નેશનલ

સરકારી કર્મચારીઓને બખાં

ડીએમાં વધારો, બોનસની જાહેરાત, ધઉંના ટેકાના ભાવ વધારાયા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની, રેલવે કર્મચારીઓને બોનસની અને ઘઉંના ટેકાના ભાવમાં વધારાની બુધવારે જાહેરાત કરતા સરકારી કર્મચારીઓ અને ખેડૂતોની દિવાળી સુધરી ગઈ છે. મોંધવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ચાર ટકાનો વધારો કરી ૪૬ ટકા કરવાની કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે જાહેરાત કરી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતને કારણે ૪૮.૬૭ લાખ સરકારી કર્મચારીઓ ઉપરાંત ૬૭.૯૫ લાખ પેન્શનરોને લાભ થશે.

પ્રધાનમંડળની બેઠક બાદ પત્રકારોને આપેલી મુલાકાતમાં માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે પહેલી જુલાઈ ૨૦૨૩થી આ અમલી ગણાશે. સાતમા વેતન પંચની ભલામણને આધારે સ્વીકારવામાં આવેલી ફોર્મ્યુલા મુજબ આ વધારો કરવામાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

રેલવેના નૉન ગેઝેટેડ કર્મચારીઓને ૭૮ દિવસના
પગારની સમકક્ષ બોનસ મળશે જેને કારણે રેલવેના ૧૧.૦૭ લાખ કર્મચારીઓને લાભ થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ મળેલી કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષ માટે રેલવેના તમામ પાત્ર નોન ગેઝેટેડ કર્મચારીઓ માટે ૭૮ દિવસના પગારની સમકક્ષ પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસ (પીએલબી)ને મંજૂરી આપવામાં આવી હતી, એમ અનુરાગ ઠાકુરે કહ્યું હતું.

સરકારના આ નિર્ણયનો ટ્રેક મેઈન્ટેનન્સ, લૉકો પાઈલટ, ટ્રેન મેનેજર્સ (ગાર્ડસ), સ્ટેશન માસ્ટર્સ, સુપરવાઈઝર્સ, ટૅક્નિશિયન્સ, ટૅક્નિશિયન હેલ્પર્સ, પૉઈન્ટ્સમેન, મિનિસ્ટરિયલ સ્ટાફ અને આરપીએફ તેમ જ આરપીએસએફના અધિકારીઓને બાદ કરતા ‘સી’ શ્રેણીના અન્ય સ્ટાફને લાભ થશે.

જાહેર કરવામાં આવેલા બોનસને કારણે સરકારી તિજોરી પર અંદાજે રૂ. ૧,૯૬૮.૮૭ કરોડનો વધારાનો ભાર પડશે, એમ તેમણે કહ્યું હતું.

રેલવે કર્મચારીઓએ બજાવેલી પ્રશંસનીય કામગીરીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રેલવેના ૧૧,૦૭,૩૪૬ કર્મચારીઓ માટે રૂ. ૧,૯૬૮.૮૭ કરોડ પીએલબીને મંજૂરી આપી હતી.

રેલવેએ ૧૫૦.૯ કરોડ ટન માલસામાન તેમ જ ૬૫૦ કરોડ પ્રવાસીઓનું વહન કર્યું હોવાનું સત્તાવાર બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

રેલવેની કામગીરીની ક્ષમતા અને અસરકારકતા, માળખાકીય સુવિધા વધારવા મૂડીખર્ચમાં કરેલા વધારા, વધુ સારી ટૅક્નોલૉજીનો ઉપયોગ સહિતના પરિબળોએ આ સુધારા માટે યોગદાન આપ્યું છે.

કર્મચારીઓની કાર્યક્ષમતા અને કામની અસરકારકતા વધારવા તેમને પ્રોત્સાહિત કરવામાં પીએલબી મહત્ત્વની ભૂમિકા ભજવશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

દરમિયાન, સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ની માર્કેટિંગ સિઝન માટે ઘઉંની મિનિમમ સપોર્ટ પ્રાઈસ (એમએસપી) પ્રતિક્વિન્ટલ રૂ. ૧૫૦ વધારીને રૂ. ૨,૨૭૫ કરી છે.

વર્ષ ૨૦૧૪માં સત્તા પર આવ્યા બાદ નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કરવામાં આવેલો આ સર્વોચ્ચ વધારો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કમિટી ઑન ઈકોનોમિક અફેર્સ (સીસીઈએ)ની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હાલ વર્ષ ૨૦૨૨-૨૩ માટે ઘઉંની એમએસપી પ્રતિક્વિન્ટલ રૂ. ૨,૧૨૫ છે, એમ જણાવતાં અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે સીએસીપીની ભલામણને આધારે આ વધારો કરવામાં આવ્યો છે.

ખેડૂતોનું હિત જળવાય તેની ખાતરી એમએસપી કરે છે અને અનાજની પ્રાપ્તિ કરતી સરકારી એજન્સીઓ પણ એમએસપીથી નીચા દરે અનાજની ખરીદી નથી કરતી.

લદાખસ્થિત ૧૩ ગીગાવૉટના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાંથી વીજપુરવઠા કરવા ટ્રાન્સમિશન લાઈન નાખવા પ્રધાનમંડળે રૂ. ૨૦,૭૭૩.૭ કરોડના ભંડોળને મંજૂરી આપી છે.

લદાખ ખાતે ૭.૫ ગીગાવૉટનો સોલાર પાર્ક સ્થાપવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય દિનના પ્રવચન દરમિયાન જાહેરાત કરી હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button