આમચી મુંબઈ

મલબાર હિલમાં નવું જળાશય બાંધવાને બદલે સમારકામ કરાશે

સ્થાનિકોના વિરોધ સામે પાલિકા ઝૂકી?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલબાર હિલમાં આવેલા ૧૩૬ વર્ષ જૂના બ્રિટીશ કાળના જળાશયનું પુન: બાંધકામ કરવા સામે મોટા પ્રમાણમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે પુન:બાંધકામને બદલે તેનું સમારકામ કરીને કામ ચલાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

મલબાર હિલ જળાશયના પુન:બાંધકામ માટે મોટા પ્રમાણમાં વૃક્ષો કાપવા પડવાને છે, તેની સામે લોકોનો વિરોધ છે. એ સાથે જ સમારકામ માટે મુંબઈના પ્રખ્યાત હૅંગિગ ગાર્ડનને પણ બંધ કરવું પડવાનું છે. તેથી મોટી સંખ્યામાં ઝાડ કાપવા ન પડે અને ગાર્ડનને બંધ નહીં કરતા જ જળાશયનું સમારકામ કરી શકાય કે તે દ્દષ્ટિએ અભ્યાસ કરવાની સૂચના પ્રશાસનને આપવામાં આવી હોવાનું ઉપનગરના પાલક પ્રધાને કહ્યું હતું.

સંર્પૂણ દક્ષિણ મુંબઈને પાણી પુરવઠો કરનારા મલબાર હિલ જળાશયને નવેસરથી બાંધવા માટે ૩૮૯ ઝાડ કાપવા અથવા તેનું પુર્નરોપણ કરવા પડવાનું છે. તેની સામે સ્થાનિક નાગરિકોની સાથે જ અનેક બિનસરકારી સંસ્થા તેમ જ પર્યાવરણ નિષ્ણાતોએ વિરોધ દર્શાવ્યો છે. એટલું જ નહીં પણ આ જળાશયને નવેસરથી બાંધવા માટે પાલિકાને હૅંગિગ ગાર્ડન પણ આગામી પાંચથી સાત વર્ષ માટે બંધ રાખવું પડવાનું છે.

જળાશયના પુન:બાંધકામને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેથી પ્રશાસન અને નાગરિકો વચ્ચે સમન્વય સાધવા માટે નાગરિકોની કમિટી પણ બનાવવામાં આવી છે. હજી સુધી જોકે કોઈ ઉકેલ આવી શક્યો નથી. તેથી જળાશયના સમારકામનો મુદ્દો આગળ ઢકેલાય એવી શક્યતા છે.

હૅંગિગ ગાર્ડન એ મુંબઈનું પ્રખ્યાત પર્યટન સ્થળ છે. પ્રતિદિન મોટી સંખ્યામાં પર્યટકો તેની મુલાકાત લેતા હોય છે. તેથી હૅંગિગ ગાર્ડનને બંધ નહીં કરતા જ જળાશયનું સમારકામ કરી શકાય કે કેમ તે તપાસવાનો નિદેર્શ પાલક પ્રધાને આપ્યો છેે અને તપાસ બાદ નિષ્ણાતો પાસેથી રિપોર્ટ લેવામાં આવશે. દક્ષિણ મુંબઈની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે માત્ર એક જ જળાશય પર આધાર નહીં રાખતા નવા જળાશયનું નિર્માણ આવશ્યક છે. મલબારહિલ વિસ્તારમાં વધુ એક જળાશય છે, તેની ક્ષમતા વધારી શકાય કે નહીં પણ ચકાસણી કરવામાં આવી રહી હોવાનું પણ પાલક પ્રધાને કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button