
અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પરથી એર ટેકસી ઉડશે. આ માટે ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ કરી શકે તેવું બેટરી આધારિત એરક્રાફ્ટ (e votal) ઉડાવવા માટે ટ્રાયલ સાઇટ તરીકે અમદાવાદ અને માંડવી (કચ્છ)ની પસંદગી કરવામાં આવી છે. ડીજીસીએની ટીમે ગુજરાતની મુલાકાત પણ લીધી હતી.
ઓછું ઈંધણ બળે અને પર્યાવરણને પણ અનુકૂળ હોય તેવા એરક્રાફ્ટ ઉડે તેવી કેન્દ્રીય સિવિલ એવિએશનની ઈચ્છા છે. એડવાન્સ એર મોબિલીટીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે હવે બેટરી આધારિત વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ કરી શકે તેવા નાનાકડાં એરક્રાફ્ટ ઉડાવવાનું આયોજન થઈ રહ્યું છે. તેને ઈ વોટલ કહેવામાં આવી છે. હેલિકોપ્ટરની જેમ આ નાનકડું એરક્રાફટ ઉડી અને ઉતરી શકે છે. તેને રન વે ની જરૂર પડતી નથી.
કેન્દ્રીય સિવિલ એવિએશન વિભાગે આ મુદ્દે રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં એર ટેક્સી હેલિકોપ્ટર કરતાં વધુ સલામત હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શું છે ખાસિયત
ઈલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડીંગ એરક્રાફ્ટની વિશેષતા એ છે કે તે પર્યાવરણને અનુકૂળ છે. બેટરી આધારિત હોવાથી ઘોંઘાટ કરતું નથી. રન વે ની જરૂર પડતી નથી. હેલિકોપ્ટરની જેમ જ ઉડી શકે છે. તેમાં બે થી છ વ્યક્તિ હવાઈ મુસાફરી કરી શકે છે. સેન્સર આધારિત સોફ્ટવેરથી સજ્જ હોવાના કારણે હેલિકોપ્ટરથી વધુ સલામત છે. જોકે પહાડી વિસ્તારમાં તેને ઉડાડવું જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો…Surat માં હેલ્મેટનો અમલ કરાવવા પોલીસ કટિબદ્ધ, હવે અપનાવશે આ વ્યુહરચના
ઉલ્લેખનીય છે કે અમદાવાદ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી મોટા ઉપાડે શરૂ કરવામાં આવેલા સી પ્લેનનું બાળમરણ થયું છે ત્યારે એર ટેક્સી પ્રોજકેટનું શું થશે તેના પર નજર રહેશે.