દિલ્હી વિધાનસભાના પહેલા જ દિવસે પૂર્વ સીએમ આતિશીના ‘નિવેદન’થી ધમાલ
વિજેન્દ્ર ગુપ્તાને અભિનંદન આપતા ભાજપ પર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા સત્રના પહેલા દિવસની કાર્યવાહી ભારે ધાંધલધમાલ ભરી રહી છે. વિજેન્દ્ર ગુપ્તાને દિલ્હી વિધાનસભાના સ્પીકર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તેમના નામનો પ્રસ્તાવ મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા દ્વારા સૂચવવામાં આવ્યો હતો. આ પૂર્વે એલજી વીકે સક્સેનાએ અરવિંદર સિંહ લવલીને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન દિલ્હી વિધાનસભામાં વિપક્ષનાં નેતા આતિશીએ સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાને અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ આ સાથે તેમણે ભાજપ પર નિશાન પણ સાધ્યું હતું.
આતિશીએ ભાજપ પર કર્યા આક્ષેપ
વિધાનસભાના સત્ર દરમિયાન વિપક્ષના નેતા આતિશીએ સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાને અભિનંદન પાઠવ્યા હતા. જોકે, તેમણે ભાજપ પર પણ આરોપો લગાવ્યા હતા. આતિશીએ કહ્યું, “તમને સ્પીકર બનવા બદલ અભિનંદન, પણ મને તમને જણાવતા દુઃખ થાય છે કે દિલ્હીના મુખ્ય પ્રધાન કાર્યાલયમાંથી શહીદ-એ-આઝમ ભગતસિંહ અને ડૉ. ભીમરાવ આંબેડકરની તસવીરો દૂર કરવામાં આવી છે. આ ભાજપની દલિત વિરોધી, શીખ વિરોધી અને રાષ્ટ્રવિરોધી માનસિકતા દર્શાવે છે.”
ગૃહના વાતાવરણને બગાડવાનો પ્રયાસ
આતિશીના આ નિવેદનથી ગૃહમાં હોબાળો મચી ગયો હતો. આમ આદમી પાર્ટી અને ભાજપના ધારાસભ્યો સામસામે આવી ગયા હતા. આતિશીને કહ્યું કે તે ગૃહના સૌહાર્દપૂર્ણ વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ હોબાળો વધતો જોઈને સ્પીકર ગુપ્તાએ આતિશીને બેસી જવા કહ્યું. તેમ છતાં તેઓ બોલી રહ્યા હોય વિધાનસભા અધ્યક્ષે કહ્યું હતું કે આતિશીના વર્તનની સખત નિંદા કરી. તેમણે કહ્યું, “તે કોઈ પણ કારણ વગર વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહી છે. વિપક્ષનું આવું વર્તન ગૃહમાં સ્વીકાર્ય નહીં હોય.”
આ પણ વાંચો : દિલ્હીમાં ‘તખ્તો’ પલટાયો પણ ‘આપ’નો મૂડ નહીંઃ વિપક્ષનાં નેતા તરીકે આતિશીની પસંદગી
સ્પીકરે આપી ચેતવણી
વિજેન્દ્ર ગુપ્તાએ એમ પણ કહ્યું, “મને લાગે છે કે વિપક્ષ ગૃહ યોગ્ય રીતે ચાલે તેવું ઇચ્છતો નથી. જો વિપક્ષ નિયમોનું ઉલ્લંઘન કરે છે અથવા અવ્યવસ્થા ફેલાવવાનો પ્રયાસ કરે છે, તો તેને સહન કરવામાં આવશે નહીં. આ વર્તન નિંદનીય છે.” અંતે તેમણે કહ્યું, “હું ફરીથી ચેતવણી આપું છું કે તમે ગૃહની ગરિમાને નુકસાન પહોંચાડી રહ્યા છો. તમારા અરાજકતાવાદી વ્યવહારને સુધારો અને ગૃહને ગરિમાપૂર્ણ રીતે ચાલવા દો.