
કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં મંગળવારે સવારે બંગાળની ખાડીમાં 5.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કોલકાતા અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ભૂકંપ સવારે 6:10 વાગ્યે આવ્યો હતો.
તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 નોંધાઈ
વહેલી સવારે ભૂકંપના તીવ્ર આંચકાથી લોકો ગભરાઈ ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર બંગાળની ખાડીમાં હતું અને તેની ઊંડાઈ 91 કિલોમીટર હતી. જોકે ભૂકંપના ભારે આંચકાને કારણ લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા.
ભૂકંપનું કેન્દ્ર શહેરથી ઘણું દૂર
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા પણ ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. ભૂકંપથી થયેલા નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. કોલકાતામાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ શહેરથી ઘણું દૂર હતું. આજના ભૂકંપનું કેન્દ્ર જમીનથી 91 કિલોમીટર નીચે હતું, તેથી ભૂકંપથી કોઈ નુકસાન થવાની શક્યતા ઓછી છે. ભૂકંપના આંચકાથી કોલકાતાના રહેવાસીઓમાં ક્ષણિક ગભરાટ ફેલાયો હતો, પરંતુ નુકસાન કે જાનહાનિના તાત્કાલિક કોઈ અહેવાલો બહાર આવ્યા નથી.
Also read: દિલ્હીમાં ભૂકંપથી લોકોમાં ફફડાટ, પીએમ મોદીએ લોકોને કરી આ અપીલ
થોડા દિવસ પહેલા દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. સવારે 5.36 કલાકે આવેલા ભૂકંપની તીવ્રતા 4.0 હતી. ભૂકંપના કારણે લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આચંકા એટલા તીવ્ર હતા કે ઘરમાં રાખેલા વાસણો પણ પડી ગયા હતા અને ઘરમાં પણ કંપનનો અનુભવ થયો હતો.