છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબના વંશજો ક્યાં છે ને શું કરે છે?

હિન્દી ફિલ્મ છાવાને લીધે મરાઠા લડવૈયા છત્રપતિ શિવાજી મહારાજ તેમના પુત્ર સંભાજી મહારાજ અને મુગલ બાદશાહ ઔરંગઝેબ અને તેની સાથે જોડાયેલા ઈતિહાસના પાના પણ ખૂલ્યા છે. ફિલ્મમાં ઔરંગઝેબે સંભાજી મહારાજ પર કરેલા અત્યાચારના દૃશ્યોએ ઘણાને હચમાચાવી મૂક્યા છે. જોકે ઈતિહાસકારો ફિલ્મ મામલે અલગ અલગ મત આપે છે, પણ લોકોને તે જાણવું ચોક્કસ ગમશે કે આ બન્નેના વંશજો હાલમાં ક્યાં છે અને શું કરે છે.


છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે આ રાજકારણી
સાતારાના સાંસદ રહી ચૂકેલા ઉદયનરાજે ભોસલે છત્રપતિ શિવાજી મહારાજની 13મી પેઢીમાંથી આવે છે. તેમનો જન્મ 24 ફેબ્રુઆરી 1966ના રોજ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. હાલમાં તેઓ રાજકારણી છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. અગાઉ એનસીપીના નેતા શરદ પવારના ખૂબ જ નજીકના મનાતા ઉદયનરાજેએ મોદી સરકારમાં આવ્યા બાદ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે. જોકે તેઓ વિવાદોમાં પણ રહે છે અને તેમની લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતા છે.

Also read: મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની જોરદાર ઉજવણી
ઔરંગઝેબના વંશજમાં એક રહે છે ઝૂંપડીમાં
મુગલ બાદશાહ ઔરંગઝેબના વંશજની વાત કરીએ તો એક હૈદરાબાદમાં ઠાઠમાઠવાળું જીવન જીવે છે અને અન્ય એક કોલકત્તાની ઝૂંપડીમાં ગરીબીમાં જીવન વ્યતિત કરે છે. બન્ને પોતાને બહાદુર શાહ ઝફરના વંશજ કહે છે. હૈદરાબાદના પ્રિન્સ યાકુબ હબીબુદ્દીન તુસી પોતાની જાતને બહાદુર શાહ ઝફરની છઠ્ઠી પેઢી ગણાવે છે. તેમણે તો તાજમહેલ પર પણ પોતાનો હક જતાવ્યો હતો. તે હજુ બાદશાહી જીવન જીવે છે અને તાજમહેલને પોતાની સંપત્તિ માને છે. તો બીજી બાજુ કોલકાત્તાની ઝૂંપડપટ્ટીમાં રહેતી સુલતાના બેગમ પણ પોતાની જાતને મુગલોની વંશજ જમાવે છે. તેમનાં મતે તેઓ મુગલ સામ્રાજ્યના અંતિમ બાદશાહ બહાદુર શાહ ઝફરના ખાનદાનના છે. તેમણે થોડા સમય પહેલા લાલ કિલ્લાને પોતાની સંપત્તિ ગણાવી હતી અને તેને પાછો આપી દેવાની માગણી પણ કરી હતી.