એકસ્ટ્રા અફેર

થરૂરે મોદીને વખાણ્યા તેમાં કાંઇ ખોટું નથી


એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કૉંગ્રેસના સીનિયર નેતા અને કેરળના તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે કોંગ્રસમાં પોતાની ભૂમિકા અંગે સવાલ કરતાં કૉંગ્રેસમાં પાછું ડખાપંચક શરૂ થયું છે. શશિ થરૂર 18 ફેબ્રુઆરીએ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા ત્યારે કૉંગ્રેસમાં તેમને હાંસિયામાં ધકેલી દેવાયા હોવાનો બળાપો કાઢીને ભારે નારાજગી વ્યક્ત કરી. થરૂરે રાહુલને કહ્યું છે કે તેમને સંસદમાં મહત્ત્વપૂર્ણ ચર્ચાઓમાં બોલવાની તક મળી રહી નથી અને પાર્ટીમાં તેમની અવગણના કરવામાં આવી રહી છે. આ કારણે કૉંગ્રેસમાં પોતાની ભૂમિકા અંગે મૂંઝવણમાં છે અને ઇચ્છે છે કે રાહુલ ગાંધી તેમને તેમની ભૂમિકા વિશે સ્પષ્ટપણે જણાવે.

રાહુલ ગાંધી મહેતા મારેય નહીં ને ભણાવેય નહીં એ ટાઈપના નેતા છે તેથી રાહુલ ગાંધીએ થરૂરની ફરિયાદનું નિરાકરણ કર્યું નથી. મીડિયા રિપોર્ટ્સ કહે છે કે, રાહુલ ગાંધીએ થરૂરની ફરિયાદોનો કોઈ ચોક્કસ જવાબ આપ્યો નથી કે કોઈ વચન આપવા તૈયાર નથી. તેના કારણે થરૂર અકળાયેલા છે અને કૉંગ્રેસને રામ રામ કરી દેવાના મૂડમાં છે એવું પણ મીડિયા રિપોર્ટ્સ કહે છે.

થરૂર કૉંગ્રેસ છોડશે એ વાતમાં કેટલો દમ છે એ રામ જાણે પણ કૉંગ્રેસ હાઈકમાન્ડ અને થરૂર વચ્ચે લાંબા સમયથી કોલ્ડ વોર ચાલે જ છે. થરૂર સાથે કૉંગ્રેસની નેતાગીરીને કોઈને કોઈ વાતે વાંધો પડ્યા જ કરે છે. આ વખતે વાંધો પડવાનું કારણ થરૂરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કરેલી પ્રશંસા છે. 15 ફેબ્રુઆરીના રોજ શશિ થરૂરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતની પ્રશંસા કરી હતી ને તેના કારણે કૉંગ્રેસના કેટલાક નેતાઓની બળી ગઈ હતી. થરૂરે કહ્યું હતું કે, વડા પ્રધાન મોદીની અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતના કેટલાક પરિણામો દેશના લોકો માટે સારા છે. મને લાગે છે કે ભારતને થોડીક હકારાત્મક સિદ્ધિ મળી છે અને એક ભારતીય તરીકે હું તેની પ્રશંસા કરું છું. થરૂરે સ્પષ્ટતા કરી હતી કે, હું અત્યારે પક્ષ વતી બોલતો નથી પણ ફક્ત રાષ્ટ્રીય હિતમાં વાત કરી રહ્યો છું.

થરૂરની વાતથી કૉગ્રેસીઓને મરચાં લાગી ગયાં ને કેરળમાં કૉંગ્રેસના મુખપત્રે તો શશિ થરૂરને ચૂપ રહેવા સલાહ પણ આપી દીધી. થરૂરે પહેલાં કેરળની પિનારાયી વિજયનની ડાબેરી સરકારની ઉદ્યોગ નીતિની પણ પ્રશંસા કરી હતી. સીપીએમ સરકારની ઔદ્યોગિક નીતિની પ્રશંસા કરતા થરૂરના લેખે કેરળ કૉંગ્રેસમાં કકળાટ કરી નાંખ્યો હતો. આ કકળાટ ઠરે એ પહેલાં થરૂરે મોદીનાં વખાણ કરી નાખ્યાં તેથી કેરળ કૉંગ્રેસના મુખપત્ર વીક્ષણમ ડેઇલીના તંત્રીલેખમાં બંને મુદ્દા ભેગા કરીને થરૂરનું સીધું નામ લીધા વિના સલાહ અપાયેલી કે કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે ત્યારે નેતાઓએ બોલવામાં ધ્યાન રાખવું અને વિધાનસભાની આગામી ચૂંટણી પહેલા પાર્ટીના લાખો કાર્યકરો સાથે દગો ન કરવો જોઈએ.

થરૂરકાંડ એ વાતનો પુરાવો છે કે, કૉંગ્રેસની નેતાગીરીમાં ખેલદિલી નથી. મોદી આ દેશના વડા પ્રધાન છે ને રાજકીય વિચારધારા ગમે તે હોય પણ વિપક્ષના નેતાને પણ તેમની કામગીરી સારી લાગે તો તેમની પ્રશંસા કરવામાં કશું ખોટું નથી. મોદીની અમેરિકા યાત્રા દેશ માટે સારી નિવડી કે ખરાબ નિવડી એ અંગે દેશના દરેક નાગરિકના પોતપોતાના અભિપ્રાય હશે. એ રીતે થરૂરનો પણ પોતાનો અભિપ્રાય છે ને એ તેમણે વ્યક્ત કર્યો તેમાં આભ તૂટી પડ્યું નથી પણ કૉંગ્રેસ એ રીતે વર્તી રહી છે કે જાણે આભ તૂટી પડ્યું હોય. થરૂર પાછા મોદી પર એવા પણ વરસી નથી પડ્યા કે જેના કારણે કૉંગ્રેસને મોટું રાજકીય નુકસાન થઈ જાય કે ભાજપને બહુ મોટો ફાયદો થઈ જાય છતાં કૉંગ્રેસીઓને મરચાં લાગી ગયાં છે.

કૉંગ્રેસની નેતાગીરી સંકુચિત માનસિકતાથી પિડાય છે. મોદીની ને ભાજપની જરા સરખી પણ પ્રશંસા એ લોકો સહન જ કરી શકતા નથી એ જોયા પછી ખરેખર તો કોંગ્રેસની નેતાગીરીની દયા આવે છે. એ લોકો એવું જ માને છે કે, વિપક્ષ તરીકે તેમની ભૂમિકા મોદી અને ભાજપની ટીકા જ કરવાની છે. વખાણનો તો એક શબ્દ પણ ના નીકળવો જોઈએ. આ કારણે પાણીમાંથી પોરા કાઢી કાઢીને મોદીની ને ભાજપની ટીકા કર્યા કરે છે. જે મુદ્દે ટીકા થતી હોય એ મુદ્દે કરવી જોઈએ પણ સામે સારું કામ કરાય તો તેને વખાણવું પણ જોઈએ. કૉંગ્રેસની આ માનસિકતાનું તાજું ઉદાહરણ બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 12 લાખ રૂપિયા કરાઈ એ અંગે કૉંગ્રેસનું વલણ છે. મોદી સરકારે મધ્યમ વર્ગને બહુ મોટી રાહત આપી છે તેની પ્રશંસા કરવાના બદલે કૉંગ્રેસે તેની પણ ટીકા કરેલી. થરૂરના મામલે પણ કૉંગ્રેસે એ જ વલણ અપનાવ્યું છે.

થરૂર સામે કૉંગ્રેસની નેતાગીરીને વાંધો છે તેનાં ઘણા કારણો છે. સૌથી મોટું કારણ એ છે કે, થરૂર કૉંગ્રેસની નેતાગીરીના ખૂંટે બંધાયેલું ઢોર બનવા તૈયાર નથી. શશિ થરૂર વારંવાર એવાં નિવેદનો આપ્યા કરે છે કે જે પાર્ટીના સત્તાવાર વલણની વિરુદ્ધ હોય. સાથે સાથે થરૂર કૉંગ્રેસની નેતાગીરીની નબળાઈને પણ વારંવાર લોકો સામે છતી કર્યા કરે છે તેથી થરૂર અળખામણા બની ગયા છે.

થરૂરના બગાવતી તેવરની શરૂઆત સોનિયા ગાંધીને પત્ર લખવાથી થઈ હતી. ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, શશિ થરૂર, મુકુલ વાસનિક, પૃથ્વીરાજ ચવાણ વગેરે કૉંગ્રેસના ટોચના કહેવાતા 23 નેતાઓએ હિંમત કરીને સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. તેમાં તેમણે સોનિયા ગાંધી કૉંગ્રેસનો કારભાર બાપીકી પેઢીની જેમ ચલાવે છે તેની સામે બળાપો કાઢેલો. સોનિયા પોતાના મળતિયાઓને ને આ મળતિયાઓ પોતાના મળતિયાઓને જુદા જુદા હોદ્દા પર ગોઠવી દે છે. કૉંગ્રેસમાં તાકતવર લોકોને તક જ મળતી નથી ને કૉંગ્રેસનું નામું નંખાઈ ગયું છે તેથી કૉંગ્રેસમાં ઉપરથી નીચે સુધી ફેરફારો કરવાની જરૂર છે એ મુદ્દો પણ ઉઠાવેલો.

થરૂર મલ્લિાકાર્જુન ખડગે સામે કૉંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી લડેલા. કૉંગ્રેસની નેતાગીરી ઈચ્છતી હતી કે, કૉંગ્રેસ પ્રમુખની ચૂંટણી સર્વસંમતિથી ને ચૂંટણી વિના થાય પણ થરૂર ધરાર ચૂંટણી લડ્યા તેમાં કૉંગ્રેસની નેતાગીરી ખફા થઈ ગયેલી. એ પહેલાં ઉત્તર પ્રદેશ સહિતનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી પણ થરૂરે પક્ષને મળી રહેલી સતત હાર બાદ કૉંગ્રેસના નેતૃત્વ સામે વિરોધના સૂર ઉઠાવેલા. કારમી હાર બાદ શશિ થરૂરે કૉંગ્રેસમાં સંગઠનાત્મક નેતૃત્વમાં ફેરફાર કરવાની માંગ કરી હતી.

થરૂરે લોકસભાની 2024ની ચૂંટણી પહેલાં પણ કહેલું કે, કૉંગ્રેસનું નેતૃત્વ મારી પાસે હોત તો મેં 2024ની લોકસભા ચૂંટણી માટે નાના નાના પક્ષો અને પ્રાદેશિક પક્ષોને વિપક્ષના જોડાણમાં આવવા માટે પ્રોત્સાહિત કર્યા હોત. થરૂરે કહ્યું કે, વિપક્ષો એકબીજાના મતોનું વિભાજન થતા અટકાવવાનું નહીં વિચારે તો ભાજપને નહીં રોકી શકે. વિપક્ષો એક થઈ જાય તો ભાજપ માટે પણ 2024ની ચૂંટણીમાં બહુમતી મેળવવી પણ અઘરી થઈ જાય. થરૂરની આ વાત સાચી પડેલી પણ કોંગ્રેસમાં સાચી વાત સ્વીકારવાની તૈયારી જ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button