નેશનલ

ગુજરાત સરકારે કર્મચારીઓના પગારમાં ૩૦ ટકાનો વધારો કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના વર્તમાન વેતનમાં ૩૦ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. જેનો તા. ૧ ઓક્ટોબરથી જ અમલ થશે.

પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત ૬૧,૫૬૦ કર્મચારીઓના વર્તમાન વેતનમાં
૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.૧ લી ઓક્ટોબર ૨૦૨૩ની અસરથી કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વિશ્ર્વાસ પ્રધાને વ્યક્ત કર્યો હતો.

આ નિર્ણયથી વર્ગ-૩ના ૪૪૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો વર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૩૮,૦૯૦ થી વધીને રૂ. ૪૯,૬૦૦ થશે. ઉપરાંત વર્ગ-૩ ના ૪૨૦૦ અને ૨૮૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૩૧,૩૪૦ થી વધીને રૂ. ૪૦,૮૦૦ થશે. વર્ગ-૩ ના ૨૪૦૦, ૨૦૦૦, ૧૯૦૦ અને ૧૮૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો વર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૧૯,૯૫૦ થી વધીને રૂ. ૨૬,૦૦૦ થશે. જ્યારે વર્ગ-૪ ના ૧૬૫૦, ૧૪૦૦ અને ૧૩૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો વર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૧૬,૨૨૪ થી વધીને રૂ. ૨૧,૧૦૦ થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ. ૫૪૮.૬૪ કરોડ રૂપિયાનું ભારણ વધશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button