ટોપ ન્યૂઝનેશનલ

Telangana Tunnel Accident: બચી ગયેલા શ્રમિકોએ જણાવ્યું કેવી રીતે બની ઘટના, 45 કલાક પછી પણ નથી મળી સફળતા

હૈદરાબાદ: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ ટનલ કેનાલ(LBC) પ્રોજેક્ટ માટે નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટી પડતાં આઠ કર્મચારીઓ 45 કલાકથી વધુ સમયથી અંદર (Telangana Tunnel Accident) ફસાયેલા છે. ભારતીય સેના, NDRF, SDRF અને અન્ય એજન્સીઓ સતત બચાવ કામગીરી કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.

રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં, રેસ્ક્યુ ટીમના કર્મચારીઓ કાદવ, લોખંડના સળિયા અને સિમેન્ટના ટુકડાઓમાંથી પસાર થતા જોવા મળે છે. અહેવાલ મુજબ ટનલનો ભાગ તૂટી પડ્યા પછી 13મા કિલોમીટર સુધી પહોંચવામાં સફળ રહેલી ટીમોએ ફસાયેલા લોકોના નામની બુમો પાડી, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. ટનલમાં ફસાયેલા આઠ લોકોમાં બે એન્જિનિયર, બે ઓપરેટર અને ચાર શ્રમિકોનો સમાવેશ થાય છે.

શક્યતા ઓછી?
તેલંગાણાના પ્રધાન જે. કૃષ્ણા રાવે જણાવ્યું હતું કે ટનલમાં ઘણો કાટમાળ જમા થઈ ગયો છે, જેના કારણે અંદર જવું મુશ્કેલ બની ગયું છે. બચાવ ટીમ શ્રમિકોને બહાર નીકળવા માટે રબરની નળીઓ અને લાકડાના પાટિયાનો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે અમે હાલ કંઈ કહી શકતા નથી, અમને આશા છે, પરંતુ આ ખૂબ જ ગંભીર ઘટના છે.

તેલંગાણાના પ્રધાન ઉત્તમ કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે શનિવારે સવારે લગભગ 70 લોકો ટનલમાં કામ કરી રહ્યા હતા. ઘટના પછી, મોટાભાગના લોકોને બહાર નીકળી ગયા, પરંતુ 8 લોકો હજુ પણ ગુમ છે. તેમણે કહ્યું કે ટનલનો છેલ્લો 200 મીટર પાણી અને કાદવથી ભરેલો હતો, જેના કારણે બચાવ ટીમને ત્યાં પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. હેવી મશીનરી અંદર લઈ જવી શક્ય નથી. તેથી, વૈકલ્પિક પદ્ધતિઓ દ્વારા કાટમાળ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Also read: તેલંગાણામાં ટનલની છત તૂટી પડતાં છ શ્રમિકો ફસાયા; તંત્ર દોડતું થયું

ઘટના કેવી રીતે બની:
ટનલમાં કામ કરી રહેલા અને ઘટનામાં બચી ગયેલા વેલ્ડરે કહ્યું “અમારી જેમ, તેમણે પણ આ જોખમી નોકરી પસંદ કરી કારણ કે આમાંથી થતી આવક તેમના પરિવારોનું ગુજરાન ચલાવે છે. અમે ઘણીવાર પાણીના લીકેજની નાની-મોટી ઘટનાઓ વિશે વાત કરતા હોઈએ છીએ. અમારી મજબૂરી છે, કામ તો કરવું જ પડે છે.”

તેમને કહ્યું “નાઈટ શિફ્ટમાં કામ કરતા કામદારોએ અમને ટનલમાં પાણી લીકેજ વિશે જાણ કરી હતી, પરંતુ આવું ઘણી વખત બન્યું છે અને અમે સાવધાની સાથે અંદર ગયા. અમે ટનલમાં 13 કિલોમીટરથી વધુ ચાલ્યા, જેમાં લગભગ એક કલાકનો સમય લાગ્યો. અમે ત્યાં પહોંચ્યાના 15-20 મિનિટ પછી માટીના પાડવા લાગી. હું ફક્ત 20 મીટર દૂર હતો, શિફ્ટ ઇન્ચાર્જે અમને ત્યાંથી દૂર જવા કહ્યું અને એલાર્મ વાગ્યો. અમે દોડ્યા. થોડીવારમાં જ જોરદાર અવાજ આવ્યો અને ટનલનો એક ભાગ તૂટી પડ્યો. જ્યારે અમે બહાર આવ્યા અને રજિસ્ટર તપાસ્યું, ત્યારે અમને જાણવા મળ્યું કે આઠ લોકો બહાર નીકળી શક્યા ન હતા.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button