મહાકુંભ વિષે ભ્રામક માહિતી ફેલાવવા બદલ 140 સોશિયલ મીડિયા હેન્ડલ સામે FIR નોંધાઈ, મહાશીવરાત્રીની માટે તંત્ર તૈયાર

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલો મહાકુંભ મેળો હવે તેના અંતિમ તબક્કામાં છે, મહાશિવરાત્રિના દિવસે મહાકુંભ (Mahakumbh 2025) મેળાનું સમાપન થશે. આ મહાકુંભ મેળો ઘણી બાબતોને કારણે વિવાદમાં રહ્યો છે, સોશિયલ મીડિયા પર મહાકુંભ સતત ચર્ચામાં રહ્યો. એવામાં ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મહાકુંભ વિશે ‘ભ્રામક સામગ્રી’ ફેલાવવા બદલ 140 સોશિયલ મીડિયા હેન્ડલ સામે 13 ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ પોલીસનો સોશિયલ મીડિયા (UP Social Media Cell)સેલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખાસ નજર રાખી રહ્યું છે. ત્રિવેણી સંગમમાં સ્નાન કરતી મહિલા શ્રદ્ધાળુઓના વાંધાજનક વીડિયો શેર થયા બાદ, સોશિયલ મીડિયા સેલ વધુ સતર્ક થઇ ગયું છે. ઉત્તર પ્રદેશ સરકારના માહિતી વિભાગના અહેવાલ મુજબ રવિવારે લગભગ 87 લાખ લોકોએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.
મહા શિવરાત્રીની તૈયારીઓ:
26મી ફેબ્રુઆરી મહા શિવરાત્રીનો દિવસ મહા કુંભનો છેલો દિવસ છે. દરમિયાન, મહા કુંભના છેલ્લા દિવસે ભક્તોનો મોટો ધસારો થવાની શક્યતા છે, ઉત્તર પ્રદેશ પોલીસના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે મહાશિવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને ‘સંપૂર્ણ વ્યવસ્થા’ કરવામાં આવી છે.
Also read: મહાકુંભમાં વીઆઇપીઓનો પણ રેકોર્ડ બ્રેકઃ અધિકારીઓ વ્યવસ્થાના ભારથી લદાયા…
અધિકારીએ કહ્યું,”મહાકુંભ વિસ્તારમાં ક્યાંય પણ ટ્રાફિક જામ ન થાય તે માટે પ્રયાસો કરવામાં આવશે. બધી વ્યવસ્થા સુચારુ રીતે ચાલશે. ભીડ ગમે તેટલી વધુ હોય, અમે સંપૂર્ણપણે તૈયાર છીએ.” ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં 62 કરોડ યાત્રાળુઓ પવિત્ર સ્નાન કરી ચુક્યા છે.