ધર્મતેજ

ભગવાન શિવનો અર્થ છે કલ્યાણ, કયો ધર્મ કલ્યાણની ના પાડી શકે?

માનસ મંથન -મોરારિબાપુ

શંકર કોણ છે ? ओमकार मूलं तुरीयं’ ચોથી અવસ્થા છે. ન સ્વપ્ન, ન સુષુપ્તિ, ન જાગ્રત, હે મહાદેવ, બાપ! તું તો તુરીય છે. તું તો તુરિયાવસ્થાનો પાદશાહ છે. અ,ઉ,મ, એ ત્રણે ગુણોના પ્રતીક છે, ત્રણ અવસ્થાઓના પ્રતીક છે. ત્રિભુવનનો પ્રતીક છે. શું નથી ? અ,ઉ,મ, વિજ્ઞાન છે ઓમકાર. ઈશ્વરનો વાચક શબ્દ છે ઓમ. તેથી જ્ઞાની લોકો કોઈ નામનો ઉચ્ચાર નથી કરતાં, ફક્ત ઓમ,ઓમ,ઓમ કરે છે.

ઘંટનાદ થાય છે ને, તે ખૂબ વૈજ્ઞાનિક છે. એમાં જે નાદ નીકળે છે, વર્તુળાકાર, એ ઓમનો જ ધ્વનિ છે. ઓમ, ઓમ, ગૂંજે છે. આપણા મંદિરનું જે વાસ્તુશાસ્ત્ર છે, એમાં પણ જ્યારે એક ‘ઓમ’ મેળવવામાં આવે તો એક ધ્વનિ પેદા થાય છે. એવી રીતે આપણે ત્યાં મંદિરોના શિલ્પ, વૈજ્ઞાનિક ઢબે થયા છે. આદિ ઈશ્વરનો વાચક શબ્દ છે ‘ઓમ’. ૐ વાચક શબ્દ છે, ૐ પ્રણવ છે. વેદનો બોધક છે. એ જગતનું મૂળ છે. પણ હે મહાદેવ, ઓમકારના પણ ઈશ્વર, ઓમકારનુંયે મૂળ એ તું છે. તારામાંથી ઓમકાર નીકળે છે, ઓમકારનું ફૂલ નીકળે છે, તારી જડોમાંથી, તારા મૂળમાંથી, ઓમકાર ફૂટ્યો છે. તારી જડની કોઈ જડ નથી.

યુવાન ભાઈ-બહેનો, સાંભળો. ‘અયોધ્યાકાંડ’ના મંગલાચરણનો પહેલો મંત્ર તુલસીદાસજીએ શંકર અને પાર્વતીની વંદના કરતાં લખ્યો છે. અયોધ્યા એટલે યૌવન અને યુવાનીમાં જે માણસ કોઈની સાથે કજિયા-કંકાસ કરી-કરીને પોતાની ઊર્જાને ખરચી ન નાખે એવી યુવાનીનું નામ છે ‘અયોધ્યાકાંડ’. અને ‘અયોધ્યાકાંડ’ને રમણીય બનાવવો હોય તો તમે ગમે તે સંપ્રદાય કે ગમે તે ધર્મના હો પણ તમારે શંકરને સ્મરવા પડશે. શંકર એ યુવાનીનું જતન કેમ કરવું એનું શિક્ષણ આપે છે. એટલે તુલસીએ શિવની વંદના મંગલાચરણમાં કરી. એક વસ્તુ સમજી લેજો, શિવ શિવ છે. હું ગાઉં છું રામને,પણ રામ કરતાંય માનું છું વધારે શંકરને. એનો જેવો કોઈ દેવ નહીં. ભગવાન શંકર રાસનો પણ દેવ છે અને હ્રાસનો પણ દેવ છે. ‘શિવ’નો અર્થ છે કલ્યાણ. કયો ધર્મ કલ્યાણનો ઇનકાર કરી શકે? તો,યુવાનો માટે બહુ પથદર્શક છે મહાદેવની સ્તુતિ. એટલે પહેલો શ્ર્લોક-

यस्याइके च विभाति मधुरसुता देवापगा मस्तके
भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट्
सोडयं भूतिविभूषण: सुरवर: सर्वाधिपः सर्वदा
शर्व : सर्वगत : शिव : शशिनिभ : श्रीशड्कर : पातु माम् ॥

હે યુવાન ભાઈ-બહેનો,મંગલાચરણમાં શિવવંદના કરીને તુલસી એમ કહેવા માગે છે કે હે યુવાન,જુવાનીમાં તારાં લગ્ન થશે. ‘અયોધ્યાકાંડ’ને પૂજ્ય ડોંગરેબાપા ‘જુવાનીનો કાંડ’ કહેતા હતા. ત્યાં યુવાનોને સંકેત છે. ગોસ્વામીજીનો આપણા સૌ માટે કદાચ ત્યાં એવો ઈશારો છે કે યુવાન,યુવાનીમાં તારા લગ્ન થાય ત્યારે શિવનાં દર્શન કરતાં-કરતાં એવું શીખજે અને ભગવાન શિવે પાર્વતીને જે રીતે આદર આપ્યો એ રીતે તું પણ ઘરમાં આદર આપજે. મર્યાદા ન તૂટવી જોઈએ. આ સુંદર દામ્પત્યનો નમૂનો છે. શિવજીની ડાબી બાજુએ જેમ હિમાલયપુત્રી બિરાજમાન થાય છે એમ દામ્પત્ય આવું સરસ રાખજે, તારી ધર્મપત્નીને તું આટલો આદર આપજે અને એને હૃદયના ભાગમાં બેસાડજે.

શંકરની જટામાંથી ગંગા નીકળે છે એમ હે યુવાન, તારી બુદ્ધિ વિવેકની ગંગા રાખજે. શંકરના કપાળમાં બાલચંદ્ર છે; હે યુવાન, સંયમથી તેજ વધશે, તારા લલાટમાં તપનું તેજ રાખજે. અને એ પૂર્ણચંદ્ર નહીં; પૂર્ણચંદ્રને કૃષ્ણપક્ષ લાગુ પડશે,‘હજી માટે વિકસિત થવાનું છે’,એમ તારી યુવાનીમાં સંકલ્પ કરજે. મહાદેવે ઝેર પીધું છે; હે યુવાન,યુવાનીમાં તારે ઘણું બધું સહન કરવું પડશે, ત્યારે એ વિષને કંઠમાં રાખજે; એટલે ‘નીલકંઠ’ બનજે. શંકરનાં આભૂષણોમાં સર્પોનાં ઘરેણાં છે. કવિ ‘કલાપી’ એ લખ્યું છે, ‘જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી’ જે પોષે છે એ જ મારે છે. હે યુવક, તું આભૂષણ પહેરજે, પરંતુ સાવધાની રાખજે કે એ ભૂષણ ભુજંગ બનીને તને દંશ ન દે. કોઈ યુવક સારાં કપડાં-ઘરેણાં પહેરે તો ધર્મએ એની આલોચના ન કરવી જોઈએ,એને સાવધાન કરવો જોઈએ. વિવેક શીખવવો એ ધર્મનું ક્ષેત્ર છે.

ભગવાન શંકરે વિભૂતિનું લેપન કર્યું છે. એના બે અર્થ; એક અર્થ એ છે કે શરીર ભસ્મ છે. એ યાદ રાખવું,બીજો અર્થ,આ શરીરનો તું સદુપયોગ કરીશ તો તું ઐશ્વર્ય પામીશ. વિભૂતિ એટલે ઐશ્વર્ય. ‘શિવસૂત્ર’માં ભગવાન શિવ કહે છે,-આપણું અંતિમ સૂત્ર-જ્ઞાન જ તારું ભોજન છે. જ્ઞાન જ તારું અન્ન છે, તું આત્મા છે, તું જીવ છે એ ભ્રાંતિમાં ન રહીશ, તને લોકોએ જીવાત્મા કહીને ભૂલવામાં નાખી દીધો છે. અને સિંહના સંતાન ! તે માની લીધું કે તું બકરીનું બચ્ચું છે ! તું છે આત્મા. તારા આત્માનો ખોરાક શું છે? આપણે શરીર પાસે તો બહુ ઉપવાસ કરાવ્યા. પણ આત્માને ઉપવાસ કરાવશો નહીં. આત્મા જ્ઞાન સિવાય રાજી નથી થતો. જ્ઞાન જ એનો ખોરાક છે. એનો અર્થ એવો નથી કે જ્ઞાન એટલે બહુ સુંદર કથા કહી દો, બહુ સરસ દૃષ્ટાંત આપી દો, સ્તોત્ર, કવિતા વગેરે યાદ રહી જાય ! આ બધી માહિતી છે. જ્ઞાનનો અર્થ છે શિવની દ્રષ્ટિમાં ‘જાગૃતિ-પ્રકાશ’ ઉજાલા, હોશ ! તમારી જાગૃતિ જ તમારા આત્માનો ખોરાક છે તું હોશમાં આવ ! આપણે શરીરને તો બહુ ભોજન આપ્યું. પણ આત્માને ઉપવાસી રાખ્યો. શરીરને ભોજન ન આપવું એવી વાત નથી. પણ આત્માને ઉપવાસી ન રાખો. આત્માને જ્ઞાનનું ભોજન આપો. રોજ આત્માને ભોજન મળે એ માટે સત્સંગ કરો. સત્સંગ આત્માનો ખોરાક છે. આ ઉપવાસ આપણે ક્યારે કરીએ છીએ? સત્કર્મમાં લાગી જઈએ તો ઉપવાસ કરીએ છીએ. યજ્ઞ કરીએ છીએ, ત્યારે ઉપવાસ કરીએ છીએ. યજ્ઞ તો બડા ઉત્સવ હૈ,એ દિવસે ભૂખ્યા રહેવાની શું જરૂર? યજ્ઞમાં આપણે આત્માને ભોજન કરાવીએ છીએ,એટલે દેહનું ભોજન છૂટી ગયું. સત્કર્મમાં ઉપવાસ શા માટે કરવાનો ! ખૂબ મનોવૈજ્ઞાનિક શિરસ્તો છે. ઋષિઓનો તમે જન્માષ્ટમીનો મહોત્સવ મનાવી રહ્યા છો, કીર્તન કરી રહ્યા છો, નાચી રહ્યા છો, આનંદમાં ડૂબ્યાં છો, તમારા આત્માને ખોરાક આપી રહ્યા છો, તો આત્માને ખોરાક મળી રહ્યો છે તેથી શરીરને ઉપવાસ કરાવો શરીરને તારે ખવડાવતા નથી,આજે આપણે આત્માને ભોજન કરાવીએ છીએ. ઉપવાસ શરીરને કરાવીએ છીએ. રોજ સત્સંગ કરો,રોજ સ્વાધ્યાય કરો. જ્ઞાન જ તારું અન્ન છે.

આભૂષણો પહેરેજે,પણ એ ભૂષણ ભુજંગ ન બની જાય એનું ધ્યાન રાખજે. શરીર પરણી ભસ્મ સંકેત કરે છે કે આ કાયા એક દિવસ ભસ્મ પણ બનશે એટલે તું નિરાશ ન થા,પણ નાશવંતતાનું સ્મરણ રાખજે. કલ્યાણકારી વિચાર રાખજે. આ રીતે ‘અયોધ્યાકાંડ’નો આરંભ માર્ગદર્શક લાગે છે.
(સંકલન : જયદેવ માંકડ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button