પુણેની હોસ્પિટલમાંથી ભાગેલા ડ્રગ્સ કેસના આરોપી લલિત પાટીલની બેંગલુરુથી ધરપકડ
₹ ૩૦૦ કરોડના મેફેડ્રોનની જપ્તીના કેસમાં હતો વોન્ટેડ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પુણેની સસૂન જનરલ હોસ્પિટલમાંથી ૨ ઑક્ટોબરે ભાગેલા ડ્રગ્સ કેસના આરોપી લલિત પાટીલને સાકીનાકા પોલીસે બે અઠવાડિયા બાદ બેંગલુરુથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. સાકીનાકા પોલીસે નાશિકમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કરી જપ્ત કરેલા રૂ. ૩૦૦ કરોડના મેફેડ્રોનના કેસમાં લલિત વોન્ટેડ હતો. ધરપકડ કર્યા બાદ પાટીલને અંધેરીની કોર્ટમાં હાજર કરાતાં તેને ૨૩ ઑક્ટોબર સુધીની પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.
લલિતને તબીબી તપાસ માટે લઇ જવાઇ રહ્યો હતો ત્યારે તેણે દાવો કર્યો હતો કે હું પુણેની સસૂન જનરલ હોસ્પિટલમાંથી ભાગ્યો નહોતો, પણ મને ત્યાંથી ભગાવવામાં આવ્યો હતો. હું જણાવીશ કે આની પાછળ કોણ સંડોવાયેલા છે, એમ તેણે જણાવ્યું હતું.
પુણેના ચાકણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડ્રગ્સના કેસમાં લલિતની ધરપકડ કરાયા બાદ છેલ્લા એક વર્ષથી તે યેરવડા જેલમાં હતો. જોકે નાદુરસ્ત તબિયતને કારણે પાટીલને સસૂન હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્રણ મહિનાથી સારવાર લઇ રહેલા પાટીલને ૨ ઑક્ટોબરે એક્સ-રે કઢાવવા માટે લઇ જવાઇ રહ્યો હતો ત્યારે તે ફરાર થઇ ગયો હતો. લલિત હોસ્પિટલમાં મોબાઇલનો ઉપયોગ કરતો અને તેની મદદથી ડ્રગ્સનું નેટવર્ક ઑપરેટ કરતો હતો.
એ અગાઉ ૩૦ સપ્ટેમ્બરે પુણે પોલીસે સસૂન હોસ્પિટલ બહારથી રૂ. બે કરોડના મેફેડ્રોન સાથે એક શખસની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ પોલીસને હોસ્પિટલની કેન્ટીનના કામ કરતા યુવક સુધી દોરી ગઇ હતી. યુવકની પૂછપરછમાં લલિતનું નામ સામે આવ્યું હતું. તે સમયે હોસ્પિટલમાં દાખલ લલિત ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું જણાયું હતું. આ કેસમાં બાદમાં પુણે ક્રાઇમ બ્રાન્ચે લલિતના ભાઇ ભૂષણની નેપાળ સરહદેથી ધરપકડ કરી હતી.
હોસ્પિટલમાંથી પાટીલ ફરાર થયા બાદ પુણેના નવ પોલીસ અધિકારી-કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નવમાંથી પાંચ પોલીસ અધિકારીઓને આરોપીની સુરક્ષાવ્યવસ્થામાં કચાશ રાખવા બદલ અને ચાર પોલીસકર્મીને હોસ્પિટલના વોર્ડમાં આરોપીને મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા દેવાના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
દરમિયાન સાકીનાકા પોલીસે ઑગસ્ટમાં મેફેડ્રોન સાથે અન્વર સૈયદ નામના શખસની ધરપકડ કરી હતી અને બાદમાં આખી ચેઇન પકડી પાડી હતી. પોલીસે એક પછી એક આરોપીઓની ધરપકડ કરી હતી અને નાશિક રોડ સ્થિત શિંદે ગાંવમાં શિંદે એમઆઇડીસીના પ્લોટ નંબર-૩૫ ખાતે ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ફેક્ટરીમાંથી ૧૩૩ કિલો મેફેડ્રોન ઉપરાંત મશીનરી તથા અન્ય સાધનો જપ્ત કરાયાં હતાં. આ કેસમાં ૧૪ આરોપીની ધરપકડ કરાઇ હતી અને ૩૦૦ કરોડનું મેફેડ્રોન જપ્ત કરાયું હતું. આ કેસની તપાસમાં લલિત પાટીલની સંડોવણી બહાર આવતાં તેની શોધ ચલાવવા ત્રણ ટીમ તૈયાર કરાઇ હતી. આખરે પોલીસે પાટીલનું પગેરું મેળવ્યું હતું અને બેંગલુરુમાં મંગળવારે રાતે હોટેલમાંથી તેને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં લલિત પાટીલનો ભાઇ ભૂષણ પણ આરોપી અને સાકીનાકા પોલીસે ભૂષણ વિરુદ્ધ વોરન્ટ મેળવ્યું છે અને પુણે પોલીસ પાસેથી તેની કસ્ટડી મેળવવામાં આવશે, એમ અધિકારીએ કહ્યું હતું.
હોસ્પિટલમાંથી ભાગીને ક્યાં ક્યાં ગયો હતો પાટીલ
મુંબઈ: પુણેની સસૂન હોસ્પિટલમાંથી પોલીસને હાથતાળી આપીને ભાગેલો લલિત પાટીલ પ્રથમ જળગાંવ જિલ્લાના ચાલીસગાંવ ગયો હતો. ત્યાંથી તે ધુળે થઇને ઔરંગાબાદ પહોંચ્યો હતો અને બાદમાં તે ગુજરાતના સુરત ગયો હતો. સુરતમાં સગાને મળ્યા બાદ તે સોલાપુર જવા માટે રવાના થયો હતો અને ત્યાંથી બીજાપુર થઇને તે બેંગલુરુ ગયો હતો. પોલીસ ટેક્નિકલ ડેટા અને માહિતીને આધારે તેનો સતત પીછો કરી રહી હતી. પોલીસથી બચવા પાટીલ ભાડાની કારનો ઉપયોગ કરતો હતો અને સમયાંતરે તેને બદલતો હતો. પાટીલ પાસે મોબાઇલ ન હોવાથી તેને શોધવો પોલીસ માટે મુશ્કેલ હતું. પાટીલ વિશે માહિતી મેળવવા પોલીસે ૭૦ જેટલા લોકોની પૂછપરછ કરી હતી. પોલીસે ડ્રગ્સ જપ્તીના કેસમાં અન્ય આરોપીઓની સાથે ધરપકડ કરેલ મુખ્ય વ્યક્તિનું નામ જાહેર કર્યું ન હતું. આથી પાટીલને લાગ્યું હતું કે પોલીસ હજી એ વ્યક્તિને શોધી રહી છે. તાજેતરમાં જ પાટીલે અજાણ્યા નંબર પરથી એ વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે બાદમાં એ નંબર ટ્રેસ કર્યો હતો અને આખરે પાટીલ ઝડપાઇ ગયો હતો.