પહેલી જ ઓવરમાં શમીના પાંચ વાઇડ અને ત્રણ ઓવર પછી ઘાયલ થઈને આઉટ…

દુબઈઃ કહેવાય છેને કે `ઘોડો દશેરાએ જ ન દોડે’. તાજેતરમાં જ લગભગ 14 મહિને ટીમ ઇન્ડિયામાં કમબૅક કરનાર પેસ બોલર મોહમ્મદ શમીના કિસ્સામાં આવું જ બન્યું.
પૂરો ફિટ ન હોવાની શંકા સાથે તેને આજે અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની અત્યંત મહત્ત્વની મૅચની પ્લેઇંગ-ઇલેવનમાં સ્થાન મળ્યું અને એમાં શરૂઆતમાં જ તેણે કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓને નિરાશ કરી દીધા. મૅચની પહેલી જ ઓવરમાં તેનાથી એક, બે કે ત્રણ નહીં, પણ પાંચ-પાંચ વાઇડ પડ્યા હતા, આખી ઓવર 11 બૉલની થઈ હતી. એટલું પૂરતું ન હોય એમ શમી થોડી જ વાર પછી ઈજા પામ્યો હતો અને પોતાની ત્રીજી ઓવર પછી તો તેણે પગની ઈજાને લીધે મેદાન પરથી ચાલતી પકડી હતી.
તે લગભગ 20 મિનિટ મેદાનની બહાર હતો અને 11મી ઓવર પછી ફરી બોલિંગ શરૂ કરી હતી.
ભારતે પહેલી ઓવરથી જ પાકિસ્તાનના ઓપનર્સ પર માનસિક દબાણ લાવવાની જરૂર હતી ત્યાં શમીને કારણે ભારતીય ટીમનો જ ફુગ્ગો ફૂટી ગયો હતો.
જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં શમી પર મોટી જવાબદારી અને બોજ છે અને સામે પાકિસ્તાન જેવી કટ્ટર હરીફ ટીમ હોય એટલે કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓની અપેક્ષાનો ભાર પણ આવા અવ્વલ દરજ્જાના બોલર પર હોય એ સ્વાભાવિક છે, પરંતુ શમીએ શરૂઆતમાં જ ભારતને નિરાશ કર્યા. શમીના આ બેફામ વાઇડના સિલસિલાને લીધે ઇમામ-ઉલ-હક કે બાબર આઝમને કોઈ જ પરેશાની નહોતી થઈ.
એક સારું બન્યું કે શમીએ પછીની બે ઓવરમાં એક પણ વાઇડ નહોતો ફેંક્યો, પણ એક તરફ જ્યારે નવમી ઓવરમાં હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનને પ્રથમ ઝટકો આપ્યો ત્યાં શમી ઈજાને લીધે મેદાનની બહાર થઈ ગયો હતો.
એ પહેલાં, શમીએ પોતાની એક ઓવર દરમ્યાન મેદાન પર ફિઝિયોથેરપિસ્ટની મદદ લેવી પડી હતી, પણ ત્રણ ઓવર બાદ પૅવિલિયનમાં પાછો જ જતો રહ્યો હતો.
Also read : ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડે લગાવી રેકોર્ડ્સની વણઝાર, બેન ડકેટે રમી ઐતિહાસિક ઇનિંગ
શમીની પ્રથમ ઓવરના 11 બૉલ પર એક નજર…
પ્રથમ બૉલઃ ડૉટ બૉલ
બીજો બૉલઃ વાઇડ
બીજો બૉલઃ ડૉટ બૉલ
ત્રીજો બૉલઃ વાઇડ
ત્રીજો બૉલઃ વાઇડ
ત્રીજો બૉલઃ ડૉટ બૉલ
ચોથો બૉલઃ એક રન
પાંચમો બૉલઃ ડૉટ બૉલ
છઠ્ઠો બૉલઃ વાઇડ
છઠ્ઠો બૉલઃ વાઇડ
છઠ્ઠો બૉલઃ ડૉટ બૉલ
નોંધઃ શમીની આ ઓવરમાં પાંચ વાઇડ સહિત કુલ છ રન બન્યા હતા અને ઓવરને અંતે પાકિસ્તાનનો સ્કોર 6/0 હતો.