ભિવંડીમાં ગુમ બાળકનો મૃતદેહ બીજે દિવસે પથ્થરની ખાણમાંથી મળ્યો

થાણે: દુકાનેથી નાસ્તો લેવા ઘરેથી નીકળ્યા પછી ગુમ થઈ ગયેલા આઠ વર્ષના બાળકનો મૃતદેહ બીજે દિવસે તળાવ નજીકની પથ્થરની ખાણમાંથી મળી આવ્યો હતો.
ભિવંડીમાં વરહાલદેવી તળાવ નજીકથી ખાણમાંથી રવિવારે બાળકનો મૃતદેહ મળ્યા પછી પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો હતો. જોકે બાળકના પરિવારજનોએ દાવો કર્યો હતો કે બાળકના માથા પર ઇજાનાં નિશાન હતાં અને તેના મોઢામાંથી ફીણ નીકળતું હતું.
આપણ વાંચો: મુંબઈ ફેરી દુર્ઘટના: 7 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો, મૃત્યુઆંક વધીને 15 થયો
નારપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બાળક શનિવારની સાંજે દાદા પાસેથી નાસ્તાના રૂપિયા લઈને ઘરથી નીકળ્યા પછી પાછો ફર્યો નહોતો. પરિવારજનોએ આસપાસ પરિસરમાં શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ મળી નહોતી. આખરે પોલીસનો સંપર્ક સાધી બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન રવિવારની સવારે 11 વાગ્યાની આસપાસ બાળકનો મૃતદેહ ખાણમાંથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મુંબઈની જે. જે. હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસ પોસ્ટમોર્ટમના અહેવાલની રાહ જોઈ રહી છે. આ પ્રકરણમાં પોલીસ દરેક મુદ્દે તપાસ કરી રહી છે. (પીટીઆઈ)