‘જો કોંગ્રેસને મારી જરૂર ન હોય તો….’ આ દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટી છોડી શકે છે

નવી દિલ્હી: કોંગ્રેસના પીઢ નેતા અને કેરળના તિરુવનંતપુરમથી લોકસભાના સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) પાર્ટી છોડે તેવા સંકેતો આપી રહ્યા છે. શશિ થરૂરે કોંગ્રેસની હરીફ ડાબેરી સરકારના વખાણ કરતા વિવાદ ઉભો થયો છે. થરૂર પાર્ટીથી નારાજ લાગી રહ્યા છે. તેમને કહ્યું કે કોંગ્રેસને મારી જરૂર નથી તો, મારી પાસે બીજા કામ પણ છે.
શશિ થરૂરે મલયાલમ ભાષાના એક પોડકાસ્ટમાં કેરળમાં કોંગ્રેસના નેતાની ગેરહાજરીનો પણ ઉલ્લેખ કર્યો. પોતાના ગૃહ રાજ્યમાંથી ચાર વખત ચૂંટાયેલા શશી થરૂરે કેરળની ડાબેરી સરકારની નીતિઓ અને રાજ્યના વિકાસની પ્રશંસા કરી હતી, જેની સામે કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો.
શશિ થરૂરે અશું કહ્યું?
પોતાની ટિપ્પણીનો બચાવ કરતા, પોડકાસ્ટ પર તેમણે કહ્યું, “લોકોએ રાજ્યના વિકાસ પર પોતાના વિચારો વ્યક્ત કરવાના મારા અધિકારને સમર્થન આપ્યું છે. જો પાર્ટીને મારી જરૂર હોય તો હું પાર્ટી સાથે રહીશ. જો જરૂર નહીં હોય, તો મારી પાસે મારા પોતાના કામ છે. તમારે એવું ન વિચારવું જોઈએ કે મારી પાસે સમય પસાર કરવાનો બીજો કોઈ વિકલ્પ નથી. મારી પાસે વિકલ્પો છે. મારી પાસે મારા પુસ્તકો, ભાષણો, વિશ્વભરથી ટોક માટે આમંત્રણો આવેલા છે.” તેમણે કહ્યું,”હું આ દેશમાં સેવા કરવા પાછો આવ્યો છું. હું અમેરિકામાં સારું કામ કરી રહ્યો હતો અને ઘણા પૈસા કમાઈ રહ્યો હતો.”
Also read: શશિ થરૂરના ખોળામાં બેસી ગયા કપિરાજ અને પછી…
સતત ત્રીજી વખત વિપક્ષમાં બેસશે:
લોકસભા ચુંટણી 2024 માં કોંગ્રેસને ફાયદો થયો હતો અને પાર્ટી વધુ સારું પ્રદર્શન કરે તેવી આશા હતી, પરંતુ તે પછી યોજાયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને પછડાટ મળી. શશી થરૂરે કહ્યું કે કોંગ્રેસને કેરળમાં પોતાની અપીલ વધારવાની જરૂર છે, નહીં તો તેઓ સતત ત્રીજી વખત વિપક્ષમાં બેસશે. થરૂરે એક અખબારની કોલમમાં કેરળના અર્થતંત્રને સંભાળવા માટે LDF સરકારની પ્રશંસા કર્યા પછી વિવાદ શરૂ થયો હતો. ડાબેરીઓએ તેમની ટિપ્પણીનું સ્વાગત કર્યું હતું, પરંતુ કોંગ્રેસ તરફથી તેમની ટીકા કરવામાં આવી હતી