ભિવંડીની કોર્ટમાં પોલીસ કર્મચારીઓ પર હુમલો: કેદી, તેના પરિવારજનો સામે ગુનો…

થાણે: થાણે જિલ્લાની કોર્ટમાં પોલીસ કર્મચારીઓને ગાળો ભાંડવા અને તેમના પર હુમલો કરવા બદલ 45 વર્ષના કેદી અને તેના પરિવારના ત્રણ સભ્ય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
Also read : ભિવંડીમાં સ્કૂલ નજીક અને પિકઅપ વૅનમાં યુવતી પર ગૅન્ગ રેપ: છ સામે ગુનો
પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે આ ઘટના બની હતી. આરોપી સહિત કેટલાક કેદીઓને શુક્રવારે સુનાવણી માટે આધારવાડી જેલમાંથી ભિવંડીની કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.
કોર્ટમાં હાજર કરાયા બાદ કેદીઓને પાછા જેલમાં લઇ જવામાં આવી રહ્યા હતા ત્યારે આરોપીએ વૉશરૂમ જવા માટે પોલીસ પાસે પરવાનગી માગી હતી.
પોલીસે આ માટે પરવાનગી આપી હતી, પણ દરવાજો ખુલ્લો રાખવા અને અંદરથી લૉક ન કરવાનું આરોપીને કહ્યું હતું. આથી આરોપી રોષે ભરાયો હતો અને પોલીસ કર્મચારીઓને ગાળો આપવાનું તેણે શરૂ કર્યું હતું.
શાંતિનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીને પોલીસ વૅનમાં પાછો લઇ જવામાં આવી રહ્યો હતો ત્યારે પણ તેણે ગાળો ભાંડવાનું ચાલુ રાખ્યું હતું અને ત્યાં હાજર તેના પરિવારજનોને પોલીસ પર હુમલો કરવા માટે બોલાવ્યા હતા.
આરોપીની પત્ની, બહેન સહિત ત્રણ જણે પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આરોપીએ પોલીસ વૅનમાં હાજર મહિલા કોન્સ્ટેબલ સામે અશ્ર્લીલ ભાષાનો ઉપયોગ કર્યો હતો અને તેની સાથે ગેરવર્તન કર્યું હતું.
Also read : કોસ્ટલ રોડ પર તિરાડ પર શરૂ થયું રાજકારણ
આ ઘટના બાદ શાંતિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં આરોપી અને તેના પરિવારના ત્રણ સભ્ય વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. આરોપીને પાછો જેલમાં લઇ જવામાં આવ્યો હતો, એમ અધિકારીએ કહ્યું હતું. (પીટીઆઇ)