ભુજ

કેરા-મુંદરા ધોરીમાર્ગ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ટ્રેઈલર ચાલક આરોપીની અટક

ભુજ: ગત શુક્રવારે બપોરે કેરા-મુંદરા ધોરીમાર્ગ પર ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા જીવલેણ માર્ગ અકસ્માતમાં ખાનગી મિની લકઝરી બસમાં પ્રવાસ કરી રહેલા છ ઉતારુઓનો ભોગ લેનારા અને ૨૪થી વધુને ઘાયલ કરવામાં નિમિત્ત બનેલા ટ્રેઈલરના ચાલક એવા સદામહુસૈન અબ્દુલ સહેમત (રહે.મૂળ બિહાર, હાલે મીઠીરોહર-ગાંધીધામ)ની ધરપકડ કરવામાં આવી છે.
ગોઝારા અકસ્માતના તપાસકર્તા માનકૂવાના પી.આઈ એસ. એમ. રાણાએ જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે મુંદરાથી ભુજ તરફ આવી રહેલી સીતારામ ટ્રાવેલ્સની મીની લકઝરી બસને, સામેથી આવતા ટ્રેઇલરે ઓવરટેક કરવાની લ્હાયમાં ટક્કર મારી દેતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળેથી અકસ્માતગ્રસ્ત વાહનોને કબજે લેવાયા છે અને વાહનોને ફિટનેસ ચેકિંગ માટે મોકલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો…જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં મહાશિવરાત્રીના મેળા માટે અમદાવાદથી વધારાની 300 બસોથી 4000 ટ્રિપ દોડાવશે

બસના કંડકટર હાસમ ફકીરમામદ હીંગોરાએ માનકૂવા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદને ટાંકી, રાણાએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રેઈલર નં.જી.જે.૧૨ બીઝેડ ૯૧૩૭ના ચાલક સદ્દામહુસૈને સામેની લેનમાં ઉતારુઓથી ભરેલી બસ આવતી હોવા છતાં તેની આગળ જતાં ટ્રેઈલરને બેદરકારીપૂર્વક ઓવરટેક કરવાની કોશિશ કરતાં આ ટક્કર થઇ હતી જેમાં મીની લકઝરી બસ નં. જી. જે. ૧૨ એક્સ ૯૮૭૯માંના છ પ્રવાસીઓના મોત તથા ફરિયાદી અને બસના ચાલક તેમજ અન્ય ૨૪ વધુ પ્રવાસીઓને ઈજાઓ પહોંચી હતી.

હાલ માનકૂવા પોલીસે આરોપી ટ્રેઇલર ચાલક સદામહુસૈન અબ્દુલ સહેમત વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button