
હૈદરાબાદ: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં નિર્માણાધીન શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC)ની એક ટનલની અંદર ફસાયેલા 8 લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન (Telangana Tunnel collapse) ચાલી રહ્યું છે, હજુ સુધી કોઈ સફળતા મળી નથી. રેસ્ક્યુ ટીમના જણાવ્યા મુજબ કે મોટા પ્રમાણમાં પાણી અને કાદવ ભરાઈ જવાથી બચાવ કામગીરી મુશ્કેલ બની ગઈ છે. ટનલમાં ફસાયેલા લોકો સાથે અત્યાર સુધી કોઈ સંપર્ક થયો નથી.
NDRFની 10મી બટાલિયનના અધિકારીએ એક અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે નેવી, સેના અને અન્ય ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાતો સાથે લાંબી બેઠકો પછી પણ, ફસાયેલા લોકો સુધી પહોંચવા માટે કાદવનને કેવી રીતે પાર કરવો એ સમસ્યાનો કોઈ ઉકેલ મળી શક્યો નથી.
જરૂરી સાધનોનો અભાવ:
અધિકારીએ જણાવ્યું કે, ‘નેવી કમાન્ડોએ પ્રયાસ કર્યો, પરંતુ આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તેમની પાસે જરૂરી સાધનો નહોતા. જમા થયેલો કાદવ કળણ બની ગયો છે, જે લગભગ 11 ફૂટ સુધી ભરાઈ ગયો છે. ટનલની અંદર વિઝીબીલીટી શૂન્ય થઈ ગઈ છે. અમે તપાસ કરવા માટે સ્કોપ્સ અને સોનારનો ઉપયોગ કર્યો, જેમાં જાણવા મળ્યું કે અંદર લોખંડના સળિયા, કોંક્રિટના ટુકડા અને અન્ય કાટમાળનો વિશાળ ઢગલો છે.’
Also read: તેલંગાણામાં ટનલની છત તૂટી પડતાં છ શ્રમિકો ફસાયા; તંત્ર દોડતું થયું
રેટ હોલ વર્કર્સ પણ ફેઈલ:
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ‘જો કોઈ અંદર જાય તો તેને ગંભીર ઈજા થઈ શકે છે. રેટ હોલ વર્કર્સને પણ બોલાવવામાં આવ્યા હતાં, પરંતુ તે ફક્ત સૂકી જગ્યાએ જ કામ કરી શકે છે. આપણી સમસ્યા કાદવ અને પાણી છે. હાલમાં, અમારી પાસે એવી કોઈ ટેકનોલોજી નથી જે અમને આ કાદવ પાર કરવામાં અને ફસાયેલા લોકો સુધી પહોંચવામાં મદદ કરી શકે.
તેલંગાણાના સિંચાઈ પ્રધાન ઉત્તમ કુમાર રેડ્ડીએ કહ્યું, ‘પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક છે અને ટેકનિકલ નિષ્ણાતો આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે સતત કામ કરી રહ્યા છે. કાદવને ઝડપથી દૂર કરવામાં મદદ કરી શકે તેવી ભારે મશીનરી અથવા સાધનો લાવવાનું મુશ્કેલ બની રહ્યું છે.”