ગઢચિરોલીમાં એક જ પરિવારના પાંચ સભ્યને ઝેર આપી મારી નાખ્યા: પુત્રવધૂ સહિત બેની ધરપકડ
મુંબઈ: ગઢચિરોલી જિલ્લાના મહાગાંવમાં એક જ પરિવારના પાંચ સભ્યોને ઝેર આપી મારી નાખવા બદલ અહેરી પોલીસે આ પરિવારની પુત્રવધૂ સહિત બે જણની ધરપકડ કરી હતી. બંને મહિલાની ઓળખ સંઘમિત્રા કુંભારે અને રોઝા રામટેકે તરીકે થઇ હોઇ તેમણે તેલંગણાથી ઝેર મેળવ્યું હતું અને જ્યારે જ્યારે તક મળતી ત્યારે બંને જણ ભોજનમાં ઝેર ભેળવીને પરિવારના સભ્યોને આપતી હતી, એમ પોલીસે કહ્યું હતું.
ગઢચિરોલીના મહાગાંવમાં રહેતા શંકર કુંભારે અને તેની પત્ની વિજયાની ૨૦ સપ્ટેમ્બરે અચાનક તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં અને બંનેના બાદમાં મૃત્યુ થયાં હતાં. સપ્તાહ બાદ શંકરની પુત્રી કોમલ દહાગાંવકર, પુત્ર રોશન કુંભારે અને સાળી આનંદા ઉર્ફે વર્ષા ઉરાડે પણ બીમાર પડ્યાં હતાં અને ઑક્ટોબરમાં સારવાર દરમિયાન તેમનાં પણ મૃત્યુ થયાં હતાં. દરમિયાન માતા-પિતા હોસ્પિટલમાં દાખલ હોવાની જાણ થતાં જ દિલ્હીમાં કામ કરતો પુત્ર સાગર કુંભારે ગઢચિરોલી આવ્યો હતો અને તેમનાં મૃત્યુ બાદ તે પાછો દિલ્હી ગયો હતો, જ્યાં તેની પણ તબિયત લથડી હતી. ઉપરાંત શંકરનો ડ્રાઇવર રાકેશ મડાવી અને શંકરની સાળીનો પુત્ર પણ માંદા પડતાં હોસ્પિટલભેગા થયા હતા.
મૃત્યુ પામેલા પાંચ જણ અને સારવાર લઇ રહેલા ત્રણ જણમાં હાથ-પગમાં ખાલી ચડવી, કમરની નીચે અને માથામાં પ્રચંડ દુખાવો, હોઠ કાળા પડવા જેવા એકસમાન લક્ષણો દેખાઇ આવ્યા હતા. આથી ફૂડ પોઇઝનિંગની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. દરમિયાન આ પ્રકરણે તપાસ કરી રહેલી પોલીસને શંકર કુંભારેની પુત્રવધૂ સંઘમિત્રા અને સાળાની પત્ની રોઝા રામટેકે પર શંકા જતાં તેમને તાબામાં લઇ પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ સંઘમિત્રાએ તેના પરિવાર વિરુદ્ધ જઇને શંકરના પુત્ર રોશન સાથે લગ્ન કરતાં તેના પિતાએ આત્મહત્યા કરી હતી. આ બાબતને લઇ સાસરિયાં તેને ટોણા મારતા હતા. બીજી તરફ રોઝાનો મિલકતમાં હિસ્સાને લઇ કુંભારે પરિવાર સાથે વારંવાર વિવાદ થતો હતો. આથી સંઘમિત્રા અને રોઝાએ કુંભારે પરિવારના સભ્યોને ઝેર આપીને મારી નાખવાની યોજના બનાવી હતી.