CAG રીપોર્ટમાં કેજરીવાલ સરકાર અંગે મોટા ઘટસ્ફોટ; કૌભાંડને કારણે થયું મોટું નુકશાન

નવી દિલ્હી: દિલ્હીમાં સત્તા પલટો થયા બાદ ભારતીય જનતા પાર્ટી(BJP)ની સરકાર અગાઉની આમ આદમી પાર્ટી(AAP) સરકાર અંગે ખુલાસા કરી રહી છે. મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ આપેલા વચન મુજબ આજે લિકર પોલીસી કૌભાંડ અંગે CAG રિપોર્ટ વિધાનસભામાં (CAG report in Delhi Assembly) રજૂ કરવામાં આવ્યો હતો. CAG રિપોર્ટ મુજબ AAP સરકારના કાર્યકાળ દરમિયાન લિકર પોલીસીમાં ઘણી ગેરરીતિઓ થઈ હતી, જેના કારણે સરકારી તિજોરીને 2002.68 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ CAGનો રીપોર્ટ આજે ગૃહમાં રજૂ કર્યો હતો. વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, એ જાણીને આશ્ચર્ય થાય છે કે 2017-18 પછી, CAG રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો ન હતો.
આ પણ વાંચો: પંજાબની AAP સરકારમાં ભંગાણ પડશે! કેજરીવાલે બોલાવી ઈમરજન્સી બેઠક
નોંધનીય છે કે CBI અને ED પહેલાથી જ આ કેસની તપાસ કરી રહ્યા છે, આ કથિત કૌભાંડને કારણે પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પૂર્વ આબકારી પ્રધાન મનીષ સિસોદિયાને જેલમાં જવું પડ્યું હતું, હાલમાં આ બંને નેતા જામીન પર છે. CAGનો રિપોર્ટ જાહેર થતા AAP નેતાઓની મુશ્કેલીઓ ફરી વધી શકે છે.
સરકારી તિજોરીને મોટું નુકશાન:
166 પાનાના CAG રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે AAP સરકારના કાર્યકાળ દરમિયાન દિલ્હીમાં લાગુ કરવામાં આવેલીલિકર પોલીસીને કારણે સરકારી તિજોરીને 2000.68 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
લાઇસન્સના નિયમોનું ઉલ્લંઘ:
CAG રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે નવેમ્બર 2021 થી સપ્ટેમ્બર 2022 દરમિયાન દિલ્હી એક્સાઇઝ રૂલ્સ, 2010 ના નિયમ 35 ને લાગુ કર્યો ન હતો, જેના કારણે એવા જથ્થાબંધ વેપારીઓને લાઇસન્સ આપવામાં આવ્યા હતા, જેઓ ઉત્પાદકો દાથે સંબંધ ધરાવતા હતા અથવા છૂટક વેપારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતા હતા.
જથ્થાબંધ વેપારીઓને ફાયદો:
CAG રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે AAP સરકારે જથ્થાબંધ વેપારીઓના નફાના માર્જિનને 5 ટકાથી વધારીને 12 ટકા કર્યું છે. સરકારે આ નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે ક્વોલીટી ચેકિંગ માટે વેરહાઉસમાં સરકાર દ્વારા માન્ય લેબોરેટરી સ્થાપિત કરવાનું ફરજીયાત હતું. જોકે, કોઈ લેબોરેટરી સ્થાપિત કરવામાં આવી ન હતી, જેના પરિણામે બલ્ક લાઇસન્સ ધારકોનો નફો વધ્યો પરંતુ સરકારી આવકમાં ઘટાડો થયો.
તપાસ વગર લાયસન્સ:
CAGના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે કોઈ પણ યોગ્ય તપાસ વિના દારૂના છૂટક વેપારીઓને લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતાં. લિકરઝોન ચલાવવા માટે શરૂઆતમાં 100 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ જરૂરી હતું, છતાં કોઈ માપદંડ નક્કી કરવામાં આવ્યા ન હતા. પરિણામે, નાણાકીય રીતે નબળી કંપનીઓને લાઇસન્સ આપવામાં આવ્યા, જેમાંથી ઘણી કંપનીઓએ પાછલા ત્રણ વર્ષમાં મિનીમમ અથવા શૂન્ય આવક નોંધાવી હતી. જે સૂચવે છે કે પ્રોક્સી માલિકો હતાં, જેમાં રાજકીય પક્ષપાત અને ગુપ્ત સોદાઓ થયાની શંકા છે.
નિષ્ણાતોના સૂચનોની અવગણના:
CAG એ રીપોર્ટમાં કહેવામાં આવ્યું કે AAP સરકારે 2021-22 માટે એક્સાઇઝ પોલિસી અંગેની પોતાની નિષ્ણાત સમિતિની ભલામણોને કોઈપણ કારણ વિના ફગાવી દીધી હતી.
એક અરજદારને 54 લાયસન્સ!
રિપોર્ટમાં જણાવાયું છે કે નવી લિકર પોલિસી હેઠળ એક અરજદારને 54 લિકર વેંડ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે અગાઉ આ લીમીટ ફક્ત 2 હતી. આનાથી દારૂ બજારમાં મોનોપોલી અને કાર્ટેલાઇઝેશન થયું. અગાઉ, સરકારી કોર્પોરેશનો દ્વારા સંચાલિત 377 છૂટક વેપારીઓ અને ખાનગી વ્યક્તિઓ દ્વારા 262 છૂટક વેપારીઓ હતાં. નવી પોલિસીમાં 849 વેન્ડ સાથે 32 રિટેલ ઝોન બનાવવામાં આવ્યા, પરંતુ ફક્ત 22 ખાનગી કંપનીઓને લાઇસન્સ આપવામાં આવ્યા.