દર્શાવે છે કે લઘુમતીઓ હવે ભાજપને પડખે ઊભા છે. વિપક્ષે સમાન નાગરિક સંહિતા, ટ્રિપલ તલાક અને વક્ફ જેવા મુદ્દાઓ પર હોબાળો મચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની કોઈ અસર થઈ નહીં. તેમણે આગળ કહ્યું હતું કે, ‘આ પ્રદર્શનને ધ્યાને લેતા ભવિષ્યમાં ભાજપમાં લઘુમતી સમુદાય માટે પરિસ્થિતિ બદલાઈ શકે છે. અમે પાર્ટી એવી બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખી શકે છે જ્યાં મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ હોય. ભવિષ્યમાં કેટલીક બેઠકો એવી છે જ્યાં મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારી શકાય છે.

ભાજપના 21 મુસ્લિમ ઉમેદવારો બિનહરીફ

બિનહરીફ ચૂંટણી જીતેલા 210 ઉમેદવારોમાંથી ભાજપના 21 મુસ્લિમ ઉમેદવારો છે. અમે લગભગ 130 મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી જેમાંથી 82 ઉમેદવારો જીત્યા છે.’ તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં મુસ્લિમ સમુદાય સુધી પહોંચવાનું ભાજપનું કાર્ય 2007ની ગુજરાત ચૂંટણી પછી શરૂ થયું. પાર્ટી પોતાની છબી સુધારવા પર કામ કરી રહી હતી અને 2008 સુધીમાં મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી હતી.

ભાજપની બદલાતી રણનીતિનો સંકેત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ આંકડા ભાજપની વધતી જતી તાકાત અને બદલાતી રણનીતિને સ્પષ્ટ દર્શાવી આપે છે. ભાજપની આ નવી રણનીતિથી ગુજરાતના રાજકારણમાં મોટાપાયે ફેરફાર થઈ શકે છે. જો હવે ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં પણ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારે છે, તો તે કોંગ્રેસ માટે એક મોટો પડકાર બની રહેશે. કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ જાળવવા માટે નવી રણનીતિ ઘડવી પડશે. જો કે હવે આવનારા સમયમાં ગુજરાતનું રાજકારણ કઈ દિશામાં આગળ વધે છે તે જોવાનું બાકી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button