ગુજરાતી સાહિત્યને ‘પાનખર’ લાગી! જાણીતા કવિ અને નિબંધકાર અનિલ જોશીનું નિધન

મુંબઇ: ‘મને પાનખરની બીક ના બતાવો !’ ગુજરાતી ભાષાના જાણીતા કવિ અને નિબંધકાર, સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત સર્જક અનિલ જોશીએ આજે મુંબઇ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. સૌરાષ્ટ્રના ગોંડલમાં જન્મેલા અનિલ રમાનાથ જોશીનું 85 વર્ષની વયે મુંબઇ ખાતે નિધન થયું હતું. તેમના પુત્ર સંકેત જોશીએ સોશિયલ મીડિયા પર લખીને અનિલ જોશીના અવસાનની જાણ કરી હતી.
આજે ગુજરાત અને ગુજરાતી ભાષાને એક મહામુલા રતનની ખોટ પડી છે. ગુજરાતી ભાષાના લોકપ્રિય કવિ અને સાહિત્યકાર અનિલ જોશીનું આજે સવારે નિધન થયું હતું. છેલ્લા ઘણા સમયથી અનિલભાઈ માંદગીને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બેએક અઠવાડિયાં તેઓ આઈસીયુમાં રહ્યા હતા. હજી 21 ફેબ્રુઆરીએ તેઓ સારવાર પછી ઘરે આવ્યા હતા.

શિક્ષક, કારકુનથી લઈને ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર
ગુજરાતી કવિ, નિબંધકાર, કટારલેખક અનિલ જોશીનું વતન અને જન્મસ્થળ સૌરાષ્ટ્રનું ગોંડલ. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં પૂર્ણ કર્યા બાદ અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાંથી ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. ત્યારબાદ વર્ષ 1962થી 1969 દરમિયાન હિંમતનગર અને અમરેલીમાં શિક્ષક તરીકે સેવા આપી. તેમના મુંબઇ આગમન બાદ કારકુનથી તેમની યાત્રાનો પ્રારંભ થયો અને વર્ષ 1977થી મુંબઈ મહાનગર પાલિકામાં લૅંગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ગુજરાતી ભાષાના મુખ્ય સલાહકાર તરીકે જોડાયા હતા.
નવતર કવિઓમાં અનિલ જોશીનું મહત્ત્વનું પ્રદાન
ગુજરાતી સાહિત્યમાં સાતમા-આઠમા દાયકાના નવતર કવિઓમાં અનિલ જોશીનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. 1960 પછી કવિતામાં જે આધુનિક વલણો જોવા મળ્યા અને તે આધુનિકતાની ઝલક અનિલ જોશીનાં ગીતોમાં પણ જોવા મળ્યો છે. અનિલ જોશીની કવિતાઓ, ગીતોમાં સૌરાષ્ટ્રનું જોમ ઝીલાયું છે. તેમના કાવ્યોમાં તળપદા ભાવો, શબ્દો, તળપદા લય વગેરેનું પ્રયોજન થયું.
તેમના અમર કાવ્યો
તેમના સર્જનમાં “સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે”, “અમે બરફનાં પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં”, “મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો !” તેમની કાવ્ય પંક્તિઓથી સદૈવ અમરત્વ પામ્યા છે.
અનેક સન્માનોથી પોંખ્યા હતા
અનિલ જોશીનું સાહિત્ય સર્જન અનેક સન્માનોથી પોંખાયુ છે. કાવ્યસંગ્રહ ‘બરફનાં પંખી’ને જયન્ત પાઠક પારિતોષિક અને તેમના નિબંધસંગ્રહ ‘સ્ટેચ્યુ’ને સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ એનાયત થયો છે. એ ખાસ નોંધવું ઘટે કે કન્નડ ભાષાના સુધારવાદી એમ. એમ. કાલબુર્ગીની હત્યાના વિરોધમાં તેમણે આ એવોર્ડ પરત કર્યો હતો. વર્ષ 2010માં અનિલ જોશીને નરસિંહ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
તેમની કૃતિઓ
‘સ્ટૅચ્યૂ’ અને ‘પવનની વ્યાસપીઠ’ તેમના લલિત નિબંધોના સંગ્રહો છે. જ્યારે ‘જળની જન્મોતરી’, ‘ઓરાં આવો તો વાત કરીએ’, ‘ઊર્મિનો ઓચ્છવ’, ‘શબ્દનો સહવાસ’, ‘બોલપેન’, ‘બારીને પડદાનું કફન’, ‘દિવસનું અંધારું છે’ વગેરે અન્ય નિબંધસંગ્રહો છે. ‘ત્રાંસડી ઉપાડી શેઠની’ શીર્ષકથી તેમની આત્મકથા લખાઈ છે.