ભુજ

કચ્છમાં માર્ગ અકસ્માતના વિવિધ બનાવોમાં ચારના મોતઃ એક ત્રણ દિવસ પહેલા જ પિતા બન્યો હતો

ભુજઃ કચ્છમાં જીવલેણ માર્ગ અકસ્માતોનો વણથંભ્યો સિલસિલો યથાવત રહેવા પામ્યો હતો. વીતેલા ૨૪ કલાકના સમયગાળામાં ચાર લોકોના અકાળે મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી. બંદરીય મુંદરા ખાતે પોર્ટ રોડ પર સર્જાયેલી હિટ એન્ડ રનની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં બે ૨૩ વર્ષીય યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજતાં પરિવારો પર જાણે આભ તૂટી પડ્યું હતું.

મળતી વિગત અનુસાર, પોર્ટ રોડ પર રાસાબાપીર સર્કલ નજીક આ જીવલેણ બનાવ બન્યો હતો. જેમાં લાખાપર ગામના ર૩ વર્ષીય સુરેશ કોલી અને વિશાલ કોલી મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી કોઈ અજાણ્યા ભારે વાહન ચાલકે તેમને હડફેટમાં લેતાં સર્જાયેલા અકસ્માતમાં બંને યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત નિપજયા હતા. હતભાગી સુરેશ ચૈન્નઈના કોચીમાં ક્રેઈન ઓપરેટર તરીકે કામ કરતો હતો. તેના ઘરે ત્રણ દિવસ પહેલાં પુત્રનો જન્મ થયો હોવાથી રજા લઈને વતન આવ્યો હતો. મિત્રો સાથે રાત્રે જમવા માટે ગયો અને પરત ઘરે જતો હતો એ દરમિયાન આ કરૂણાંતિકા સર્જાઈ હતી.

આ પણ વાંચો: કેરા-મુંદરા ધોરીમાર્ગ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ટ્રેઈલર ચાલક આરોપીની અટક

બીજી તરફ, ભુજ તાલુકાના સુખપર ગામ પાસે ચાલતા વાહન પરથી પડી જતા ૬૮ વર્ષના અમુલભાઈ ભોગીલાલ મહેતા નામના વૃદ્ધનું મોત થયું હતું. માહિતી મુજબ, માનકુવા ગામે રહેતા અમુલભાઈ મહેતા ભુજથી તેમના ઘરે જતા હતા ત્યારે સુખપર પાસે રાત્રે આઠ વાગ્યાના અરસામાં કોઈ કારણોસર દ્વિચક્રી વાહન પરથી ગબડી પડતાં ગંભીર ઈજાઓને પગલે સારવાર મળે તે અગાઉ વૃદ્ધનુ મોત થયું હતું.

ભુજ તાલુકાના માનકુવા ગામના ધોરીમાર્ગ પર ગત સોમવારે મોડી સાંજે એક્ટિવા અને ટ્રક વચ્ચે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં પત્નીનું તત્કાળ મૃત્યુ થયું હતું, જ્યારે તેમના પતિને ગંભીર ઈજા પહોંચી હતી. માનકુવા પોલીસના જણાવ્યા મુજબ, આ દંપતી એક્ટિવા પર બજાર તરફ જઈ રહ્યું હતું ત્યારે પાછળથી રોકેટ ગતિથી આવેલા ટ્રકે એક્ટીવાને ટક્કર મારી દેતાં હતભાગી મંગળાબેન માધવજી ગોસ્વામી લગભગ ૧૦ ફૂટ સુધી ટ્રક નીચે ઢસડાતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા તેમના પતિ માધવજીભાઈને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માનકુવા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button