ઘટેલા ભાવથી થનારી અધધધ બચતનું શું કરવું?

ઊડતી વાત -ભરત વૈષ્ણવ
અમારા રાજુ રદીને મૂંઝવે છે આ પ્રશ્ન ‘ઘટાડો.’ એટલું જ વંચાયું. ન્યુફાઉન્ડલેન્ડના દરિયામાં ઠંડા અને ગરમ પાણીના પ્રવાહ એકમેકમા ભળે છે એટલે ત્યાં ધુમ્મસ રચાય છે.કારમાં એસી ચાલુ હોય અને કાર બંધ કરી તમે બહાર નીકળો એટલે ચશ્માં પર ઔંસ જામી જાય. તમે ચશ્માંની આરપાર જોઇ ન શકો. બધું જ ધૂંધળું દેખાય. ‘ઘટાડો.’ શબ્દ વાંચીને આવું જ કાંઇક લાગ્યું . મેં આંખ ચોળી. ઠંડું પાણી આંખ પર છાંટ્યું. વાઇપર જેમ ગાડીનો કાચ લૂંછે તેમ મેં રૂમાલથી ચશ્માના કાચ લૂંછયા.મને મારી આંખ પર વિશ્વાસ ન થયો.
અરે, યાર કેવી રીતે વિશ્વાસ બેસે ? આજદિન સુધી આવું થયું નથી. ઘણીવાર ખુલ્લી આંખે ધોખો થાય છે, જેમ કે લગ્ન. હું રાજુના ઘરે ગયો. રાજુને આજનું છાપું ધર્યું. ‘ભાવમાં ઘટાડો.’ રાજુએ વાંચ્યું. રાજુના ચહેરા પર અસમંજસ્યના ભાવ પથરાયા.. રાજુ સંમોહન થયું હોય તેમ ચકળવિકળ નજરે છાપાને નિહાળતો હતો. રાજુ માથું નકારમાં હલાવતો હતો.જગત મિથ્યા હોય તો આ સમાચાર પણ મિથ્યા જ હોય એમ. અમને બંનેને દ્રષ્ટિભ્રમ થયો હશે કે શું? અમે બંને મુઝાઇએ ત્યારે રાધારાણીના ચરણશરણે જઇએ. રાધારાણીને છાપું ધર્યુ. સમાચાર વાંચવા કહ્યું.
‘હેં આ સાચું છે ગિધુડા ?’
(રાધારાણી મને પ્રેમમાં અને ગુસ્સામાં પણ ‘ગિધુડા’ તરીકે સંબોધન કરે છે.) આવું તો કદી બન્યાનું મારી સાંભરણમાં નથી.’ રાધારાણીએ પણ સંશય કર્યો. જેને છાપું વંચાવું તે અચંબો પામી જાય છે. સમાચાર જ સાલ્લા એવા છે કે કિન્નરે પુત્રને જન્મ આપ્યો. કોઇ માની જ ન શકે!
‘રાધાભાભી, તમે સાચું કહો છો. ‘વા ફરે વાદળ ફરે, ફરે નદીના નીર, વધેલા ભાવ ઘટે નહીં, ભલે ઉત્તર દક્ષિણ ઊગે સૂર’ તેમ અમસ્તું કહેવાયું છે? ‘રાજુએ મમરો મુકયો.’ ‘જેમ 2024 ના વરસમાં જીવેલી જિંદગી 2025ની સાલમાં પરત લાવી શકાય નહીં તેમ વધેલા ભાવને જીનની જેમ પાછો ચિરાગમાં લાવી શકાય નહીં. શરીર છોડી ગયેલો આત્માને ખોળિયામાં મારી મચડીને પાછો લાવી શકાય નહીં તેમ વધેલા ભાવ કદાપિ ઘટે નહીં.’ રાધારાણીએ કહ્યું.
‘આપણને આઝાદી મળી ત્યારે એક ડૉલર બરાબર ચાર રૂપિયા હતો. આજે એક ડૉલરનો ભાવ 86.70 થયેલ છે. હવે ચાર રૂપિયા બરાબર એક ડોલર કેવી રીતે થઇ શકે?’ મેં ભાવ વધારાના વિષચક્રને વર્ણવ્યું. ‘ગિરધરલાલ, આઝાદી સમયે એક તોલા સોનાનો ભાવ અઠયાંશી રૂપિયા હતો. આજે એક તોલા સોનાનો ભાવ 83000 રૂપિયા છે. સોનાનો ભાવ 94318% વધ્યો છે.. સોનાનો ભાવ ઘટીને અઠયાંશી રૂપિયા કદી ન થાય.’
રાધારાણીએ કુશળ અર્થશાસ્ત્રીની જેમ વિગત શેર કરી.
‘રાજુ, હિમાલય પર્વત પરથી ઊતરેલી ગંગા નદી પાછી કદાપિ હિમાલય પર પરત ફરતી નથી.. ધનુષ્યમાંથી છૂટેલ બાણ પરત આવતું નથી. બોલેલા શબ્દો પાછા મોમાં પરત ફરી શકતા નથી તેવી જ રીતે તૂટેલ મન-મોતી કે કાચ સાંધી શકાતા નથી . મસાણે ગયેલા મડદા મસાણેથી પાછા આવતા નથી. બસ, એમ જ વધેલા ભાવો પણ ક્યારેય ઘટતા નથી.’ મેં રાજુને વધેલા અફર ભાવોની સ્થિતિ દાખલા સહ સમજાવી.
‘ગિરધરલાલ, ખાતર, ગેસ સિલિન્ડર, ચાંદી, ટમેટા , ડુંગળી, લસણ, કોથમીર, મરી મસાલા, સૌંદર્ય પ્રસાધન, સોનું , ચાંદી, મકાન, ફલેટ.. ગમે તે આઇટમનું નામ લો. એના વધેલા ભાવો ઘટ્યા હો તો મને કહો.’ રાજુએ મને ચેલેન્જ આપી.’ ‘રાજુ, આ દૂધનો ભાવ ઘટાડો એ એક મિરેકલ એટલે કે ચમત્કાર છે’ મે રાજુને અજાયબી જેવા અજનબી સમાચાર જણાવ્યા.
‘ગિરધરલાલ, કેટલાક દૂધની ડેરીવાળા જબરા ચાલાક હોય છે. દૂધની કોથળીમાં એકાદ-બે રૂપિયાનો કમરતોડ વધારો કરી ગૃહિણીઓના બજેટને ખોરવી નાંખે. છતાં પણ, ભાવ વધારાની યાદીમાં ભાવ વધારો શબ્દ લખવાની જગ્યાએ ભાવ સુધારો કરી જનતાને છેતરે . કોઇ ઠોઠ નિશાળિયાને વાર્ષિક પરીક્ષાના પરિણામપત્રકમાં નાપાસને બદલે ‘ઇમ્પ્રુવન્નટ ઇઝ રિકવાયર્ડ’ જેવા ફૂલ ગુલાબી શબ્દો લખે . ‘રાજુએ મને દૂગ્ધાયણની મુગ્ધાયણ સંભળાવી.
‘ગિધુડા, ડેરી સંચાલકો શિયાળા કે ઉનાળામાં લીલા પશુચારા, ખાણદાણના ભાવ વધે તો દૂધના ભાવ વધારે તે સમજી શકાય. પશુ ઉત્પાદકોને દૂધના પ્રોત્સાહક ભાવ આપવાની લ્હાયમાં ગ્રાહકેને અસ્ત્રા વિના મૂંડી નાખે . ચોમાસામાં લીલો પશુચારો વિપુલ માત્રામાં મળી રહે ત્યારે ભાવ ઘટાડવાનું વિચારે તો એમના પરમ પૂજય પિતાશ્રી વૈકુંઠલોકે જતા રહે? જાહેરાત ન આપે તો દૂધની કોથળી પાંચ રૂપિયાના ઓછા ભાવે વેચે તો ખોટ ન જાય’ રાધારાણીએ ગૃહિણી તરીકેની ભડાશ નિકાળી.
‘ગિરધરલાલ, પેલી દૂધ કંપની એ તો કમાલ કરી નાખી. છેલ્લા આઠ વરસમાં સોળ રૂપિયાનો વધારે જંગી વધારો કરીને કરોડો રૂપિયા ગ્રાહકના ખિસ્સા પર બ્લેડ મારીને સેરવી લીધા.હવે ગાડાના પૈડાં જેવા એક રૂપિયાનો માતબર ઘટાડો કર્યો છે.’ રાજુએ મને છાપામાં પ્રગટ થયેલ સમાચાર મોટેથી ફરી સંભળાવ્યા. એરણની ચોરી કરી સોયનું દાન કરનાર સદેહે સ્વર્ગે જવા વિમાનની રાહ જુવે તેવું ગિમિકસ કર્યું છે. કહે છે કે આ ભાવ ઘટાડાનો લાભ પાંચસો મિલિલિટરની કોથળીનો વપરાશ કરનારને નહીં મળે. આનો લાભ લિટર દૂધ લેનારને જ મળશે. ટૂંકમાં ‘ચકલી મોટીને ફૈડકો નાનો’ જેવું કર્યું.
અમારા રાજુ રદીએ રોજના એક રૂપિયાની બચતની મહિના, વરસ પ્રમાણે ગણતરી કરી મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદવા,આલીશાન વિલા લેવા તેમજ તૃપ્તિ ડમરી સાથે લગ્ન કરી ચાર્ટર વિમાનમાં હનીમૂન કરવાનો માઇક્રો પ્લાન પણ ઘડી કાઢ્યો છે. વાંચક બિરાદરો,તમે દૂધના ઘટેલા ભાવથી થનારી લાઇફટાઇમ બચતમાંથી કશોક ખર્ચ કરવાનો કંઇ પ્લાન બ્લાન કર્યો છે કે નહીં? જો પ્લાન કર્યો હોય તો પણ કોઈને જણાવશો નહીં, કેમ કે ડેરી વાળા પાછા દૂધના ભાવમાં કયારે વધારો કરી નાંખશે એ કહેવાય નહીં.