કાશ પટેલનો કેવો છે કરિશ્મા ટ્રમ્પે મૂળ ગુજરાતી એવા કાશને FBIના ડિરેક્ટર કેમ બનાવ્યા? કાશની લવ સ્ટોરી પણ જાણવા જેવી છે.

પ્રાસંગિક -અમૂલ દવે
આ બોક્સ ઓફિસમાં હિટ થાય એવી સલીમ જાવેદ ટાઈપની રસપ્રદ પટકથા છે. આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરણ ગામના રમેશભાઈ વિનોદ પટેલ 70-75 વર્ષ પહેલાં આફ્રિકાના યુગાન્ડા જઈને વસે છે. જોકે 1971માં સરમુખત્યાર ઈદી અમીન ભારતીય સમુદાયને 90 દિવસમાં યુગાન્ડા છોડવાનો હુકમ આપે છે. કનડગત બાદ પરિવારસહ એમણે યુગાન્ડા છોડી દેવું પડે છે પરિવારે અમેરિકા- કેનેડા અને બ્રિટનમાં શરણાર્થી તરીકે રહેવા માટે અરજી કરી હતી. પરિવાર થોડી વાર ભારતમાં રહે છે. કેનેડાએ અરજીનો સ્વીકાર કરતાં પરિવાર કેનેડા જાય છે અને ત્યાંથી અમેરિકા જાય છે.
હવે કથામાં નાનકડો એવો ટ્વિસ્ટ
1980માં પરિવારમાં પુત્ર કશ્યપનો જન્મ થાય છે. અમેરિકામાં જન્મેલા સંતાનો આપમેળે અમેરિકાના નાગરિક બને છે એવા અધિકારને લીધે કશ્યપ અમેરિકન નાગરિકત્વ મેળવે છે. અલબત્ત, એ વાત અલગ છે કે અમેરિકાના પ્રમુખ અને કશ્યપના બોસ ડોનલ્ડ ટ્રમ્પે હવે અમેરિકામાં જન્મેલા બાળકોને આપમેળે નાગરિકત્વ આપવાનું બંધ કરી દીધું છે. આ જ કશ્યપ કાયદાના સ્નાતક બને છે. હાલમાં ટ્રમ્પે કશ્યપની વફાદારીથી ખુશ થઈને એમને અમેરિકાની કેન્દ્રીય એજન્સી ‘ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન’ (FBI)ના ડિરેક્ટર તરીકે નોમિનેટ કર્યા છે..
તાજેતરમાં સેનેટે 44 વર્ષના પાટીદાર કશ્યપના નામાંકનને મંજૂરીની મહોર સાંકડી બહુમતીથી મારી હતી. એમની તરફેણમાં 51 અને વિરુદ્ધમાં 49 મત પડે છે. તેમના જ પક્ષ રિપબ્લિકન બે સભ્ય પણ એમની વિરુદ્ધમાં મતદાન કરે છે. આમ છતાં કશ્યપને એ બહુ પ્રતિષ્ઠિત પદ મળે છે. આ થયો પટકથાનો મોટો ટ્વિસ્ટ! ટ્રમ્પ જે વસાહતીઓને ધિક્કારે છે અને ગેરકાયદે વસાહતીને હાથમાં કડી અને પગમાં બેડી પહેરાવીને લશ્કરી વિમાનમાં વતન મોકલાવે છે. એવા એક વસાહતીનો પુત્ર 37,000 કમર્ચારી ધરાવતી અમેરિકાની ફેડરલ એજન્સીના નવમા ડિરેક્ટર બને છે. કેટલી મોટી સિદ્ધિ..! એક ભારતીય-અમેરિકન અને મૂળ ગુજરાતી પહેલી વાર FBIના ડિરેક્ટર બને છે.
કશ્યપ પ્રમોદ વિનોદ પટેલને અમેરિકામાં બધા કાશ પટેલ તરીકે ઓળખે છે- બોલાવે છે કાશ એમની ગર્લફ્રેન્ડે પકડેલી ગીતા પર હાથ રાખીને સોગંદ લે છે. એનાથી પણ બધાને સરપ્રાઈઝ થાય છે. જે કાશ FBIને ગાળો દેતા હતા એ જ કાશ હવે એફબીઆઈના વડા બન્યા છે. એમના વિદેશી મૂળ અને ટ્રમ્પના વફાદાર હોવાને લીધે એમની આ નિમણૂકની વ્યાપક ટીકા થઈ રહી છે. સામાન્ય રીતે આવી નિમણૂક થાય ત્યારે ઉમેદવારને 70થી વધારે મત મળતા હોય છે, પરંતુ કાશને ડેમોક્રેટિક પાર્ટીના એક પણ સાંસદે મત આપ્યો નથી. એમના વિરોધીઓ કહે છે કે કાશ પટેલ તટસ્થ નહીં રહે અને FBIને ટ્રમ્પ કંટ્રોલ્ડ બ્યુરો બનાવી દેશે. અ્મુક વિરોધીઓ કહે છે કાશ પાસે આ હોદ્દા પર બેસવા જેટલા શિક્ષણ અને લાયકાત નથી.
ટ્રમ્પે પણ વારંવાર FBI પર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને FBIએ માર-આ-લોગો રિસોર્ટમાં દરોડા પાડ્યા હતા અને ટ્રમ્પ પર એવા આક્ષેપ કર્યો હતો કે ટ્રમ્પે ગુપ્ત વર્ગીકૃત દસ્તાવેજો ગેરકાયદે પોતાની પાસે રાખ્યા હતા કાશના વખાણ કરીને. ટ્રમ્પે કહ્યું હતું કે એ ઉત્કૃષ્ટ વકીલ, તપાસકર્તા અને અમેરિકા ફર્સ્ટના લડવૈયા છે.
અલબત્ત, કાશની નિમણૂક કરી એની પાછળ ટ્ર્મ્પ્પનો સ્વાર્થ પણ છે. જો બાઈડેનના શાસનમાં ટ્રમ્પ સામે અનેક ફોજદારી કેસ થયા હતા અને આમાં કાશે એમને મદદ કરી હતી. ટ્રમ્પનો જોરદાર બચાવ કર્યો હતો. કાશ પટેલ પણ ટ્રમ્પની જેમ FBIના વિરોધી છે. ટ્રમ્પ સામે ‘ડીપ સ્ટેટ’ કાવતરા કરે છે.‘ ડીપ સ્ટેટ’ નો અર્થ કથિત ગુપ્ત નેટવર્ક જેમાં બિન ચૂંટાયેલા સરકારી અધિકારીઓ અને ખાનગી એન્ટિટીનો સમાવેશ થાય છે અને આ ડીપ સ્ટેટ શાસક સામે કાવતરા કરે છે. કાશે ડીપ સ્ટેટ સામે ‘ગવર્નમેન્ટ ગેંગસ્ટર્સ’ નામનું પુસ્તક પણ લખ્યું છે.
ટ્રમ્પ કહે છે કે કાશ પટેલ એજન્સીની નિષ્ઠા, બહાદુરી અને પ્રમાણિકતા પાછી સ્થાપિત કરશે. ટ્રમ્પે એવી આશા વ્યક્ત કરી છે કે કાશ પટેલના નેતૃત્વ હેઠળ FBI ગુનાની મહામારીને તોડી નાખશે સરહદ પરથી માનવ અને ડ્રગ્સની તસ્કરી રોકશે. કાશ પટેલે સંકટના સમયે પણ ટ્રમ્પનો સાથ છોડ્યો નથી. ટ્રમ્પના ફોજદારી ખટલા વખતે કાશ એમની સાથે જ હતા. કાશે કહ્યું હતું કે ટ્રમ્પ ગેરબંધારણીય સર્કસના પીડિત છે.
2020ના પરિણામને ઉલટાવાના આરોપ ટ્રમ્પ પર મુકાયા હતા. 6 જાન્યુઆરી, 2021માં ટ્રમ્પના ટેકેદારોએ ન્યૂ યોર્કમાં રમખાણો કર્યાં હતાં. કાશ એ વખતે તત્કાલિન સંરક્ષણ પ્રધાનના સ્ટાફના વડા હતા. કાશે જુબાની આપી હતી કે ટ્રમ્પે હુમલા પહેલાં 10,000થી 20,000 જવાનોને તૈનાત કર્યા હતા. અલબત્ત, કોલારાડો કોર્ટે ત્યારે કહ્યું હતું કે કાશ એ વિશ્વસનીય સાક્ષી નથી. અમેરિકાની સેનેટના 2020ના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ 2016ની ચૂંટણીમાં ટ્રમ્પને આક્રમક રીતે મદદ કરી હતી.
કાશની સોગંદવિધિ વખતે એમની ગર્લફ્રેન્ડ એલેક્સિસ વિલ્ક્ધિસન છવાઈ ગઈ હતી. સફેદ વસ્ત્ર પરિધાન કરનાર એલેક્સિસ કાશે સોગંદ લીધા ત્યારે ગીતાનું પુસ્તક પકડ્યું હતું. એલેક્સિસ કહે છે કે ‘કાશ પ્રમાણિક -વફાદાર- ભલો અને દરકાર લેનારો ઈન્સાન છે… ટ્રમ્પે મને પૂછ્યું હતું કે કાશ વફાદાર છે? ત્યારે મેં હા પાડી હતી. મને તેની નિમણૂકની વાત ખબર પડી ત્યારે મેં ત્રણ જ શબ્દો કહ્યા હતા : ‘આઈ એમ ગોના ક્રાય. હું રડી પડીશ !’.
એલેક્સિસ ગાયક- લેખક અને કોમેન્ટેટર છે. એ પણ ટ્રમ્પની ટેકેદાર છે. પક્ષના કાર્યક્રમમાં જ એ બન્નેની મુલાકાત થઈ હતી ને પ્રથમ દૃષ્ટિએ પ્રેમ થયો હતો. એણે પ્રેસ સેક્રેટરી તરીકે જોબ લીધી છે, જેથી કાશ સાથે વોશિંગ્ટનમાં રહી શકે. કાશ કહે છે કે એક સામાન્ય બાળક તરીકે મારું સ્વપ્ન અમેરિકા આવવાનું હતું. આ સ્વપ્ન સાકાર થયું છે.
FBIના વડા બનવાથી મને સર્વોત્તમ ગૌરવ મળ્યું છે. કાશ FBIના કમર્ચારીઓ અને અધિકારીઓને વોશિંગ્ટન બદલે બીજા શહેરની ઓફિસમાં મોકલવા માંગે છે. કાશ પત્રકારોને કહે છે કે તમે મારે માટે નકારાત્મક અને બદનક્ષીભરી વાતો લખવાનું ચાલુ રાખો. મને કોઈ ઓબ્જેક્શન નથી. જોકે તમે મારા મહિલા અને પુરુષ અધિકારીઓ વિશે કશું એલફેલ લખતા નહીં. કાશ પટેલ ભગવાન શંકરના ભક્ત છે. ભાદરણના પનોતા પુત્રે એની કલગીમાં વધુ એક પીછું ઉમેર્યું છે.