ઉત્સવ

બોરડી નીચે સૂતેલો આળસુ બોર માગે

ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી

‘આળસુ માણસનો જોક ખબર છે?’
‘ના, નથી ખબર. કહો તો ખરા.’
‘જવા દ્યો, કોણ કહે.’

આળસુ માણસની કદાચ આ એક ઉત્તમ વ્યાખ્યા છે. આળસુ એટલે મંદ, સુસ્ત. જેને કામ કરવાનું મન ન થાય તે આળસુ અને વધારેપડતી આળસ હોય તે એદી ગણાય. એદી કામ કરે જ નહિ. આળસુ કામ કરવામાં ઢીલ કરે, મોડું કરે અને કાં તો કામ અધૂરું મૂકે. આળસુ અને એદી વચ્ચેનો ફરક સમજાવતી કથા જાણવા જેવી છે. એક આળસુ બોરના ઝાડ – બોરડી નીચે આડો પડ્યો હતો. હાથ લાંબો કરે તો લઈ શકાય એટલા અંતરે પાકા બોર પડ્યા હતા. ખાવાની બહુ ઇચ્છા હતી, પણ હાથ લાંબો કરી બોર ઉપાડવાની આળસ થઈ ભાઈ સાહેબને. એ રસ્તેથી પસાર થતું કોઈ નીકળે તો એની પાસે બોર માગી લેવાનો વિચાર તેણે કર્યો અને મનોમન મલકાઈ ગયો. જાણે કોઈ અઘરી સમસ્યાનો ઉકેલ ન મળી ગયો હોય! થોડી જ વારમાં એક ઊંટ પર બેસી પસાર થતો માણસ નજરે ચડ્યો. તરત આળસુ ભાઈ બોલ્યા કે ‘અરે ઊંટવાળા ભાઈ. જરા હેઠા ઊતરી આ પાસે બોર પડ્યા છે એ મારા મોમાં નાખતા જાઓ તો મોટી મહેરબાની થશે.’ ઊંટવાળા ભાઈને અચરજ થયું. એ બોલ્યો કે ‘ગરજવાનને અક્કલ ન હોય. મારા દોડતા ઊંટને હું ઊભો રાખું, એને નીચે બેસાડું, પછી એના પરથી હું નીચે ઊતરું, તારી પાસે આવું, તારા મોંમાં બોર નાખું અને પછી ઊંટ ઉપર બેસી આગળ વધુ તો મારો કેટલો બધો સમય જાય. એના કરતાં હાથ જરા લાંબો કરી બોર લઈને ખાઈ લે. કોઈના ઓશિયાળા થવાની શું જરૂર છે?’ હવે આળસુનો જવાબ સાંભળો. ઊંટવાળા ભાઈને આળસુએ કહ્યું કે ‘તમે ગજબના આળસુ લાગો છો. એક નંબરના એદી છો. તમને ઊંટ પરથી ઊતરવાની આળસ થાય છે એટલે મીઠી મીઠી વાતો કરી મને ફોસલાવો છો. નીકળો ભાઈ નીકળો અહીંથી. તમારા જેવા આળસુનું અહીં કોઈ કામ નથી.’ આ વાત સાંભળી ઊંટવાળા ભાઈ માર્મિક હસ્યા અને ત્યાંથી નીકળી ગયા. આળસુ આળસુની જગ્યાએ અને બોર બોરની જગ્યાએ રહ્યા.

IDIOM STORY

ભાષાના સંદર્ભમાં પ્રસંગોપાત કોઈ ઘટના કે બનાવ કે અન્ય કોઈ કારણસર બદલાવ આવતા હોય છે. કેટલાક ફેરફાર કાયમ માટે અડિંગો લગાવીને રૂઢ થઈ જાય છે તો કેટલાક કાળક્રમે લુપ્ત થઈ વિસરાઈ પણ જાય છે. 1920ના દાયકામાં યુએસએમાં પ્રાણી અને શરીરના અંગ સાથે જોડાણ સાધવાની કોશિશ કરવામાં આવી હતી. આ પ્રયાસને પગલે Bees knees, Have ants in one’s pants વગેરે પ્રયોગ અસ્તિત્વમાં આવ્યા. આ રૂઢિપ્રયોગના જન્મ પાછળ નાનકડી પણ મજેદાર કથા રહેલી છે. Bee’s knees means Particularly good or impressive, Excellence or perfection. બીઝ નીઝ (મધમાખીના ઘૂંટણ)નો ભાવાર્થ અત્યંત ઉમદા કે પ્રભાવી અથવા શ્રેષ્ઠતમ કે અણીશુદ્ધ એવો થાય છે. Your competition entry was by far the best – the bee’s knees. સ્પર્ધામાં તમારી કૃતિ શ્રેષ્ઠતમ હતી. એક ભાષા સંશોધકે એવું અનુમાન તારવ્યું છે કે મધમાખી પોતાના પગમાં ફૂલની પરાગરજ લઈ જતી હોય છે અને આ પરાગકણ ગુણવત્તામાં સમૃદ્ધ હોવાથી આ રૂઢિપ્રયોગ અસ્તિત્વમાં આવ્યો હોવો જોઈએ.
Another example of animal – body part idiom is Have ants in one’s pants. આ રૂઢિપ્રયોગનો જન્મ વીસમી સદીના મધ્ય ભાગમાં થયો હોવાની માન્યતા છે. The imagery of ants crawling inside one’s pants was used figuratively to depict a state of restlessness, or impatience. પાટલૂનની અંદર કીડીઓ ચડવી કલ્પના અસ્વસ્થતા કે અધીરાઈનું પ્રતિબિંબ છે. કોઈ કાર્યક્રમ શરૂ થવા પહેલા કે પછી કોઈ પરિણામની રાહ જોતી વખતે મનમાં બેચેની કે અધીરાઈ મેહસૂસ થાય એ દર્શાવવા આ રૂઢિપ્રયોગનો ઉપયોગ થતો આવ્યો છે. કોઈ સ્ટેજ શો પૂર્વે અથવા નોકરીના ઈન્ટરવ્યૂ પહેલા કે પછી લાંબા પ્રવાસે નીકળતી વખતે જે લાગણી અનુભવાય એ અહીં વ્યક્ત થાય છે. કોઈ વ્યક્તિ હાયપર એક્ટિવ (ચંચળ અવસ્થા) હોય અને કોઈ એક જગ્યાએ ઝાઝો સમય બેસી ન શકે કે ઊભા ન રહેવાય એ દર્શાવવા પણ આ રૂઢિપ્રયોગ વપરાય છે. Children have ants in their pants before birthday parties. વર્ષગાંઠની પાર્ટી પહેલા બાળકો અધીરા બની જતા હોય છે. ગુજરાતીમાં પણ આવો એક પ્રયોગ છે કીડીઓ ચડવી. જોકે, એનો અર્થ સાવ વિપરીત અશક્તિ લાગવી, કામ કરવાનો કંટાળો આવવો એવો થાય છે.

कहावत की कथा

કેટલીક કહેવતનો જન્મ ઘટના – પ્રસંગ કે અવસ્થા પરથી થયો હોય છે. ગુજરાતી ભાષાની જાણીતી કહેવત છે: કીડી સંચરે ને તેતર ખાય. આવો જ ભાવાર્થ ધરાવતી અન્ય કહેવત છે ઉંદર ખોદે ને ભોરિંગ ભોગવે. કોઈના કર્મ અને કોઈને લાભ એ એનો ભાવાર્થ છે. આને સમાનાર્થી હિન્દી કહેવત છે घी बनावे खिचड़ी, नाम बहू का होय. મતલબ કે ખીચડીની ગુણવત્તા ઘીને કારણે છે, પણ એનો યશ વહુરાણીને મળે છે. એક ગામના નાનકડા પરિવારની કથા છે. એક ઘરમાં રામધન એની પત્ની તેમજ પુત્ર – પુત્રવધૂ રહેતા હતા. રામધનની પત્ની સ્વભાવે કંજૂસ હતી. ઘરે જમવા આવતા મહેમાનોને પકવાન જમાડવાની વાત તો દૂર રહી, સારી રસોઈ પણ ન કરતી. દાળ ‘દે દામોદર દાળમાં પાણી’ જેવી હોય, શાક બીજીવાર પીરસાય નહીં અને રોટલી પર ઘી ચોપડ્યું ન હોય, માત્ર અડાડ્યું હોય. પુત્રવધૂ પરણીને આવ્યા પછી સારી રસોઈ કરવા લાગી. મહેમાનો વહુના વખાણ કરવા લાગ્યા એ સાસુને પેટમાં દુખ્યું. વહુને વઢામણ ખાવી પડી અને ‘બહુ સારી રસોઈ નહીં બનાવવાની’ એવું ફરમાન આવ્યું. વહુરાણી બુદ્ધિશાળી હતી એટલે ખીચડી કે દાળ – શાક બનાવી એમાં ઉપરથી ઘી ઉમેરતી. મહેમાનોને ખીચડીમાં પણ લિજ્જત આવી જતી. બધા વહુરાણીની રસોઈની પ્રશંસા કરતા. આ બધું સાંભળી સાસુ સમસમી બેસી રહેતી. ખીચડીના વિશિષ્ટ સ્વાદનું રહસ્ય જાણવાની તેમને ચટપટી થઈ. વહુ ખીચડી બનાવે ત્યારે સંતાઈને જોયું તો ખબર પડી કે આ બધી ઘીની કમાલ છે. એક દિવસમાં ગામની સાસુઓ જમણવારમાં ભેગી થઈ ત્યારે વાતવાતમાં બધા રામધનની પુત્રવધૂની ખીચડીના ગુણગાન ગાવા લાગ્યા. अब सास से रुका न गया. उसने तुरंत कह दिया ‘घी बनावे खिचड़ी, नाम बहू का होय. સાસુમાથી રહેવાયું નહીં અને બોલ્યા કે ‘ખીચડીમાં કમાલ ઘીની છે અને જશ વહુરાણીને મળે છે.’

આ પણ વાંચો…ડ્રીમ સિનેમાસ્કોપ પ્રકરણ – 27

म्हणीची कथा

એકનું એક વાજું વગાડતા રહેવાની આદત ઘણા લોકોને હોય છે. પ્રશસ્તિ કરવી હોય કે રોદણાં રડવા હોય, વાતનું પુનરાવર્તન કરતા આ લોકો થાકતા નથી. સામા માણસને એની એ વાત ફરી ફરી સાંભળવાથી કેટલો કંટાળો આવશે એની એમને પરવા નથી હોતી. जी लोकं पुन्हा पुन्हा तीच तीच गोष्ट ऐकवत असतात, काहीही बोला ते फिरून तेथेच येतात म्हणून म्हणतात ‘हरिदासाची कथा मूळ पदावर.’ હરિદાસ એટલે હરિ કીર્તન કરનારો કીર્તનકાર. કીર્તનની એક પદ્ધતિ હોય છે. કીર્તનકાર જે આધ્યાત્મિક વાતો સંભળાવે એને અનુરૂપ સંતની કાવ્ય – ગીત રચના રજૂ કરે જે ગેય હોય – ગાઈ શકાય એવી હોય. આ રચના પદ તરીકે ઓળખાય છે. પસંદ કરવામાં આવેલું પદ મૂળ પદ કહેવાય છે અને એ ગાઈને કીર્તનકાર મૂળ પદનો ભાવાર્થ સમજાવતા હોય છે. કીર્તન દરમિયાન વારંવાર મૂળ પદનો સંદર્ભ આપી કથા સમજાવતા હોય છે. ટૂંકમાં કીર્તન દરમિયાન મૂળ પદનો વારંવાર ઉલ્લેખ થતો રહે. હરિ કીર્તનને હરિ કથા પણ કહેવામાં આવે છે.એટલે આ પ્રમાણે કીર્તનમાં હરિદાસની કથા મૂળ પદ પર ફરી ફરી આવતી રહે છે. कथा कीर्तनात हरिदासाची कथा मूळपदावर येत असते.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button