Sambhal Mosque અને કૂવા અંગે યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો ‘આ’ અહેવાલ

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા સ્ટેટસ રિપોર્ટમાં સંભલની શાહી જામા મસ્જિદ(Sambhal Mosque)મુદ્દે અનેક ખુલાસા કર્યા છે. જેમાં સરકારે જણાવ્યું છે કે સંભલની શાહી જામા મસ્જિદ પાસેના કૂવાને 19 પ્રાચીન કુવાઓમાંના એક તરીકે સૂચિબદ્ધ કર્યો છે. જેનો નવીનીકરણ કરવાની યોજના છે. આ કૂવો જાહેર જમીન પર છે. જે મસ્જિદનો એક ભાગ હોવાનો દાવો ખોટો છે.
આ પણ વાંચો: સંભલ હિંસામાં SITએ દાખલ કરી ચાર્જશીટ, દુબઇ એંગલનો કર્યો ખુલાસો
મસ્જિદ પાસેના કૂવાને ‘હરિ મંદિર કૂવો’ કહેવાનું નોટિફિકેશન
હાલમાં સંભલની શાહી મસ્જિદ ખરેખર હરિહર મંદિર હોવા અંગે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટની કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આપ્યો છે. આ દરમિયાન મસ્જિદ સમિતિએ સંભલમાં પ્રાચીન કુવાઓની શોધ અને ખોદકામ સામે અરજી દાખલ કરી. મસ્જિદ પક્ષે ખાસ કરીને સંકુલની નજીકના કૂવા અંગે યથાસ્થિતિ જાળવવાની માંગ કરી હતી. જેમાં સમિતિએ કહ્યું કે કૂવો ખોદીને તેને મંદિરનો કૂવો કહીને ત્યાં પૂજા શરૂ થશે. 10 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે સંભલમાં શાહી જામા મસ્જિદ પાસેના કૂવાને હરિ મંદિર કૂવો કહેવાના મ્યુનિસિપલ નોટિફિકેશન પર રોક લગાવી દીધી હતી.
યુપી સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો
સુપ્રીમ કોર્ટે યુપી સરકાર પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો. આગામી સુનાવણી 25 ફેબ્રુઆરીએ થશે. હવે યુપી સરકારે પોતાનો જવાબ દાખલ કર્યો છે અને કહ્યું છે:-
શાહી મસ્જિદ જાહેર જમીન પર બનેલી
- મસ્જિદ સમિતિએ ખોટા ફોટોગ્રાફ્સ રજૂ કરીને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. કૂવો મસ્જિદ સંકુલની નજીક છે. તેની અંદર નહીં. કૂવાનો મસ્જિદ સાથે કોઈ સંબંધ નથી. શાહી મસ્જિદ પોતે જાહેર જમીન પર બનેલી છે.
- બધા સમુદાયના લોકો લાંબા સમયથી કૂવાનો ઉપયોગ કરી રહ્યા છે. વર્ષ 1978માં થયેલા કોમી રમખાણો પછી, કૂવાના એક ભાગમાં પોલીસ ચોકી બનાવવામાં આવી હતી. આ પછી પણ બીજો ભાગ ઉપયોગમાં રહ્યો. પરંતુ 2012 ની આસપાસ આ કૂવો ઢંકાઈ ગયો હતો.
- આ કૂવો તે 19 પ્રાચીન કુવાઓમાંથી એક છે જેનું નવીનીકરણ જિલ્લા વહીવટીતંત્ર કરી રહ્યું છે. આ ઐતિહાસિક કુવાઓ સંભલને સાંસ્કૃતિક ઓળખ આપશે.
- નવી સાંસ્કૃતિક ઓળખ મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે. વહીવટીતંત્ર પરિક્રમા માર્ગ, સાઇન બોર્ડ વગેરે જેવી ઘણી સુવિધાઓ વિકસાવવાની પણ યોજના ધરાવે છે. મસ્જિદ સમિતિ આ વિસ્તારના વિકાસને રોકવાનો પ્રયાસ કરી રહી છે.
- આ કૂવામાં અત્યારે પાણી નથી. વહીવટીતંત્ર આ કૂવા દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ, પાણી રિચાર્જ અને અન્ય હેતુઓ પૂર્ણ કરવાનો પણ હેતુ ધરાવે છે.
- સરકાર વિસ્તારમાં શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભમાં જાહેર કુવાઓનો ઉપયોગ અટકાવવાનું પણ યોગ્ય રહેશે નહીં.
2006 સુધી હિન્દુઓ આ કૂવામાં પૂજા કરતા હતા
જયારે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે યોજાનારી સુનાવણીમાં હિન્દુ પક્ષ પણ પોતાનો મુદ્દો રજૂ કરશે. છેલ્લી સુનાવણીમાં, હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે 2006 સુધી હિન્દુઓ આ કૂવામાં પૂજા કરતા હતા. આ વિસ્તારમાં એક સમુદાયની વસ્તી વધવાને કારણે હિન્દુઓએ ત્યાં જવાનું બંધ કરી દીધું. તે કોર્ટ સમક્ષ આ અંગેના પુરાવા રજૂ કરશે.