ખૂબસૂરત – યુવાન ને પ્રેમપાત્ર હોવાથી 26 વર્ષની દોજખની સજા

હેં… ખરેખર?! -પ્રફુલ શાહ
બ્લાજ મોન્જે બ્લાજ મોન્જેનું જીવન પરી જેવું હતું. ફ્રાંસમાં જન્મ, ધનવાન, સન્માનીય માતા-પિતા, પોતે એકની એક દીકરી, સાથે એક ભાઇ, કદ-કાઠી સરસ-આકર્ષક અને એકદમ રૂપાળી યુવાનીમાં પગ મૂકતા મોટા ભાગની યુવતીઓની જેવા જ એનાં સપનાં. મનનો માણીગર મળી જાય. લગ્ન કરે, પોતીકું ઘર હોય, સંતાન થાય અને સુખી સંસાર હોય. આમાં કંઇ ખોટું નહોતું. બ્લાજ એમ જ વિચારતી હતી ને એના સપનામાં રાચતી હતી. ઇ. સ. 1849ની પહેલી માર્ચે ફ્રાંસના ધનવાન પણ રૂઢિચુસ્ત પરિવારમાં જન્મેલી બ્લાજના પિતા ચાર્લ્સ એઝિલ, માતા લુઇ અને ભાઇ માર્સેલને કોઇ વાતે દુ:ખ નહોતું. કહો કે દુ:ખની કલ્પના સુધ્ધાં નહોતી. વંશ પરંપરાગત સમૃદ્ધિ હતી. એ પણ નવાબી કહી શકાય એવી. પોઇટીયર્સ નગરમાં પાંચમાં પૂછાય એવો પરિવાર.
બ્લાજ મોટી થઇ ત્યારે મનમોહક રૂપ, અનહદ યૌવન અને પહેલી નજરે આંખમાં વસી જાય ને દિલમાં વસી જાય એવું વ્યક્તિત્વ. ઘણાં યુવાનો એના પર મરતા હતા. પણ બ્લાજનું દિલ એક વકીલ પર આવી ગયું. બ્લાજની પ્રીતિને પાત્ર બનેલા નસીબદારમાં બે ખામી હતી. એક, એ બ્લાઝથી થોડો મોટો હતો. બીજુ, એ મોન્જે કુટુંબની સરખામણીમાં ઘણો ગરીબ હતો. બ્લાજના મમ્મીના શબ્દમાં ‘પેનીલેસ’ અર્થાત કંગાળ ફક્કડ ગિરધારી હતો. બ્લાજને મનાવાઇ, ખૂબ સમજાવાઇ બીજા કોઇ સમકક્ષ યુવાનને પસંદ કરવાની હિમાયત થઇ. પણ 25 વર્ષની બ્લાજ ધરાર એકની બે ન થઇ. મમ્મી લુઇથી આ સહન ન થયું. દીકરી કંગાળનું ઘર વસાવે? અને પોતાની-એની મમ્મીની વાતની અવગણના કરે? યે કૈસે હો સકતા હૈ!
અને માનવ-ઇતિહાસમાં ભાગ્યે જ કોઇ માતાએ ભર્યું એવું પગલું લુઇએ ભર્યું તેણે 1876માં 27 વર્ષની બ્લાજને એક નાનકડી ઓરડીમાં પૂરી દીધી. મા-બાપ સંતાનની અકકલ ઠેકાણે લાવવા બે-પાંચ કલાક કે એકાદ દિવસ આવી સખ્તાઇ અપનાવે એવું થાય કે જે હકીકતમાં ક્યારેય ન બનવું જોઇએ, પરંતુ લુઇના શરીરમાં માતાની લાગણી કે હૃદય હોય એવું લાગ્યું નહીં. કારણકે બ્લાજને સોફા જેવા નાનકડા પલંગ પર સાંકળથી બાંધી દેવાઇ હતી. રૂમમાં કયાંયથી કયારેક પ્રકારનું કિરણ ન આવે એવી ગોઠવણ થઇ હતી. એને બધુ બંધનાવસ્થા પલંગમાં જ કરવાનું. ખાવા, પીવાનું, આરામ કરવાનો અને મળ-મૂત્ર વિસર્જન પણ ત્યાંને ત્યાં.
પણ યુવાન દીકરી લાંબો સમય ન દેખાય તો સગાવહાલાં, પાડોશી અને મિત્રો સવાલ કરવાના જ. એમને શું જવાબ આપ્યા? આ માટે બેે નોંધ મળે છે. પહેલી વાત એવી આવી કે મોન્જે કુટુંબે એકની એક યુવાન દીકરી લાપતા થઇ ગઇ હોવાનો ઢોંગ કર્યો, ચહેરા પર દુ:ખ વેદનાના મુખવટા પહેરી રાખ્યા. બીજી વાત સાવ અલગ જ છે. બ્લાજને ભણવા માટે ઇંગ્લેન્ડ મોકલાવી છે. એની પાસે વતન પાછા ફરવાની નવરાશ નથી. છેલ્લે-છેલ્લે ત્યાં સુધી ટાઢા પહોરનું ગપ્પું પણ હંકાર્યું કે એ પરણીને ત્યાં જ સ્થાયી થઇ ગઇ છે અને અહીં પાછી ફરવા માગતી નથી.
બ્લાજના બહારની દુનિયા સાથેના તમામ સંબંધો કાપી નખાયા. મિત્રો, પાડોશી કે સગા સાથે લેશમાત્ર સંબંધ નહીં. માત્ર ઘરના અને એમાંય માતા, ભાઇ અને એકાદ નોકર સિવાય કોઇના મોઢા જોવા ન મળે. નામ પૂરતું ખાવાનું ને બે ચાંગળું પાણી મળે. આમને આમ દિવસો, અઠવાડિયા, મહિના અને વરસો વીતતાં ગયાં. ન દીકરીએ જીદ છોડી કે ન મમ્મી નરમ પડી. ભાઇ માર્સેલ મમ્મીની તરફેણમાં હતો પણ પપ્પાના રોલ પર કોઇ માહિતી ઉપલબ્ધ નથી. શું વ્હાલના દરિયા જેવી દીકરી પરના અમાનુષી અત્યાચારને એ બાપ મૂક મોઢે જોઇ રહ્યો હશે કે પછી આ દોઝખ માટે એની મૌન સંમતિ હશે.
બ્લાજના કેદના દશેક વર્ષ બાદ પ્રેમી વકીલનું અવસાન થયું. હવે તે રહી સહી પૃચ્છા કરનારું ય કોઇ ન બચ્યું આને લીધે મોનીયેર કુટુંબને કાયમી નિરાંત થઇ ગઇ. આમ છતાં એમના હૃદયમાં જરાય પરિવર્તન ન થયા. ન દીકરી પર દયા આવી કે ન એને છોડવાનો વિચાર કર્યો. બ્લાજે 26-26 વર્ષ આવી ભયંકર કેર, યાતનામાં વિતાવ્યા. કદાચ નાઝી યાતના છાવણીમાં ય કોઇ આટલો લાંબો સમય સબડયા નહોતા. ત્યાં ઘણાંને મોતરૂપે જલદી છુટકારો મળી ગયો હતો. પણ બ્લાજના નસીબમાં એ પણ નહોતું. જોકે હવે એની માનસિક હાલત એવી હતી કે સારા-નરસાનું ભાન ગુમાવી બેઠી હતી. સુખ-દુ:ખ વચ્ચેનું અંતર ભુંસાઇ ગયું હતું. શરીર આપોઆપ શ્વાસ લેતું હતું એટલે જીવતી હતી. આ એકદમ અકલ્પનીય ઘટના હતી. એમાં 26 વર્ષ બાદ ઓચિંતો એક ટ્વીસ્ટ આવ્યો. કોઇ અજાણી વ્યક્તિએ 1901ની 23મી માર્ચે પેરિસના સરકારી વકીલને પત્ર લખીને માહિતી આપી કે પોઇટિયર્સ નગરનો એક રાજાવંત પરિવાર બંધ બારણાં પાછળ કંઇક છુપાડીને બેઠો છે.
1901ની પહેલી મેએ પોલીસ મોન્જે પરિવારના ઘરે પહોંચી. પૂછપરછમાં કુટુંબીજનો લાળા ચાવવા માંડયા. પોલીસને લીલા તોરણે પાછા વળાવવાના પેતરાં રચવા માંડયા, પરંતુ પોલીસ ધરાર ન માની. આખા ઘરમાં તપાસ અને શોધખોળ બાદ તેઓ છેલ્લી ઓરડી ભણી આગળ વધ્યા. એ ઓરડીનો દરવાજો ખોલતા જ મગજ બહેર મારી જાય એવી ગંધે આક્રમણ કર્યું. પૂરું અજવાળું નહોતું કે કંઇ દેખાય. આગળ વધીને જોયું તો ખૂણામાં હાડપિંજર જેવી બ્લાજ પડી હતી. ચહેરા અને આખા શરીર પર જયાં-ત્યાં વાસી ખોરાક અને મળ લાગેલા હતા. મેલી, ફાટેલી, ચટાઇ પર જયાં ત્યાં શાકભાજી માછલી, બ્રેડ અને માંસના સડેલા ટુકડાં વેરણછેરણ પડયા હતા. માખી બણબણતી હતી. મચ્છરો ઊડ ઊડ કરતા હતા. સી ફૂડના અંશ અને છીપલાંય નજરે પડયા. અઢી દાયકાથી વધુ સમય તેલ, કાંસકા અને સ્પર્શ વગરના વાળમાંથી કંઇક વિચિત્ર વાસ આવતી હતી. પોલીસ ટુકડી માટે વધુ ખાસ કે પૂછપરછ કરવાનું શકય ન બને એવી ગંધ નાકમાંથી હટતી નહોતી.
માંડમાંડ બ્લાજને ઉગારીને બહાર લઇ ગયા. પણ હવે મુક્તિનો આનંદ અનુભવવા જેટલી ય સમજ એનામાં બચી નહોતી. મોન્જે પરિવાર સામે ખટલો શરૂ થયાના 15 દિવસમાં પિતા ચાર્લ્સ એઝિલ અવસાન પામ્યા. ભાઇએ આ કુકર્મનાં સીધો સાથ આપ્યાનું સાબિત ન થયું. વળી, એ સમયના કાયદા મુજબ ભઇલા માર્સેલે જે કર્યું એ અપરાધ ગણાતો ન હોવાથી એ બચી ગયો. માતાને પણ માનસિક રીતે અસ્વસ્થ કરાર કરી દેવાઇ એટલે એનેય સજા ન થઇ. — અને બ્લાજ મોન્જેનું શું થયું? એને હોસ્પિટલમાં દાખલ કરાઇ. તપાસમાં બહાર આવ્યું કે એ સ્ક્રિઝોફેનિયા, એનોરિક્સમાં નર્વોસા, એક્ઝિબિટોનિઝમ અને કોરોફિલિયા સહિતની અનેક બીમારીથી પીડાઇ રહી છે. બ્લાજને બ્લોઇસ સ્થિત સાઇક્રિયાટીક હૉસ્પિટલમાં ખસેડાઇ, જયાં 1913ની તેરમી ઓક્ટોબરે ગુમનામીમાં તેણે અંતિમ શ્વાસ લીધા. અફકોર્સ, આ મોત એને જિંદગી કરતાં અનેકગણું સુખદ અને નિરાંતમય લાગ્યું હશે.