ભારતને મળ્યો 242 રનનો લક્ષ્યાંકઃ કુલદીપે ત્રણ અને હાર્દિકે બે વિકેટ લીધી…

દુબઈઃ અહીં આજે ચૅમ્પિયન્સ ટ્રોફીના હાઈ-વૉલ્ટેજ મુકાબલાનો ફર્સ્ટ-હાફ સાધારણ રોમાંચક કહી શકાય એવો હતો જેમાં ભારતે પાકિસ્તાનને 241 રન સુધી સીમિત રાખ્યું હતું. મોહમ્મદ રિઝવાનની ટીમે આ 241 રન 49.4 ઓવરમાં બનાવ્યા હતા.
ભારતની મજબૂત બૅટિંગ લાઇન-અપ જોતાં 242 રનનો ટાર્ગેટ બહુ મોટો ન કહેવાય. જો ભારતીય ટીમનું ઓપનિંગ સારું હશે અને બે-ત્રણ સારી ભાગીદારી થશે તો ટીમ ઇન્ડિયા આસાનીથી આ મૅચ જીતી લેશે જેને પગલે યજમાન પાકિસ્તાનની ટીમ આ સ્પર્ધાની બહાર ફેંકાઈ શકે એમ છે.
ચાઇનામૅન તરીકે ઓળખાતો રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવ ભારતીય બોલર્સમાં સૌથી સફળ હતો. શરૂઆતમાં તે ખાસ કંઈ નહોતો ફાવ્યો અને 42મી ઓવર સુધીમાં તેના નામે એકેય વિકેટ નહોતી, પણ ત્યાર બાદ તે ત્રાટક્યો હતો અને ઉપરાઉપરી ત્રણ વિકેટ લીધી હતી. આ ત્રણ વિકેટ તેણે 40 રનમાં લીધી હતી.
Also read : વિરાટે શેક કરવા માટે આઈસ-પૅકની મદદ કેમ લીધી? ઈજા થઈ છે? આજે રમશે કે નહીં?
એમાંથી પહેલી બે વિકેટ તેણે બે બૉલમાં મેળવી હતી. સલમાન આગા (19), શાહીન શાહ આફ્રિદી (0) અને નસીમ શાહ (14) તેના શિકાર થયા હતા.
સાઉદ શકીલના 62 રન પાકિસ્તાનની ટીમમાં હાઈએસ્ટ હતા. તેને હાર્દિક પંડ્યાએ અક્ષર પટેલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
ભારત વતી કુલ છ બોલરે બોલિંગ કરી હતી જેમાં કુલદીપ બાદ હાર્દિક બીજા નંબરનો સૌથી સફળ બોલર હતો. તેણે 31 રનમાં બે વિકેટ લીધી હતી, જ્યારે હર્ષિત રાણાને 30 રનમાં એક, અક્ષરને 49 રનમાં એક અને રવીન્દ્ર જાડેજાને 40 રનમાં એક વિકેટ મળી હતી.