સાયલામાં રખડતાં શ્ર્વાનોએ દોઢ મહિનામાં ૧૦૦ વ્યક્તિઓને બચકા ભર્યાં
અમદાવાદ: સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં રખડતાં શ્ર્વાનો દોઢ મહિનામાં ૧૦૦ વ્યક્તિઓને કરડ્યા હતાં. હિંસક બનેલા શ્ર્વાનો અવારનવાર બાજુમાંથી પસાર થતા લોકોને કરડતા નાગરિકોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલામાં શ્રાવણ મહિનાથી આસોના પ્રારંભ સુધી દોઢ મહિનાના સમયગાળામાં શેરી, મહોલ્લા કે રસ્તાઓ પર રખડતાં શ્ર્વાનો કરડવાના બનાવોમાં મોટા પાયે વધારો થયો છે. આ સમય દરમ્યાન હિંસક બનેલા શ્ર્વાનોએ ૧૦૦ જેટલા લોકોને બચકાં ભરી લેતા તેઓ સારવાર લેવા મજબૂર બન્યા છે. તાલુકાના બે સીએચસી તથા ચાર પીએચસીમાં દોઢ માસમાં આશરે ૧૦૦ વ્યક્તિઓને શ્ર્વાનો કરડવાના બનાવોમાં સારવાર માટેની રસી આપવામાં આવી છે. તાલુકાના સરકારી દવાખાનાઓમાં શ્ર્વાનો કરડવાના સંજોગોમાં સુદામડા સીએચસી પર સપ્ટેમ્બરમાં ૨૫ તથા ઓક્ટોબર મહિનામાં ૧૨ લોકોને, સાયલા સીએચસી પર સપ્ટેમ્બર મહિનામાં ૨૦ તેમજ ઓક્ટોબર મહિનામાં ૨૪ એમ બે કેન્દ્રો પર જ ૮૦થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. ગ્રામ્યના કુલ છ પી.એચ.સી પૈકીના શાપર, નોલી, ધાંધલપુર, ડોળીયા કેન્દ્રો પર પણ દોઢ મહિનાના સમયમાં ૧૫ લોકોને સારવાર આપવામાં આવી હતી.