Champions Trophy 2025

Champions Trophy પર આતંકવાદી હુમલાનો ખતરો; વિદેશીઓનું અપહરણ થઇ શકે છે: સેના અલર્ટ પર

લાહોર: ICC Champions Trophy 2025 પાકિસ્તાનની યજમાની હેઠળ રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ સિવાયની તમામ ટીમ પાકિસ્તામાં મેચ રમી રહી છે, જયારે ભારતીય ટીમની તમામ મેચ દુબઈમાં યોજાઈ રહી છે. સુરક્ષાના કારણોસર BCCIએ ટીમને પાકિસ્તાન મોકલવા ઇનકાર કર્યો હતો, ત્યાર બાદ હાઈબ્રીડ મોડેલ મંજુર કરવામાં આવ્યું હતું. એવામાં અહેવાલો મળી રહ્યા છે કે પાકિસ્તાનમાં મેચ જોવા આવેલા વિદેશી નાગરીકોની સુરક્ષા જોખમમાં છે.

આ સંગઠન કરી રહ્યું છે તૈયારી!
એક અહેવાલ અનુસાર કેટલાક આંતકવાદી સંગઠનો પાકિસ્તાન આવેલા વિદેશી નાગરિકોનું અપહરણ કરી શકે છે, સુરક્ષા જોખમોને કારણે પાકિસ્તાનના સુરક્ષા દળો સોમવારથી હાઇ એલર્ટ પર છે. અહેવાલ મુજબ, પાકિસ્તાન ઇન્ટેલિજન્સ બ્યુરોએ ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP) તરફથી સંભવિત જોખમની ચેતવણી જાહેર કરી છે. આ સંગઠન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં હાજરી આપવા માટે આવેલા વિદેશીઓનું અપહરણ કરવાની યોજના બનાવી રહ્યું છે.

અહેવાલમાં જણાવવામાં આવ્યું કે આતંકવાદી સંગઠન ચીન અને અરબ દેશોના નાગરિકોને નિશાન બનાવે તેવી શક્યતા છે, આ સંગઠનોના લોકોએ બંદરો, એરપોર્ટ, ઓફિસો અને રહેણાંક વિસ્તારોમાં દેખરેખ શરૂ કરી દીધી છે.

આતંકવાદી હુમલો પણ થઇ શકે છે:
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અફઘાનિસ્તાનની ગુપ્તચર એજન્સી GDI દ્વારા પણ ISKPના સંભવિત હુમલાઓ અંગે ચેતવણી જાહેર કરવામાં આવી છે.

અન્ય એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP), ISIS અને અન્ય બલુચિસ્તાન સ્થિત સંગઠનો સહિત અનેક આતંકવાદી સંગઠનો પણ હુમલાનું આયોજન કરી રહ્યા છે.

સુરક્ષા દળો એલર્ટ પર:
પાકિસ્તાનના રેન્જર્સ અને સ્થાનિક પોલીસ સહિત સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે, અને સંવેદનશીલ વિસ્તારોમાં ટીમો તૈનાત કરી છે.

ચેમ્પિયન્સ ટ્રોફીની મેચોનું આયોજન પાકિસ્તાનના ત્રણ શહેરો લાહોર, કરાચી અને રાવલપિંડીમાં કરવામાં આવી રહ્યું છે. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના સભ્યોની સુરક્ષા પણ વધારવામાં આવી છે.

અગાઉ ક્રિકેટર્સ પર હુમલો થઇ ચુક્યો છે:
2009 માં શ્રીલંકન ક્રિકેટ ટીમની બસ પર થયેલા આતંકવાદી હુમલામાં શ્રીલંકાના ક્રિકેટર અને ICC એલીટ પેનલના અમ્પાયર ઘાયલ થયા હતા. ત્યાર બાદ લગભગ એક દાયકા સુધી પાકિસ્તાનમાંથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ ન હતી. આ સમય દરમિયાન, પાકિસ્તાનની ટીમે તેની મોટાભાગની હોમ મેચો UAEમાં રમી હતી. વર્ષ 2019 માં પાકિસ્તાનમાં ફરી ઇન્ટરનેશનલ મેચ રમાવાની શરુ થઇ હતી.

આ પણ વાંચો…Champions Trophy: ઈંગ્લેન્ડને મોટો ફટકો! આ ફાસ્ટ બોલર ટુર્નામેન્ટમાંથી બહાર, સ્પિનરનો સમાવેશ

વર્ષ 1996 બાદ પાકિસ્તાનમાં કોઈ ICC ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. 1996 માં ODI વર્લ્ડ કપ ભારત, પાકિસ્તાન અને શ્રીલંકામાં સંયુક્ત યજમાની હેઠળ યોજાયો હતો. હાલ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 રમાઈ રહી છે, પાકિસ્તાનને પહેલીવાર એક એકલા હાથે ICC ટુર્નામેન્ટની યજમાની આપવામાં આવી છે. જો કે, સુરક્ષા કારણોસર ભારતે પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા પછી ચેમ્પિયન્સ ટ્રોફીની કેટલીક મેચો દુબઈ ખસેડવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button