દિલ્હી વિધાનસભામાં ભારે હોબાળો, AAPના તમામ MLA સસ્પેન્ડ; CAG રિપોર્ટ રજુ થશે

દિલ્હી: નવી સરરકારના ગઠન બાદ દિલ્હી વિધાનસભા (Delhi Assembly)ના પહેલા સત્રનો આજે બીજો દિવસ છે. આજે દિલ્હી વિવાધાસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ(CAG)ના રિપોર્ટને ગૃહમાં રજુ કરવામાં આવશે, વિપક્ષના વિધાનસભ્યોએ ગૃહમાં હોબાળો મચાવ્યો છે. દિલ્હી વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાના ભાષણ દરમિયાન સતત હોબાળાને કારણે, દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ વિરોધ પક્ષના નેતા આતિશી સહિત તમામ AAP વિધાન સભ્યોને આખા દિવસ માટે સસ્પેન્ડ (AAP MLA Suspend) કરી દીધા છે.
ગૃહમાંથી સસ્પેન્ડ થયા બાદ, AAP વિધાનસભ્યો દિલ્હી વિધાનસભા પરિસરમાં આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
AAP વિધાનસભ્યોની માંગ:
વિધાનસભામાંથી સસ્પેન્ડ થયા બાદ AAP વિધાનસભ્ય સંજીવ ઝાએ કહ્યું, “ગઈકાલે, મુખ્ય પ્રધાન કાર્યાલયમાં ડૉ. બીઆર આંબેડકરના ચિત્રને બદલે વડા પ્રધાન મોદીનો ફોટો લગાવવામાં આવ્યો હતો. જ્યારે અમે સ્પીકરને પૂછ્યું કે શું વડા પ્રધાન મોદી ડૉ. બીઆર આંબેડકર કરતા મહાન છે? ત્યારે તેમણે અમને સસ્પેન્ડ કરી દીધા.”
આ દરમિયાન પૂર્વ મુખ્ય પ્રધાન આતિશીએ કહ્યું કે જ્યાં સુધી ભગત સિંહ અને આંબેડકરના ચિત્રો લગાવવામાં નહીં આવે ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.
AAP વિધાનસભ્ય ગોપાલ રાયે કહ્યું, “અમે પણ ઈચ્છીએ છીએ કે CAG રિપોર્ટ રજૂ કરવામાં આવે જેથી સત્ય બહાર આવે… ગઈકાલે તેમણે (ભાજપે) જે રીતે ડૉ. ભીમરાવ આંબેડકર અને શહીદ ભગતસિંહનું અપમાન કર્યું તે ભાજપના ઈરાદા દર્શાવે છે.”
આ પણ વાંચો…‘મોદી સરકાર ફાસીસ્ટ નથી…’, CPMના ઠરાવ બાદ ડાબેરી પક્ષોના મતભેદો જાહેર થયા
ભાજપનો આરોપ અને કેગનો રીપોર્ટ:
ઉલ્લેખનીય છે કે ભાજપ આરોપ લગાવી રહ્યું છે કે AAP સરકારે CAG રિપોર્ટને રોકી રાખ્યો હતો. દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ગયા ગુરુવારે જાહેરાત કરી હતી કે નવી વિધાનસભાના પહેલા સત્રમાં રીપોર્ટ જાહેર કરવામાં આવશે. CAGના રિપોર્ટમાં રાજ્યના નાણાકીય, જાહેર આરોગ્ય સુવિધાઓ, વાહનો દ્વારા થતા વાયુ પ્રદૂષણ, લિકર પોલીસી અને દિલ્હી ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન(DTC) ની કામગીરીની ઓડીટનો સમાવેશ કરવામાં આવ્યો છે.