ઈસ્ટર્ન ફ્રી વેથી ગ્રાન્ટ રોડ વચ્ચેનો એલિવેટેડ રોડ પ્રોજેક્ટ ઘોંચમાં : ટેન્ડર રદ
રેલવે અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ તરફથી એનઓસી મળ્યું નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ઈસ્ટર્ન ફ્રી વેથી ગ્રાન્ટ રોડ સુધીનો સાંડા પાંચ કિલોમીટર લાંબો લગભગ ૬૬૨.૪૨ કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ રોડ બનાવવામાં આવવાનો છે. જોકે આ એલિવેટેડ રોડનું કામ અટવાઈ ગયું છે. મળેલ માહિતી મુજબ મધ્ય રેલવે અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટ તરફથી અમુક ટૅક્નિકલ મુદ્દો આગળ કરવામાં આવતા તેમ જ બંને ઍજેન્સી તરફથી નો ઑબ્જેકશન સર્ટિફિકેટ પણ નહીં મળતા ટેન્ડર પ્રક્રિયા રદ કરવી પડી છે. જ્યાં સુધી નો ઑબ્જેકશન સર્ટિફિકેટ નહીં મળે ત્યાં સુધી નવી ટેન્ડર પ્રક્રિયા અમલમાં મૂકી શકાશે નહીં એવું જાણવા મળ્યું છે. પ્રસ્તાવિત એલિવેટેડ રૂટ દક્ષિણ મુંબઈમાં પી. ડિમેલો રોડ પર ઓરેન્જ ગેટ પાસે શરૂ થતા ઈસ્ટર્ન ફ્રી વેથી લઈને ગ્રાન્ટ રોડ સુધીનો છે. ઈસ્ટન ફ્રી વેથી ગ્રાન્ડ રોડ સ્ટેશન સુધીનો પરિસર લગભગ ૫.૫૬ કિલોમીટર લાંબા અંતર માટે હાલ ૩૦ મિનિટથી ૫૦ મિનિટનો સમય લાગે છે. ભવિષ્યમાં એલિવેટેડ રોડ બન્યા બાદ આ અંતર છથી સાત મિનિટમાં પાર કરી શકાશે.
એલિવેટેડ રોડના બાંધકામ માટે મુંબઈ મહાનગરપાલિકાએ ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ના ટેન્ડર બહાર પાડ્યા હતા. અનેક મોટી કંપનીએ તેમાં રસ દેખાડ્યો હતો. ટેન્ડર પ્રક્રિયા ધીમી ગતીએ આગળ વધી રહી હતી. આ એલિવેટેડ રોડ મધ્ય રેલવેના હૅંકૉંક પુલ પાસેથી પસાર થવાનો હોવાથી રેલવે તરફથી અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટની હદમાંથી પસાર થતો હોવાને કારણે તેમણે પણ સ્ટ્રક્ચરમાં અમુક ફેરફાર કરવાની સૂચના કરી હતી. તેથી રેલવે અને પોર્ટ ટ્રસ્ટ તરફથી નો ઑબ્જેકશન સર્ટિફિકેટ આવશ્યક છે. જ્યાં સુધી તે મળે નહીં ત્યાં સુધી નવી ટેન્ડર પ્રક્રિયા લાગુ કરી શકાશે નહીં.