વેપાર

Mumbai Gold Rate: ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનું વિક્રમ સપાટીની નજીક

સ્થાનિક સોનામાં રૂ. 264ની આગેકૂચ, ચાંદી રૂ. 903 ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહતા આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો અને વાયદામાં ટકેલું વલણ રહ્યું હતું. તેમ જ ચાંદીમાં સુધારો આવ્યો હોવાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 903નો ઘટાડો આવ્યો હતો, પરંતુ સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવ 10 ગ્રામદીઠ રૂ. 263થી 264 વધી આવ્યા હતા અને ભાવે પુનઃ રૂ. 86,000ની સપાટી અંકે કરી હતી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સપ્તાહના આરંભે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 903ના ઘટાડા સાથે રૂ. 96,244ના મથાળે રહ્યા હતા. જોકે, આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 263 વધીને રૂ. 86,050 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 264 વધીને રૂ. 86,356ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી માત્ર સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી જળવાઈ રહી હતી અને જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન ગત શુક્રવારે અમેરિકાના આર્થિક ડેટાઓ નબળાં આવ્યા હોવાથી આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.1 ટકા વધીને આૈંસદીઠ 2939.91 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ આૈંસદીઠ 2953.30 ડૉલર આસપાસની સપાટીએ ટકેલાં રહ્યાં હતાં, જ્યારે ચાંદીના ભાવ 0.4 ટકા વધીને આૈંસદીઠ 32.65 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, હવે રોકાણકારોની નજર આ સપ્તાહના અંતે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર હોવાથી રોકાણકારોની લેવાલી મર્યાદિત રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અમેરિકી ડૉલરમાં નરમાઈતરફી વલણને ધ્યાનમાં લેતા આજે સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું કેસીએમ ટ્રેડના વિશ્લેષક ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે વૈશ્વિક સ્તરે વેપારની અનિશ્ચિતતાઓ નજીકના ભવિષ્યમાં દૂર થાય તેવી શક્યતા ન હોવાથી આ સપ્તાહે ફરી એક વખત નવી ટોચ દાખવે તેવી શક્યતા નકારી ન શકાય.

નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતાં લાકડાં અને વન્ય ઉત્પાદનો, આયાતી કાર, સેમિક્નડક્ટર અને ફાર્માસ્યુટિકલ પર ટૂંક સમયમાં અથવા તો એક મહિનામાં નવાં ટેરિફ લાદવાનો પુનરોચ્ચાર કર્યો હતો. જોકે, હવે બજાર વર્તુળોની નજર આગામી શુક્રવારે જાહેર થનરા અમેરિકાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચર ડેટા પર સ્થિર થઈ છે. જો ફુગાવામાં વધારો થશે તો અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત વિલંબિત કરે તેવી શક્યતા પ્રબળ બનતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવી શકે છે.

આ પણ વાંચો…અરે બાપરે… આ ત્રણ અરબોપતિની સંપત્તિમાં નોંધાયો ઘટાડોઃ જૂઓ કોણ છે જેની સંપત્તિને અસર નથી થઈ

તાજેતરમાં રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થપાવાની શક્યતા પ્રબળ બનતાં હાલ સોનામાં યુદ્ધને કારણે નીકળેલી સલામતી માટેની માગ મંદ પડી રહી હોવાથી હવે જો સોનાએ આૈંસદીઠ 3000 ડૉલરની સપાટી પાર કરવી હોય તો તેને માટે મજબૂત કારણની આવશ્યકતા રહેશે, એમ કેડિયા કોમોડિટીઝનાં ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button