Delhi ના સીએમ કાર્યાલયમાં ડો. આંબેડકર અને શહીદ ભગત સિંહની તસવીર યથાવત, ભાજપે શેર કરી પોસ્ટ

નવી દિલ્હી : દિલ્હી(Delhi)વિધાનસભા સત્રનો પ્રથમ દિવસ આરોપ-પ્રત્યારોપથી ભરેલો રહ્યો. જેમાં આમ આદમી પાર્ટીએ મહાનુભાવોની તસવીર હટાવવાના આરોપનો ભાજપે જવાબ આપ્યો છે. જેમાં ભાજપે કહ્યું કે બાબા આંબેડકર અને શહીદ ભગત સિંહની તસવીર યથાવત છે. માત્ર ત્રણ નવી તસવીર મૂકવામાં આવી છે.
ભાજપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી
જેમાં આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ભગત સિંહ અને બાબા આંબેડકરની તસવીરો હટાવીને પીએમ મોદીની તસવીર લગાવવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે આપના આરોપો બાદ ભાજપે આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. આ તસવીર જાહેર કરતી વખતે ભાજપે કહ્યું કે બાબા આંબેડકર અને ભગત સિંહના તસવીર યથાવત છે. તેમની સાથે આ ત્રણ તસવીર મુકવામાં આવી છે. આ મુદ્દે ભાજપે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે અને બધી તસવીર જાહેર કરી છે.
આ પણ વાંચો : US Deportation:પનામાથી 12 ભારતીયોને લઇને ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ પર પહોંચી, જાણો કયા રાજ્યના કેટલા લોકો?
ભાજપની દલિત વિરોધી રાજનીતિ ઉજાગર
ઉલ્લેખનીય છે કે, દિલ્હી વિધાનભામાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે મુખ્ય મંત્રી રેખા ગુપ્તાની ઓફિસમાંથી બંધારણના ઘડવૈયા ભીમરાવ આંબેડકર અને શહીદ ભગતસિંહની તસવીરો દૂર કરવામાં આવી છે. જ્યારે દિલ્હીના પૂર્વ સીએમ આતિશીએ કહ્યું કે આનાથી ભાજપની દલિત વિરોધી રાજનીતિ ઉજાગર થાય છે.
આપે વિધાનસભામાં આનો સખત વિરોધ કર્યો
આ અંગે વિધાનસભામાં વિપક્ષના નેતા આતિશીએ કહ્યું કે, અરવિંદ કેજરીવાલના દિલ્હી સરકારમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન દરેક સરકારી કાર્યાલયમાં આંબેડકર અને શહીદ ભગતસિંહની તસવીરો લગાવવામાં આવી હતી. પરંતુ આજે જ્યારે અમે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને વિધાનસભા સ્થિત તેમના કાર્યાલયમાં મળવા ગયા, ત્યારે અમે જોયું કે બંને ફોટા મુખ્યમંત્રી કાર્યાલયમાંથી દૂર કરવામાં આવ્યા છે. આપ વિધાનસભામાં આનો સખત વિરોધ કરે છે.