વિધાનસભાની ચૂંટણીમાં રકાસ બાદ ઉદ્ધવ સેનામાંથી હિજરત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના માંડ ત્રણ મહિનામાં ઉદ્ધવ ઠાકરેના અધ્યક્ષતા હેઠળની શિવસેના (યુબીટી)ના અનેક પદાધિકારીઓ અને ભૂતપૂર્વ વિધાનસભ્યો પાર્ટી છોડીને જઈ રહ્યાના મોટા ઝટકા લાગી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના યુબીટીના રકાસ બાદ આ ઝટકા લાગી રહ્યા હોવાનું કહેવાય છે.
શિવસેના (યુબીટી)ના મોટા નેતા રાજન સાળવીનું નામ આમાં મોટું ગણાય છે. રત્નાગિરિ જિલ્લાની રાજાપુર બેઠક પરથી ત્રણ વખત વિધાનસભ્ય બનેલા રાજન સાળવી ઉદ્ધવ ઠાકરેના કટ્ટર સમર્થક તરીકે જાણીતા હતા અને તેમણે શિવસેના (યુબીટી) છોડીને ચાલુ મહિનાના પ્રારંભમાં એકનાથ શિંદેની શિવસેનાનો હાથ પકડ્યો હતો. તેના ગણતરીના દિવસો બાદ કોંકણના અન્ય એક ભૂતપૂર્વ વિધાનસભ્યે શિવસેના યુબીટીના અનેક પદાધિકારીઓ સાથે શિંદે સેનામાં પ્રવેશ કર્યો હતો.
ગયા અઠવાડિયે ભૂતપૂર્વ નગરસેવિકા અને શિવસેના (યુબીટી)ની મહિલા આઘાડીના નેતા રાજુલ પટેલે પોતાના ટેકેદારો સાથે પાર્ટી છોડી હતી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપના એંધાણ, ઉદ્ધવ સેનાના છ સાંસદ શિંદેના સંપર્કમાં
ઠાકરે માટે પટેલ અને સાળવી જેવા નેતાને ગુમાવવા એ સંગઠનની દૃષ્ટિએ મોટો ફટકો ગણાય છે.
ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં એવું નિવેદન કર્યું હતું કે તેમણે ઘણા દગા અને છેહ જોયા છે અને હવે તેમની હાલત જાપાનીઓ જેવી છે, જેમને ભૂકંપ ન આવે ત્યારે નવાઈ લાગે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને ટાર્ગેટ કરવા માટે તેમના જ માણસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
2022માં શિંદેના બળવા બાદ અને તેમના મુખ્ય પ્રધાનના કાર્યકાળ દરમિયાન મુંબઈ મહાનગરપાલિકા અને થાણેના કેટલાક નગરસેવકો તેમની સાથે જોડાઈ ગયા હતા, પરંતુ તેમ છતાં શિવસેના (યુબીટી)ની કેડર ઉદ્ધવની સાથે જ રહી હતી.
2024માં વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના રકાસ બાદ હવે કેડર પણ શિંદે સેના તરફ ઢળી રહી છે.
આ પણ વાંચો: એકેય ભાજપી ઉદ્ધવ સેનામાં નથી જોડાવાનો: ફડણવીસ…
શિવસેના (યુબીટી)ના નેતાઓ એવો દાવો કરી રહ્યા છે કે તેમના કાર્યકર્તાઓને નાણાં અને કેન્દ્રીય એજન્સીઓના જોરે પક્ષપલટા માટે દબાણ કરાઈ રહ્યું છે. જોકે, બીજી તરફ પાર્ટીના કેટલાક નેતાઓએ મોટા પાયે થઈ રહેલી હિજરત માટે આંતરિક કારણોને જવાબદાર ઠેરવ્યા હતા.
ગયા અઠવાડિયે ભાસ્કર જાધવે એવી નારાજી વ્યક્ત કરી હતી કે તેમના અનુભવ છતાં યોગ્ય સન્માન અપાયું નથી. આના પછી તરત જ સંજય રાઉતે એવી સ્પષ્ટતા કરી હતી કે ભાસ્કર જાધવની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે.
નામ ન આપવાની શરતે શિવસેના યુબીટીના એક વિધાનસભ્યે કહ્યું હતું કે એકનાથ શિંદેનું સૌથી મોટું જમા પાસું તેમની ઉપલબ્ધતા છે. તેમને ગમે ત્યારે મળી શકાય છે, જ્યારે ઉદ્ધવ સુધી પહોંચવાનું અશક્ય છે.
આગામી પાંચ વર્ષ સુધી ઉદ્ધવ ઠાકરે પાસે આપવા માટે કશું જ નથી. જે લોકો ટૂંકા ગાળાનો ફાયદો જોઈ રહ્યા છે તેઓ શિંદેની સેનામાં જોડાઈ રહ્યા છે. જ્યારે લાંબા ગાળાનો ફાયદો જોનારાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, એમ એક રાજકીય નિરીક્ષકે વર્તમાન પરિસ્થિતિ વિશે બોલતાં કહ્યું હતું.