Gujarat Weather: આગામી બે દિવસમાં માવઠાની શક્યતા, રાજ્યમાં બેવડી ઋતુ રહેશે

અમદાવાદઃ ગુજરાત છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યનું તાપમાન સતત વધી રહ્યું છે. રાજ્યમાંથી ઠંડી વિદાય લઈ રહી હોય તેવું લાગતું હતું પરંતુ ગઈકાલે રાત્રે રાજ્યનું તાપમાન અચાનક ઘટી ગયું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટ્યા બાદ ફરી ઠંડી ફરી વળી છે. હવામાન વિભાગે ગુજરાતના ઉત્તર અને મધ્ય શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવી છે. બીજી તરફ હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં વાદળછાયું રહવાની અને કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યના હવામાનમાં ફેરફાર થઈ શકે છે. માર્ચની શરૂઆતમાં હવામાનમાં ફરી ફેરફાર થવાની ધારણા છે. રાજ્યમાં હવામાન ધીમે ધીમે ગરમ થવા લાગશે. રાજ્યમાં બેવડી ઋતુ રહેશે. 4થી માર્ચથી ગરમીમાં વધારો થશે અને બીજા સપ્તાહથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 23મી માર્ચ પછી તાપમાન સતત વધતું જશે અને માર્ચના અંત સુધીમાં 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
Also read: ગુજરાતમાં ગરમીની શરૂઆત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું
ક્યાં કેટલું નોંધાયું તાપમાન
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે રાત્રે ગુજરાતમાં અમદાવાદમાં 19 ડિગ્રી, ડીસામાં 18 ડિગ્રી, ગાંધીનગરમાં 17 ડિગ્રી, વિદ્યાનગરમાં 20 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી, સુરતમાં 20 ડિગ્રી, દમણમાં 18 ડિગ્રી, ભુજમાં 19 ડિગ્રી, નલિયામાં 16 ડિગ્રી, કંડલા બંદરમાં 19 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 18, ભાવનગરમાં 19 ડિગ્રી, દ્વારકામાં 20 ડિગ્રી, ઓખામાં 22 ડિગ્રી, પોરબંદરમાં 15 ડિગ્રી, રાજકોટમાં 19 ડિગ્રી, મહુવામાં 17 ડિગ્રી અને કેશોદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
શું કહે છે અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર ફેરફારોની આગાહી કરવામાં આવી છે. 24મી અને 25મી ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં વાદળછાયા વાતાવરણની સ્થિતિ સર્જાઈ શકે છે. જેના કારણે જામનગર, રાજકોટ, કચ્છ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા તથા પંચમહાલ, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.