મેરુતો ડગે પણ જેનાં મનડાં ડગે નઈ…
અકસ્માતમાં બન્ને પગ ગુમાવ્યા પછી પણ સંજોગો સામે ઝઝૂમીને પહેલાંની જેમ જ રાબેતા મુજબ જીવન જીવી રહેલી એક સામન્ય ગૃહિણીનાં દૃઢ મનોબળની પ્રેરક-કથા

સુખનો પાસવર્ડ -આશુ પટેલ
ગીતા વડાલિયા થોડા દિવસો અગાઉ હું વકીલમિત્ર સંતોષ દુબે સાથે સૌરાષ્ટ્રના પ્રવાસે ગયો હતો એ દરમિયાન અમે ધોરાજીમાં રેલવે સ્ટેશનની નજીક એક સોસાયટીમાં હું મારા બાળપણના મિત્ર કિરીટ ગરાલાનાં બહેન ગીતા વડાલિયાને
મળવા ગયો. મેં ડોરબેલ વગાડી એટલે ગીતાબહેન વોકરના સહારે દરવાજા પાસે આવ્યાં અને દરવાજો ખોલતા વેંત મને જોયો એટલે ઉમળકાભેર મને આવકારતા કહ્યું,
‘અર, ! મારો ભાઈ મને મળવા આવ્યો!’ અમારે અમદાવાદ પહોંચવાની ઉતાવળ હતી, પરંતુ એ કહે : ‘ના, એમ ને એમ નહીં જ જવા દઉં તને..’ એ વોકરના સહારે કિચનમાં ગયાં. હું પણ સાથે ગયો. મેં કહ્યું, ‘હું તમને મદદ કરું .’ એ કહે : ‘અરે, હું બધું જ કામ કરી શકું છું હવે. હું રસોઈ બનાવી નાખું છું. તમે લોકો જમીને જ જજો.’ મેં કહ્યું કે ‘અમારે ઉતાવળ છે. અમદાવાદ પહોંચવાનું છે. તો એ કહે : ‘હું જ્યૂસ બનાવું છું.’ એમણે તરત જ સંતરાં કાપ્યાં અને ઊભાં-ઊભાં જ્યૂસ બનાવીને અમારી સાથે આવીને દીવાનખંડમાં બેઠાં. ગીતાબહેન હસમુખા સ્વભાવના છે. હું બાળપણથી – સમજણો થયો ત્યારથી જ્યારે જ્યારે એમને મળ્યો છું ત્યારે ત્યારે એમનાં ચહેરા પર હાસ્ય જ જોયું છે. એમણે ઉમળકાભેર મારી સાથે વાતો કરી અને કહ્યું : ‘હવે સમય લઈને થોડા દિવસ માટે રોકાવા આવ. હું બધું જ કામ કરવા માંડી છું. શરૂઆતમાં થોડીક તકલીફ પડી, પણ હવે વોકર
લઈને નીચે સોસાયટીમાં ચાલવા પણ જાઉં છું. મંદિરે પણ જાઉં છું.’
અમે એમને ત્યાંથી બહાર નીકળ્યા પછી વકીલ મિત્ર દુબેજીએ મને પૂછ્યું: ‘બેનને પગમાં શું થયું છે?’ મેં કહ્યું, ‘એમને અકસ્માત નડ્યો હતો એમાં બંને પગ ગુમાવવાં પડ્યાં.’ એ સાંભળીને દુબેજી સ્તબ્ધ થઈ ગયા. થોડીવાર અવાક બનીને મારી સામે જોઈ રહ્યા પછી કહે: ‘એમનો ઉમળકો અને ઊર્જા જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે કે એ બંને પગ ગુમાવી ચૂક્યાં છે!’
મેં એમને માંડીને વાત કરી :
ગીતાબહેન ઘરથી નજીકમાં મંદિરે જઈ રહ્યાં હતાં એ વખતે બેફામ રીતે ચલાવતા એક ટેન્કરચાલકે એમને ટક્કર મારી
દીધી અને ટેન્કરના વ્હીલ્સ એમનાં બંને પગ પર ફરી વળ્યાં. અકસ્માત કરીને ટેન્કરચાલક નાસી છૂટ્યો. ગીતાબહેનને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયાં. ડોકટરે તાત્કાલિક રાજકોટની મોટી હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી. રાજકોટની હોસ્પિટલમાં ડોકટરોએ ખૂબ કોશિશ કરી, પરંતુ ટેન્કરે એમને ઘસડ્યાં હતાં એટલે એ જ્યાં પડ્યાં હતાં ત્યાં ગંદું પાણી હતું, જે એમના કચડાયેલા પગને લાગ્યું હતું એમાં ઈન્ફેકશન થઈ ગયું હતું તેથી એમનો એક પગ ઘૂંટણ નીચેથી ને પછી બીજો પગ પણ કમર નીચેથી કાપવો પડ્યો! ડોકટરોએ કહ્યું, ‘અમારે પેશન્ટનો જીવ બચાવવા માટે નાછૂટકે આ કડવો નિર્ણય લેવો પડે એમ છે.’
ઘણા અઠવાડિયાની સારવાર પછી ગીતાબહેન ઘરે પાછાં આવ્યાં. એ પછી એમને કૃત્રિમ પગ લગાડવામાં આવ્યાં. ગીતાબહેન વોકરના સહારે ચાલવાની કોશિશ શરૂ કરી દીધી અને અત્યારે પતિ સાથે ધોરાજીમાં એકલાં રહે છે. એક દીકરી એકતા રાજકોટમાં સાસરે છે અને બીજી દીકરી વિદ્યા અમદાવાદમાં સાસરે છે. બંને દીકરી થોડા સમય માટે એમની મમ્મીની સાથે રહેવા ધોરાજી આવી હતી. પછી ગીતાબહેને સામેથી કહ્યું, ‘તમારે તમારા કુટુંબની જવાબદારી પણ સંભાળવાની છે એટલે તમે બંને તમારા ઘરે જાવ.’
ગીતાબહેનને હોસ્પિટલમાંથી રજા અપાઈ એ પછી હું એમને મળવા માટે ગયો હતો. એમના અકસ્માતના સમાચાર જાણવા મળ્યા ત્યારે હું વિચલિત થઈ ગયો હતો, પરંતુ હું એમને મળવા એકતાના ઘરે ગયો ત્યારે એ વખતે એ વ્હીલચેર પર બેઠાં હતાં, પણ હંમેશાં જેવા જ ઉમળકાથી મળ્યા. એમના ચહેરા પર એ જ ચિરપરિચિત સ્મિત ફરકી રહ્યું હતું. એમને કઈ રીતે સાંત્વન આપવું એ મને સમજાતું નહોતું. એ વખતે એમણે હસતાં-હસતાં કહ્યું હતું: ‘મારા ભાઈ, માંડયું હોય એ થાય જ. આ થવાનું હતું તો થયું.’ એમને આઘાત લાગ્યો હતો, પણ બહુ ઝડપથી એમણે વાસ્તવિકતા સ્વીકારી લીધી. ગીતા વડાલિયાની આ વાત વાચકમિત્રો સાથે ખાસ એટલા માટે શેર કરી રહ્યો છું કે કોઈ વ્યક્તિ પર આભ તૂટી પડે એવી આફત આવે એ પછી પણ તે વ્યક્તિ મક્કમ મનોબળ સાથે સ્થિતિ સ્વીકારી લે તો અત્યંત કપરા સંજોગોમાં પણ એ હસતાં-હસતાં જરૂર
જીવી શકે.
ગીતાબહેન અત્યારે અગાઉની જેમ જ ઘર સંભાળે છે. બંને પગ ગુમાવી દીધા પછી કોઈ પણ વ્યક્તિ માનસિક રીતે ભાંગીને ડિપ્રેશનમાં સરી પડે, પણ ગીતાબહેને હસતાં ચહેરે સ્થિતિ સ્વીકારી લીધી અને એ આજે એક સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવતાં થઈ ગયાં છે. દોસ્તો, ગીતાબહેન વડાલિયા કોઈ સેલિબ્રિટી નથી, કોઈ પબ્લિક ફિગર નથી, પણ આવી વ્યક્તિને રોલ મોડેલ સમી ગણવી જોઈએ કે જે જીવનમાં ઝંઝાવાત આવી જાય એ વખતે પણ સહજતાથી સંજોગો સામે ઝઝૂમે અને પહેલાંની જેમ જીવન જીવવાનું શરૂ કરી શકે. ગંગાસતીનું એક ભજન છે:
‘મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નઈ પાનબાઈ, ભલેને ભાંગી પડે બ્રહ્માંડ જી. વિપત્તિ પડે તોયે વણસે નહીં, સોઈ હરિજનનાં પરમાણ જી…’ આપણે જેમને સામાન્ય વ્યક્તિ ગણતા હોઈએ એ પણ ક્યારેક કેટલી સહજતાથી અત્યંત ઊંડી વાત કહી જતી
હોય છે અને શબ્દો બોલવા કરતાં જીવનમાં વિપત્તિ આવી પડે ત્યારે સહજ રીતે જીવી શકવાનું કામ બહુ કપરું હોય છે. બીજી બાજુ, ઘણા માણસો સામાન્ય તકલીફ પડે તો પણ ભાંગી પડતા હોય છે એમણે ગીતાબહેન જેવી વ્યક્તિઓના જીવન પરથી પ્રેરણા લેવી જોઈએ.