ગઝલ ને જીવન એકાકાર કરતો શાયર ‘નૂરી’
રૂઠી જવું મનાવવું, ક્યાં છે હવે નસીબમાં તારો હવે સમય નથી, મારા હવે દિવસ નથી

સર્જકના સથવારે -રમેશ પુરોહિત
સૂરત અને આજુબાજુનાં રાંદેર સહિતનાં ગામોમાંથી ઘણા શાયરો મળ્યા છે. રાંદેર તો મુખ્ય મથક અને આસિમ રાંદેરીના નામ થકી પ્રખ્યાત. સૂરતની બાજુના કઠોરમાં અહમદ આકુજી ‘સીરતી’ જેવો મસ્તમિજાજી શાયર હતો તો નવસારી વિભાગમાં આવેલા જલાલપુરમાં મૂસા યુસુફ નૂરી ‘નૂરી’ શયદાની પેઢીના નિષ્ઠાવાન શાયર, કેળવણીકાર અને પત્રકાર હતા. નૂરી અટક હતી અને ઉપનામ પણ ‘નૂરી’ રાખ્યું. એમનો જન્મ 25-3-1917માં જલાલપુરમાં. મૅટ્રિક સુધીનો અભ્યાસ કરીને શિક્ષકનો વ્યવસાય સ્વીકારી લીધો.
અભ્યાસ, ખંત અને સ્વયંસ્કુરણાથી ફક્ત 15 વર્ષની વયે ગઝલ કહેવાનું શરૂ કરીને 1994ના ફેબ્રુઆરીની 13મી તારીખે ઇંતેકાલ થયો ત્યાં સુધી સતત ગઝલની આરાધના કરી હતી. એમનો પ્રથમ ગઝલ સંગ્રહ ‘અવસર’ 1968માં પ્રગટ થયો હતો. આપણા અગ્રગણ્ય શાયર ‘મરીઝ’ ‘અવસર’ની પ્રસ્તાવનામાં નોંધે છે: ‘લાગણીશીલ હૈયાને મુગ્ધ કરી નાખે એવા અનેક શે’રો ભાઈ ‘નૂરી’ની ગઝલોમાં મોજૂદ છે. નિષ્ફળ પ્રણય, વહેવારિક આઘાત, સામાજિક અન્યાય તો કોઈ ઠેકાણે આધ્યાત્મિક નિદર્શન એમની ગઝલોમાં સંચિત છે, અને એવા બીજા અનેક વિષયોનું નિરૂપણ એમણે ગઝલના હાર્દને સાચવીને કરેલું છે. એ બળ પર તેઓ પ્રથમ શ્રેણીના ગઝલકાર લેખી શકાય.’
સૈફ પાલનપુરીએ પરિચયરૂપે એ સંગ્રહમાં લખેલું કે ‘સીધાંસાદાં વસ્ત્રો, સીધોસાદો ચહેરો અને સીધીસાદી વાતચીત. રસ્તામાં તમારી પાસે થઈને જો ‘નૂરી’ ભાઈ પસાર થઈ જાય તો કોઈ પ્રતિભા પસાર થઈ છે, એવો આંચકો તમને ન લાગે કારણ કે ‘નૂરી’ની પ્રતિભા જાણવા અને માણવા માટે તો એમની ગઝલોની નજીકાઈ સાધવી આવશ્યક છે. છેલ્લાં પંદરેક વર્ષથી એક મિશનરીની જેમ ગઝલની ઉપાસના કરી રહેલા આ શાયરની દર્દીલી બાની તમારા હૈયામાં એક સુખદ વિસ્મય તરીકે સ્થાપિત થઈ જશે.’ ‘નૂરી’ની ગઝલ સાધના મુશાયરા પ્રસિદ્ધિની ઓશિયાળી નથી. એ દિલની વાતો ગઝલની આંગળી પકડીને ઠાલવતા હતા. સૈફ આગળ નોંધે છે: ‘ગુજરાતી ગઝલ સાહિત્યનો જ્યારે કોઈ તટસ્થ યુગ આવશે ત્યારે ગઝલના એ મતવાલાઓની અંજુમનમાં એક જામ પર ‘નૂરી’નું નામ પણ મોટા અક્ષરે કોતરાયેલું હશે, એ નિર્વિવાદ છે.
શિક્ષણવિદ્, સાહિત્યકાર અને કવિજીવ હોય તે સારા પત્રકાર બને છે. પત્રકારત્વ પણ ઉતાવળે સર્જાતું સાહિત્ય જ છે. ભાઈ ‘નૂરી’ સારા પત્રકાર હતા. મુંબઈમાંથી પ્રગટ થતાં જામેજમશેદ વર્તમાનપત્રમાં એમણે પત્રકાર તરીકે નોંધનીય યોગદાન આપ્યું હતું. વિરહની અવસ્થામાં શું વીતે છે તેનો તાદૃશ ચિતાર આપતા શેર જુઓ:
પરિસ્થિતિ હવે પહોંચી ગઈ છે ક્યાં સુધી, જો જો!
ગમે તે આવતું હો પણ, તમારું આગમન લાગે
* * *
ઘડી-પળમાં હૃદય સંબંધને તોડી તમે ચાલ્યાં.
કે જે વિકસાવવા બેસો તો વરસોના વરસ લાગે
* * *
જુદાઈમાં જીવે છે એની કઠણાઈને માપી જો
વિતાવા માટે તો નહિતર બધા સરખા દિવસ લાગે.
* * *
રૂઠી જવું મનાવવું, ક્યાં છે હવે નસીબમાં?
તારો હવે સમય નથી, મારા હવે દિવસ નથી.
* * *
આજ સમય ફરી ગયો, કેવી અસર કરી ગયો!
આજ તો તારા પત્રને વાંચવામાં ય રસ નથી.
ગઝલ એ પ્રેમની ભાષા છે, પ્યારની ગુફતગૂ છે, સ્નેહની સોબત છે અને રંગીનીઓની રંગત છે. એટલે કવિહૃદય પ્રેમની દાસ્તાન પર કલમ ન ચલાવે એવું ન બને.
‘નૂરી’ના થોડાક પ્રેમવિષયક શેર જોઈએ:
દીવાનગી જ પ્રેમની એક સાચી રીત છે.
બીજું તો તારા રાહમાં મોટું ગણિત છે.
પ્રત્યેક શ્ર્વાસ તારો છે, પ્રત્યેક દમમાં તું
દિલમાં ભલે ને જોવામાં દુનિયાની પ્રીત છે.
* * *
ચીંધે છે આંગળી લોકો, બધા એ જાણે છે
કે મારો હાલ તો તારા કહ્યા પ્રમાણે છે
બધો યે મારાપણાનો મરી ગયો આનંદ
કે મારા કરતાં મને તું વધારે જાણે છે.
* * *
પ્રેમમાં કેવી મજા? ક્યાંની મજા? પણ આજીવન-
એટલું સમજાયું એક સંવેદના થઈ જાય છે
વાત જ્યારે દિલની સાથે આપની છેડું છું હું
મારી એકલતાય પણ ત્યારે સભા થઈ જાય છે.
* * *
પ્રેમ શું છે, એ ખબર તો પછી ‘નૂરી’ પડી, એના જીવનમાંથી જ્યારે દૂર હું થઈ જાઉં છું. જીવનમાં અલ્પ સુખના સમયમાં ઇચ્છાઓ પૂરી થતી નથી. દુ:ખના લાંબા સમયમાં સમાજ, મિત્રો, સંબંધીઓ અને સ્નેહીઓ તરફથી વ્યથા, દુ:ખ-દર્દ અવમાનના, તિરસ્કાર અને અપયશની સોગાદ મળ્યા કરતી હોય છે એટલે સર્જક પોતાના દિલના દર્દને વ્યક્ત કર્યા વગર રહી શકતો નથી. સામાજિક વિષમતા અને અન્યાય પણ વિષય બનતો હોય છે.
આવા થોડાક શેર જોઈએ: કેટલા ગમ પી ગયો છું હું ખુશીના ખ્વાબમાં કંટકો ચૂમી લીધા છે મેં કળીના ખ્વાબમાં
ખ્વાબ છે કે છે હકીકત, એ ન સમજાયું હજી જિંદગી પૂરી થઈ ગઈ, જિંદગીના ખ્વાબમાં દુનિયાના બંધનો અને અંકુશ છે ખુદા સ્વર્ગે સુરા હલાલ: મુકદ્દરની વાત છે ‘નૂરી’નું મોત જાણે કે સામાન્ય પ્રસંગ કંઈ પણ નથી ધમાલ: મુકદ્દરની વાત છે
* * *
જીવન હશે, કે ખાલી આ જીવનનો ભાસ છે?
કે ત્યાંના ત્યાં જ છીએ ને ચાલુ પ્રવાસ છે?
નીરખી લીધાં છે તમને હજારો વખત છતાં
દિલને તરસ છે એની એ, આંખોને પ્યાસ છે
* * *
વધુ પડતા નશામાં હાથ કંપી જાય છે સાકી
તને તૌબાનો એમાં અંશ કંઈ દેખાય છે સાકી!
* * *
દુ:ખના એવા થયા અનુભવ કે –
જે મળે એને હાલ પૂછું છું
આંસુ ટપકે જો કોઈની આંખે,
મારી આંખોને ભ્રમમાં લૂછું છું.
* * *
તમે હતા તો હતું ઘરમાં કંઈક ઘર જેવું
તમે ગયા તો નથી રહી શક્યું આ ઘર ઘરમાં
કરી લઉં છું હું પડછાયા સાથે પણ વાતો
પછી મને શું ભલા લાગવાનો ડર ઘરમાં?
* * *
નજર લાગી જવાનો જેમને ડર હોય છે, ‘નૂરી’
હું બંધ આંખો કરીને એમનાં દર્શન કરી લઉં છું.
* * *
જીવનભરની લઈને ઝંખના ‘નૂરી’ ગયો ત્યારે
તમારાં આજ કંઈ એની કબર પર થાય છે પગલાં