હાર્દિક પંડ્યાએ બાબરની વિકેટ લઈને રચ્યો ઇતિહાસ…

દુબઈઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આજે પાકિસ્તાન સામેની ગ્રૂપ `એ’ની મૅચમાં હાર્દિક પંડ્યાએ બાબર આઝમ (23 રન)ને આઉટ કરીને ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. તે આઇસીસી ટૂર્નામેન્ટોમાં ભારત વતી એક જ દેશ સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. પાકિસ્તાન સામે તેની આ 13મી વિકેટ હતી જે ભારતીય બોલર્સમાં નવો વિક્રમ છે.
હાર્દિકે બાબર પછી સાઉદ શકીલ (62 રન)ને પણ આઉટ કર્યો હતો અને એ હાર્દિકની પાકિસ્તાન સામે 14મી વિકેટ હતી.
પાકિસ્તાને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી અને સાવચેતીપૂર્વકની ધીમી શરૂઆત કરી હતી. મોહમ્મદ શમી પ્રથમ ઓવરના પાંચ વાઇડવાળી ચર્ચાસ્પદ ઓવર બાદ ઈજા પામ્યો હતો અને પેસ બોલિંગમાં હાર્દિક તેમ જ હર્ષિત રાણા પર મોટી જવાબદારી આવી પડી હતી.
એ સ્થિતિમાં હાર્દિકે પાકિસ્તાનની નવમી ઓવરમાં 41 રનના કુલ સ્કોર પર બાબર આઝમને વિકેટકીપર કેએલ રાહુલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. હાર્દિકની પાકિસ્તાન સામે એ 13મી વિક્રમજનક વિકેટ હતી.
પાકિસ્તાન સામે આઠ ઓવરમાં 43 રનના ખર્ચે એક પણ વિકેટ ન લઈ શકનાર મોહમ્મદ શમી વન-ડેમાં એક જ દેશ સામે સૌથી વધુ વિકેટ લેનારાઓમાં હાર્દિક પછી બીજા નંબરે છે.
Also read : વિરાટે શેક કરવા માટે આઈસ-પૅકની મદદ કેમ લીધી? ઈજા થઈ છે? આજે રમશે કે નહીં?
કોઈ એક દેશ સામે સૌથી વધુ વિકેટ લેનારા ભારતીયો
(1) હાર્દિક પંડ્યા, પાકિસ્તાન સામે 14 વિકેટ
(2) મોહમ્મદ શમી, ન્યૂ ઝીલૅન્ડ સામે 12 વિકેટ
(3) રવીન્દ્ર જાડેજા, વેસ્ટ ઇન્ડિઝ સામે 11 વિકેટ
(4) જસપ્રીત બુમરાહ, અફઘાનિસ્તાન સામે 10 વિકેટ
(5) જસપ્રીત બુમરાહ, બાંગ્લાદેશ સામે 10 વિકેટ