દુબઈમાં સૂર્યકુમારે પોતે જ પાકિસ્તાની મહિલાને સેલ્ફી લઈ આપી!

દુબઈ: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહેલી ભારતીય ટીમમાં સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ સિરાજ, આ બે નામની બાદબાકી ખૂબ ચર્ચામાં છે અને એ ચર્ચા વચ્ચે સૂર્યકુમાર યાદવ રવિવારે દુબઈ સ્ટેડિયમમાં જ હતો જેનો એક વીડિયો તથા ફોટા વાઇરલ થયા છે.
આ પણ વાંચો: ખરું કહું તો આ ટૂર્નામેન્ટમાં હવે અમારા માટે બધું ખતમ થઈ ગયું: પાકિસ્તાન કેપ્ટન રિઝવાન
રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ દરમ્યાન સૂર્યકુમાર તેની પત્ની દેવિશા સાથે દુબઈ નેશનલ સ્ટેડિયમના વીઆઈપી સ્ટૅન્ડમાં બેઠો હતો. ત્યારે તેમની આગળની રૉમાં બેઠેલા બે પાકિસ્તાનતરફી ક્રિકેટ ચાહકોએ સૂર્યકુમાર સાથે સેલ્ફી લેવાની સૂર્યકુમારને વિનંતી કરી હતી. યુવતી સેલ્ફી લેવા માટે પ્રયત્ન કરી રહી હતી ત્યારે ખુદ સૂર્યકુમારે જ એ યુવતીના મોબાઈલમાં પોતાની સાથેની સેલ્ફી લઈ આપી હતી. યુવતીએ સૂર્યકુમારનો ફોટો પણ પાડ્યો હતો.
સૂર્યકુમાર ભારતની ટી-20 ટીમનો સફળ કેપ્ટન છે અને આક્રમક બૅટિંગ સ્ટાઇલને કારણે માત્ર ભારતીયોમાં જ નહીં, પરંતુ પાકિસ્તાન સહિત વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓમાં લોકપ્રિય છે.
ભારતે રવિવારે પાકિસ્તાનને છ વિકેટે હરાવીને સ્પર્ધાની બહાર લગભગ કરી જ દીધું હતું.