Champions Trophy 2025

પૅટ કમિન્સના મતે ટીમ ઇન્ડિયાને કયો બહુ મોટો ફાયદો થયો છે?

સિડનીઃ ઑસ્ટ્રેલિયાનો સફળ સુકાની પૅટ કમિન્સ પગની ઘૂંટીની ઈજાને કારણે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમવા નથી આવ્યો અને તાજેતરમાં જ પત્ની બેકીએ પુત્રીને જન્મ આપ્યો હોવાથી પરિવાર સાથે વેકેશન માણી રહ્યો છે, પરંતુ ઘરમાં બેસીની ટીવી પર પોતાની ટીમની મૅચો જોવાની સાથે તે બીજી ટીમો પર પણ અવલોકન આપતો રહે છે જેમાંની એક સમીક્ષા તેણે ભારતીય ટીમની બાબતમાં કરી છે.

કમિન્સે એક ચૅનલને કહ્યું છે કે ભારતીય ટીમને સૌથી મોટો લાભ એ થયો છે કે એ એક જ મેદાન પર તમામ મૅચો રમી રહી છે.' પાકિસ્તાન આ ટૂર્નામેન્ટનું મુખ્ય યજમાન છે અને ભારતે પોતાની ટીમ પાકિસ્તાન નથી મોકલી એટલે હાઇબ્રિડ મૉડેલ હેઠળ ભારતીય ટીમ પોતાની બધી મૅચો દુબઈમાં રમી રહી છે.

આપણ વાંચો: ચૅમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, પહેલા જ દાવમાં બે સદી અને બે સેન્ચુરી-પાર્ટનરશિપ

દુબઈમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ મૅચમાં ભારતે 21 બૉલ બાકી રાખીને છ વિકેટે તેમ જ પાકિસ્તાન સામેની બીજી મૅચમાં 45 બૉલ બાકી રાખીને છ વિકેટે વિજય મેળવ્યો હતો.

હવે રવિવાર, બીજી માર્ચે દુબઈમાં જ ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામે મુકાબલો થશે. કમિન્સે મુલાકાતમાં કહ્યું છે કેએક જ સ્થળે (દુબઈમાં) રમવાનો ભારતીય ટીમને બહુ મોટો ફાયદો છે. ટીમ ઇન્ડિયા ખૂબ મજબૂત છે અને દેખીતી રીતે તમામ મૅચો એક જ ગ્રાઉન્ડ પર રમાઈ હોવાનો આ ટીમને મોટો લાભ થઈ રહ્યો છે.’

આપણ વાંચો: શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝ કેમ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં નથી? કારણો ખૂબ રસપ્રદ છે

હવે રવિવારે ભારતનો મુકાબલો કિવીઓ સામે છે અને કિવીઓ બન્ને મૅચ પાકિસ્તાનમાં બે સ્થળે રમ્યા છે અને રવિવારે ત્રીજા મેદાન પર એટલે કે દુબઈમાં ભારત સામે રમશે. કરાચીમાં ન્યૂ ઝીલૅન્ડે પાકિસ્તાનને 60 રનથી હરાવ્યું હતું અને પછી રાવલપિંડીમાં બાંગ્લાદેશ સામે પાંચ વિકેટે વિજય મેળવ્યો હતો.

ભારતીય ટીમ હવે સેમિ ફાઇનલ પણ દુબઈમાં રમશે અને જો ફાઇનલમાં પહોંચશે તો એ ફાઇનલ (પાકિસ્તાન મુખ્ય યજમાન હોવા છતાં એના કોઈ મેદાન પર નહીં, પરંતુ) દુબઈમાં જ રમાશે. ઉલ્લેખનીય છે કે બીજી સેમિ ફાઇનલ લાહોરમાં રમાવાની છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button