ડોનાલ્ડ ટ્રમ્પની મોટી કાર્યવાહી, USAID ના 2000 કર્મચારીની કરી છટણી

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) મોટી કાર્યવાહી કરી હતી. તેમણે યૂએસ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ના 2000 કર્મચારીને નોકરીમાંથી કાઢવાની અને અન્ય લોકોને રજા પર મોકલવાનું નોટિફિકેશન જાહેર કર્યું હતું. ટ્રમ્પે આ પગલું ન્યાયાધીશ દ્વારા યુએસએઆઈડી કર્મચારીઓને કામ પરથી હટાવવાની મંજૂરી આપ્યા બાદ ભર્યું હતું. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કાર્લ નિકોલ્સે કર્મચારીઓ દ્વારા સરકારની યોજના પર કામચલાઉ પ્રતિબંધ લગાવવાની અરજી નકારી હતી. જે બાદ આટલા કર્મચારીઓની છટણી કરવામાં આવી છે.
યુએસઆઈડી દ્વારા છટણી કરવામાં આવેલા કર્મચારીઓને મોકલવામાં આવેલા નોટિફિકેશન મુજબ, 23 ફેબ્રુઆરીએ રાત્રે 11.59 કલાકથી પ્રત્યક્ષ નિમણૂક કરવામાં આવેલા તમામ કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવશે. આ સિવાય જે કર્મચારીઓ મિશન આધારિત કાર્યોમાં રોકાયેલા છે તેમને પણ અન્ય બદલી કરવામાં આવી શકે છે.
ટ્રમ્પ તંત્ર દ્વારા પહેલાથી જ યુએસઆઈડીના વોશિંગ્ટન સ્થિત હેડ ક્વાર્ટરને બંધ કરી દેવામાં આવ્યું છે અને વૈશ્વિક સ્તરે અમેરિકન સહાયતા અન વિકાસ કાર્યક્રમો રોકી દેવામાં આવ્યા છે. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બજેટ સુધારક ઇલોન મસ્કે કહ્યું કે, વિદેશી સહાયતા અને વિકાસ કાર્યના બિનજરૂરી ખર્ચ ઉદારવાદી એજન્ડાને પ્રોત્સાહન આપે છે. યુએસઆઈડીના સેંકડો કોન્ટ્રાક્ટર્સને પણ અચાનક નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. જેમાંથી અનેકને નામ રહિત ટર્મિનેશન લેટર મોકલવામાં આવ્યા છે.