વેપાર

સોના-ચાંદીના ભાવમાં વધ-ઘટ, મુંબઈ ઝવેરી બજારમાં આજના સોનાના ભાવ જાણો?

સોના-ચાંદીના ભાવમાં વધ-ઘટ, મુંબઈ ઝવેરી બજારમાં આજના સોનાના ભાવ જાણો?


(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનામાં સલામતી માટેની માગને ટેકે હાજરમાં એક તક્કે ભાવ વધીને આૈંસદીઠ 2956.15 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચીને પાછાં ફર્યા હતા. વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે 43 પૈસા જેટલા કડાકા સાથે ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. આમ રૂપિયો નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી આજે ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજારથી વિપરીત સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 96નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ભાવમાં કિલોદીઠ રૂ. 390નો ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ડૉલર સામે રૂપિયો નબળો પડવાથી આયાત પડતરોમાં વધારો થતાં હાજરમાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 96 વધીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 86,150 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 86,496ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. તાજેતરમાં ઊંચા મથાળેથી ખાસ કરીને રિટેલ સ્તરની માગ રૂંધાઈ રહી હોવાથી ફેબ્રુઆરી મહિનામાં દેશમાં સોનાની આયાત 85 ટકાના ઘટાડા સાથે બે દાયકાની નીચી સપાટીએ રહેવાની ધારણા મૂકાઈ રહી છે..

આ પણ વાંચો: Mumbai Gold Rate: ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનું વિક્રમ સપાટીની નજીક

ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક તક્કે વધીને આૈંસદીઠ 2956.15 ડૉલરની સપાટી સુધી પહોંચીને પાછા ફર્યા બાદ આજે લંડન ખાતે પણ સત્રના આરંભે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 2937.03 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.4 ટકાના ઘટાડા સાથે 2952 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા ઘટીને આૈંસદીઠ 32.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

કેનેડા અને મેક્સિકોએ તેની સરહદમાંથી અમેરિકામાં થઈ રહેલી ગેરકાયદેસરની ઘૂસણખોરી અટકાવા માટે સલામતી માટેના પગલાંઓ લીધા હોવા છતાં ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે બન્ને દેશોથી થતી આયાત સામે અગાઉ નિર્ધારિત કરેલી ચોથી માર્ચની મુદત અનુસાર ટેરિફ લાદવામાં આવશે, એવું જણાવ્યું હતું. આમ ટેરિફની મુદત નજીક આવી રહી હોવાથી સોનામાં પુનઃ રોકાણકારોની ટેરિફ સામેના જોખમોને ધ્યાનમાં લેતા સલામતી માટેની માગ ખૂલે તેવી શક્યતા આઈજી માર્કેટના વિશ્લેશક યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું. જોકે, ટેરિફની અનિશ્ચિતતા અને ઊંચા ટેરિફની અર્થતંત્ર પર પડનારી અસરોને ધ્યાનમાં લેતાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી બે નીતિવિષયક બેઠક સુધી આક્રમક નાણાનીતિનું વલણ જાળવી રાખે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button