સાચવજો: આજે મુંબઈમાં હીટ વેવની અલર્ટ
સોમવારે ફેબ્રુઆરી મહિનાનું છેલ્લા પાંચ વર્ષનું સૌથી વધુ તાપમાન ૩૮.૪ નોંધાયું: માથેરાન, મહાબળેશ્ર્વરમાંય કાળઝાળ ગરમી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં અસહ્ય ગરમી પડી રહી છે. હવામાન ખાતાએ મુંબઈ, થાણે સહિત રાજ્યના અમુક જિલ્લામાં આગામી બે દિવસ હીટ વેવની અસર રહેવાનો અંદાજો વ્યક્ત કર્યો છે. આ દરમ્યાન મુંબઈમાં સોમવારે દિવસના તાપમાનનો પારો ૩૮.૪ ડિગ્રી જેટલો ઊંચો નોંધાયો હતો, જે છેલ્લા પાંચ વર્ષમાં ફેબ્રુઆરી મહિનાનું હાઈએસ્ટ તાપમાન રહ્યું હતું. આ અગાઉ છેલ્લે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ૩૮.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હિલ સ્ટેશન માથેરાનમાં પણ મહત્તમ તાપમાન ૩૩.૪ ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું હતું.
મુંબઈમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં પણ વિદર્ભ અને મરાઠવાડામાં એક તરફ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યના અમુક જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધવાની અને હીટવેવની શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. મુંબઈના નજીકના હિલ સ્ટેશન ગણાતા માથેરાન અને મહાબળેશ્ર્વરમાં પણ મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રીની ઉપર નોંધાયું હતું.
Also read: મુંબઈગરા આજે પણ સંભાળજો: હીટ વેવની ચેતવણી
સોમવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૮.૪ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૫.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૬.૪ ડિગ્રી વધારે હતું. તો કોલાબામાં મહત્તમ તાપમાન ૩૬.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું જે સામાન્ય કરતા ૬.૨ ડિગ્રી વધુ રહ્યું હતું અને લઘુતમ તાપમાન ૨૩.૬ ડિગ્રી નોંધાયું હતું. તો હિલ સ્ટેશન માથેરાનમાં મહત્તમ તાપમાન ૩૩.૪ ડિગ્રી અને મહાબળેશ્ર્વરમાં ૩૦.૨ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઊંચુ તાપમાન રત્નાગિરીમાં ૩૮.૯ ડિગ્રી નોંધાયું હતું. મુંબઈમાં ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધી સૌથી વધુ ગરમી ૩૯.૬ ડિગ્રી ૧૯૬૬માં નોંધાઈ હતી. આગામી ૨૪ કલાક દરમ્યાન તાપમાનનો પારો ૩૭ ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ દરિયા પરથી ફૂંકાતા પવનો મોડેથી મુંબઈ પર જમીન આવતા હોવાને કારણે તે તપી ગયા હોવાથી ગરમ જણાઈ રહ્યા છે. એ સાથે જ પૂર્વીય તરફથી પણ ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે.

મુંબઈ, થાણેમાં યલો એલર્ટ
હવામાન ખાતાના જણાવ્યા મુજબ મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરીમાં મંગળવાર અને બુધવાર બે દિવસ માટે વાતાવરણમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે અને હવામાન ખાતાએ બે દિવસ માટે યલો અલર્ટ જાહેર કર્યું હોઈ તાપમાનનો પારો હજી ઊંચો જવાની શક્યતા છે. સિંધુદુર્ગમાં ૨૬ ફેબ્રુઆરી માટે યલો અલર્ટ જાહેર કરીને હીટ વેવની અસર હેઠળ ગરમી વધવાની શક્યતા છે.