આપણું ગુજરાત

ગુજરાત ભાજપમાં નવાજૂની: સચિવાલયમાં અગ્રણીઓ-કાર્યકરોમાં ઉત્સુક્તાનો માહોલ

અમદાવાદ: ગુજરાત ભાજપના ટોચના નેતાઓની તાજેતરમાં ઉપરાછાપરી બેઠકોના કારણે સંગઠનમાં ફેરફારો, આગામી સમયમાં પ્રધાન મંડળમાં બદલાવ અને બોર્ડ-નિગમોમાં નિમણૂકનો મુદ્દો બુધવારે સચિવાલયમાં આવેલા ભાજપના નેતાઓ-કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સામાન્ય કરતા વધુ સંખ્યામાં ભાજપના ધારાસભ્યો-હોદ્દેદારો અને કાર્યકરો જોવા મળ્યા હતા. તેમણે આગામી સમયમાં સંગઠન અને સરકારમાં કોને સ્થાન મળી શકે અને કોનું પત્તુ કપાઇ શકે તેની જાણકારી મેળવવા પ્રયાસ કર્યા હતા.

ભાજપમાં જે રીતે પહેલાં નવી દિલ્હી ખાતે અને તે પછી ગાંધીનગર ખાતે બેઠકોનો દોર ઉચ્ચ નેતાગીરી વચ્ચે યોજાયો છે તેના કારણે નવાજૂની થવાના એંધાણ સ્પષ્ટ છે. જેને લઇને ભાજપના ધારાસભ્યો સહિતના કાર્યકરોમાં ભારે ઉત્સુકતાનો માહોલ હતો. આ ચર્ચાઓમાં કેટલાકે નવી ચૂંટાયેલી સરકાર અને સંગઠન વચ્ચે સંકલનનો અભાવ હોવાનું સ્વીકાર્યું હતું. તે સાથે લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ કક્ષાના સંગઠનને મજબૂત કરવા મહામંત્રી સ્તરે નવી નિમણૂકોની જરૂર હોવાથી કોનો સમાવેશ થઇ શકે તે સહિત અનેક બાબતે ચર્ચા ચાલી હતી. હાલના જે પ્રદેશ હોદ્દેદાર છે તેમાં નિર્વિવાદ છબીવાળા સિનિયરને વધુ આગળ કરવામાં આવશે. ભાજપની બેઠકોમાં ચાર-પાંચ પ્રધાનોને બાદ કરતા અન્ય પ્રધાનોની કામગીરી નબળી હોવાની પણ ચર્ચા થઇ હોવાનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. જે પ્રધાનોની કામગીરી સારી છે તેમની નામજોગ નોંધ બેઠકોમાં લેવાઇ છે. તો કયા પ્રધાનને કયા કારણસર પડતા મૂકાઇ શકે છે તેની પણ કારણો સાથે ચર્ચા સ્વર્ણિમ સંકુલમાં થઇ હતી. કોને પડતા મૂકાય તો કોનો સમાવેશ થાય ત્યાં સુધીની ગણતરીઓ મૂકાઇ હતી. ભાજપનું સંગઠન વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૬ બેઠક મેળવી અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ કરી ચૂક્યું છે ત્યારે નવ-દસ મહિનાના સમયગાળામાં જ એવું શું થયું કે સંગઠનની છબી વિશે ચિંતા કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઇ અને સરકાર સાથે સંકલન નથી તે બાબત બહાર આવી તે બાબત પણ ભાજપના વર્તુળોમાં રસપ્રદ રહી હતી. જેમાં સરકાર તરફથી કોઇ સક્ષમ પ્રધાન નથી જે સંગઠન સાથે ઘરોબો સાધી શકે અને પ્રભાવી રીતે સરકારની વાત રજૂ કરી શકે કે સંગઠનની બાબતોને સરકારમાં રજૂ કરી શકે તેની નોંધ લેવાઇ હતી. ભાજપના ધારાસભ્યો સાથે આવેલા કેટલાક સિનિયર કાર્યકરોએ સરકાર-સંગઠન અને મોવડી મંડળની એ બાબતે પણ ટીકા કરી હતી કે દરેક ચૂંટણી પહેલાં ભાજપમાંથી બોર્ડ-નિગમમાં નિમણૂકોની બાબત વહેતી મૂકાય છે પરંતુ વ્હાલાં-દવલાં સિવાય કોઇની નિમણૂક થતી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…